AMC માં પ્લોટ ફાળવણી કૌભાંડ
એસ્ટેટ વિભાગની 'વ્હાલા-દવલા'ની નીતિ સામે સ્ટેન્ડિંગ કમિટી લાલઘૂમ, નવી પોલિસી બનાવવા આદેશ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
AMC Plot Lease Scam Suspected: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની માલિકીના કિંમતી પ્લોટો સસ્તા ભાડે આપીને આચરવામાં આવી રહેલી વ્યાપક ગેરરીતિઓનો મોટો પર્દાફાશ થયો છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પ્લોટ ભાડે રાખનારા તત્વો વચ્ચેની મિલીભગત તેમજ 'વ્હાલા-દવલા' ની નીતિ સામે સ્ટેન્ડિંગ કમિટીએ આકરો વલણ અપનાવ્યો છે. સત્તાવાર 'નિયમોની ઐસી તૈસી' કરીને કરોડો રૂપિયાના પ્લોટો બારોબાર પધરાવી દેવાના કિસ્સાઓ સામે આવ્યા બાદ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા એસ્ટેટ વિભાગને તાત્કાલિક અસરથી એક ચોક્કસ અને કડક નીતિ ઘડીને કમિટી સમક્ષ રજૂ કરવા માટે કડક આદેશ જારી કરવામાં આવ્યા છે.
દર 6 મહિને બદલાતી પોલિસી અને સ્ટેન્ડિંગ કમિટીને અંધારામાં રાખવાની રમત
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે પક્ષપાતી વલણનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની માલિકીના પ્લોટ ભાડે આપવાની નીતિમાં દર 6 મહિને એસ્ટેટ વિભાગ દ્વારા મનસ્વી રીતે ફેરફાર કરી દેવામાં આવતો હતો. સામાન્ય રીતે જ્યારે કોઈ પ્લોટ 6 મહિના કે 1 વર્ષ માટે ભાડે અપાય છે, ત્યારે તેને રીન્યુ કરતી વખતે નિયમો બદલી નાખવામાં આવતા હતા. નિયમ મુજબ ધાર્મિક હેતુ સિવાયના તમામ પ્લોટ ભાડે આપવાની દરખાસ્ત મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ લાવવી અનિવાર્ય છે. આમ છતાં, એસ્ટેટ વિભાગના અધિકારીઓ કમિટીને સંપૂર્ણપણે અંધારામાં રાખીને બારોબાર જ પ્લોટોની ફાળવણી કરી દેતા હતા. આ ગંભીર બાબતને પગલે હવેથી તમામ પ્રકારની દરખાસ્તો કમિટી સમક્ષ લાવવા અને પારદર્શક નીતિ ઘડવા માટે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
સરકારી પ્લોટ પર ગેરકાયદે ફૂડ કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ શેડ અને લેબર કોલોનીનો રાફડો
એસ્ટેટ વિભાગની મિલીભગતના કારણે શહેરના અનેક વિસ્તારોમાં મ્યુનિસિપલ પ્લોટોનો દુરુપયોગ થઈ રહ્યો છે. કોર્પોરેશનની જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ શેડ ઊભા કરી દેવાયા છે, તો વળી કેટલીક પ્રાઇમ લોકેશન વાળી જગ્યાઓ પર ગેરકાયદે ફૂડ કોર્ટ અને ખાણીપીણીના મોટા બજારો ધમધમી રહ્યા છે. પ્લોટ ફાળવણીના નિયમોની વાત કરીએ તો, વર્ષ 2022 થી અમલમાં આવેલી પોલિસીમાં અધિકારીઓએ ટૂંકા ગાળામાં 2 વખત 6-6 મહિનાના સુધારા કર્યા હતા. ત્યાર બાદ લૂપહોલ શોધવા માટે '6 મહિના' શબ્દ જ હટાવીને '12 મહિના' નો નવો સુધારો ઘુસાડી દેવાયો હતો. માર્ચ 2025 માં કરાયેલા સુધારા બાદ આ નીતિ 16 સપ્ટેમ્બર 2025 થી અમલી બની હતી, જેની સત્તાવાર મુદત માર્ચ 2026 માં પૂર્ણ થઈ ચૂકી છે.
અધિકારીઓ દ્વારા શબ્દોનું મનઘડત અર્થઘટન અને પેટા ભાડાનું મોટું કૌભાંડ
શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં એક આખું વ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું છે. કેટલાક વગદાર લોકો એસ્ટેટ વિભાગમાંથી સિઝનલ ધંધાના નામે નજીવા ભાવે કોર્પોરેશનના પ્લોટ ભાડે મેળવે છે. ત્યારબાદ આ પ્લોટોમાં નાના-નાના સ્ટોલ અને બજારો બનાવીને અન્ય વેપારીઓને ઊંચા ભાવે પેટા ભાડે (સબ-લેટિંગ) આપીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય કારણ એ છે કે એસ્ટેટ ખાતાના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઓફિશિયલ પોલિસીના શબ્દોનું પોતાના ફાયદા માટે મનફાવે તેમ અર્થઘટન કરીને આખી નીતિ ભ્રષ્ટ કરી નાખી છે, જેની જાણ સ્ટેન્ડિંગ કમિટીને થવા દીધી નહોતી.
રાજકીય આગેવાનો અને કોર્પોરેટરોની છૂપી ભાગીદારીના ગંભીર આક્ષેપો
આ પ્લોટ કૌભાંડના તાર માત્ર અધિકારીઓ સુધી સીમિત નથી, પરંતુ તેમાં સ્થાનિક રાજકીય નેતાઓ અને કોર્પોરેટરોની સંડોવણી હોવાના પણ ભૂતકાળમાં પુરાવા મળ્યા છે. જુદા જુદા ઝોન અને વોર્ડના એસ્ટેટ સ્ટાફની મદદથી કેટલાક રાજકીય આગેવાનો પ્લોટ બારોબાર ભાડે આપીને સીધી કમાણી કરે છે. આ સિવાય 6 મહિનાની મુદત પૂરી થાય તે પહેલાં જ સેટિંગ કરીને એ જ પ્લોટ ફરીથી પોતાના નામે કરાવી લેવાની કમાણીની મોડસ ઓપરેન્ડી પણ ચાલી રહી છે. કેટલાક કિસ્સામાં તો સ્થાનિક કોર્પોરેટરોની આ ગેરકાયદે ધંધાઓમાં છૂપી ભાગીદારી હોવાના આક્ષેપોથી મ્યુનિસિપલ રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને બિલ્ડરોને લેબર કોલોની બનાવવા, પ્રાઇવેટ ઓફિસ ઊભી કરવા કે બાંધકામનો કાટમાળ નાખવા માટે કોઈપણ જાતની તપાસ વગર પ્લોટ પધરાવી દેવાયા છે.
હોર્ડિંગ્સ અને બેનરો માટે હવે નાણાં જમા થયા બાદ જ મળશે મંજૂરી
આ પ્લોટ વિવાદ ઉપરાંત, કોર્પોરેશનની આવકને ચૂનો લગાવતી અન્ય એક ગેરરીતિ પણ સ્ટેન્ડિંગ કમિટીના ધ્યાને આવી છે. કેટલીક સંસ્થાઓ અને વગદાર લોકો સામાજિક કે અન્ય કાર્યોના નામે માત્ર ટોકન દરે શહેરમાં કામચલાઉ બેનરો અને હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી મેળવી લેતા હતા, પરંતુ તેઓ આ નિયત કરાયેલી ટોકન ફી પણ કોર્પોરેશનની તિજોરીમાં જમા કરાવતા નહોતા. આ નુકસાનને રોકવા માટે ચેરમેન કમલેશ પટેલે આદેશ આપ્યો છે કે, હવેથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને નાણાં પૂરેપૂરા જમા થયાની સત્તાવાર રસીદ મળ્યા બાદ જ હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી પત્ર આપવામાં આવશે. એટલું જ નહીં, આવા બોર્ડ-બેનરો પર અગાઉ લખાતા સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબરના બદલે હવેથી ફરજિયાતપણે નાણાં જમા થયાની રસીદનો નંબર (પાવતી નંબર) લખવો પડશે, જેથી ગેરકાયદે બેનરો પર તુરંત લગામ લગાવી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ