ગુજરાતમાંથી દીપડા પકડીને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ
દીપડાને નદી પાર કરાવાતા વીડિયોને વન મંત્રી મુકેશ પટેલે ફેક ગણાવ્યો

દીપડાને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ

દીપડાને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ
સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગુજરાતના વન વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાતમાંથી પકડેલા દીપડાઓને વન વિભાગ મહારાષ્ટ્રના ગામડાંમાં છોડી મૂકતા હોવાનો આક્ષેપ કરાયો છે. બોટમાં દીપડાને નદી પાર કરાવી છોડી મૂકાતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાતના વન વિભાગ પર સવાલ ઊઠતાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વીડિયોને ફેક ગણાવી ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
ગુજરાતમાંથી પકડાયેલા દીપડાઓને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જંગલોમાં છોડવામાં આવતાં હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કરી વિરોધ કર્યો છે. મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલાં ગામોમાં નર્મદા નદીના જળમાર્ગે બાર્જ બોટ મારફતે દીપડાઓને મણિબેલી અને ચીમલખેડી વિસ્તારમાં લાવવામાં આવતા હોવાનો સ્થાનિકોનું કહેવું છે. ગુજરાતના વન વિભાગની નીતિ પર સ્થાનિક લોકોએ સવાલ ઉઠાવ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ ગુજરાતના વન વિભાગના અધિકારીઓ બાર્જ બોટમાં પાંજરે પૂરેલા દીપડાને નંદુરબાર જિલ્લાના મણિબેલી અને ચીમલખેડી વિસ્તારમાં છોડવા માટે આવ્યા હતા. એ સમયે ગ્રામજનોને જાણ થતાં વિરોધ કર્યો હતો. લોકોના ઉગ્ર વિરોધને જોઈ ગુજરાતના વન વિભાગના અધિકારીઓ પાંજરે પૂરેલા દીપડાને લઈ પરત ફર્યા હતા.
મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સ્થાનિક સુરજી વસાવેએ જણાવ્યુ કે, છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાંથી 3 થી 4 દીપડાને આ વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. દીપડાઓને છોડવામાં આવ્યા છે ત્યાં નર્મદા નદી કિનારે આવેલાં 33 ગામ છે. આ ગામોમાં શાળાઓ અને રહેણાંક વિસ્તાર પણ છે. આ દીપડાઓ સ્થાનિક લોકોની જિંદગી માટે ખતરો ઊભો કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ગુજરાત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દાદાગીરી કરી અમારા વિસ્તારમાં બોટની અંદર પાંજરે પૂરેલા દીપડાને લઈને આવ્યા હતા. આ આદિવાસી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રહે છે. અહીં બાળકો ભણવા માટે જાય છે. સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતાં તેઓ પરત ફર્યા હતા. આદિવાસી વિસ્તારના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. દીપડા અહીં છોડી જવાથી સ્થાનિકો માટે જીવનું જોખમ ઊભું થાય છે.
બોટમાં પાંજરે પૂરેલા દીપડાનાં વાયરલ થયેલા વીડિયોને લઈ ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે "મારી પાસે પણ વાયરલ વીડિયો આવ્યો છે. અમારા વન વિભાગના અધિકારીઓ દીપડાનું રેસ્ક્યૂ કરી અન્ય રાજ્યમાં મોકલતા નથી. ગુજરાતમાં દીપડા છોડવા માટે પર્યાપ્ત જંગલ છે. ગુજરાત પાસે મોટું જંગલ હોય તો શા માટે આ રાજ્યમાં મોકલીએ. વન વિભાગ દ્વારા મોટા ભાગના દીપડાઓ પર જીપીએસ ટ્રેકર લગાવવામાં આવે છે. દીપડાની તમામ મુવમેન્ટ પર વન વિભાગની સંપૂર્ણ નજર હોય છે. દીપડાના હુમલા વધી જતાં ગુજરાત સરકારે જીપીએસ ટ્રેકર લગાવવાનું શરૂ કર્યું છે. કોઈ ટીખળખોરે ગુજરાતને બદનામ કરવા માટે કાવતરું કર્યુ હોય તેમ લાગી રહ્યુ છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.