અમદાવાદ: દધિચી બ્રિજ પર યુવકનો આપઘાતનો પ્રયાસ
19 વર્ષીય યુવકે સાબરમતીમાં માર્યો કૂદકો, રિક્ષાચાલકની દોરી અને ફાયરની ટીમે ઉગાર્યો જીવ

આત્મહત્યા પ્રયાસ

આત્મહત્યા પ્રયાસ
અમદાવાદમાં માનવતા મહેકી: સાબરમતીમાં કૂદેલા યુવકને બચાવવા લોકોએ લગાવી જીવની બાજી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા દધિચી બ્રિજ પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. શહેરના ભીમજીપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય યુવકે જિંદગીથી હારી જઈને સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, ઘટનાસ્થળે હાજર સ્થાનિકો અને ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે યુવકનો આબાદ બચાવ થયો છે.
સ્થાનિકોની સમયસૂચકતા અને રિક્ષાચાલકની મદદ :
બપોરના સમયે યુવક અચાનક બ્રિજની રેલિંગ પર ચડીને નદીમાં કૂદી પડ્યો હતો. આ દ્રશ્ય જોતા જ વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. યુવક પાણીમાં ડૂબવા લાગતા જ લોકોએ તેને બચાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલકે પોતાની પાસે રહેલી દોરી બ્રિજ પરથી નીચે ફેંકી હતી. યુવકે આ દોરી પકડી રાખતા તે પાણીની સપાટી પર તરતો રહ્યો હતો, જેના કારણે તેને ડૂબતો અટકાવી શકાયો હતો.
ફાયર બ્રિગેડનું ક્વિક રેસ્ક્યુ ઓપરેશન :
સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા જ સાબરમતી રિવરફ્રન્ટ પરથી ફાયરની રેસ્ક્યુ બોટ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયરના જવાનોએ પાણીમાં પહોંચી યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે યુવક જિંદગીથી કંટાળી ગયો હોવાથી આ અંતિમ પગલું ભરવા આવ્યો હતો.
પોલીસ તપાસ શરૂ :
ઘટનાની જાણ થતા સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનનો કાફલો પણ દોડી આવ્યો હતો. પોલીસે યુવકનો કબ્જો લઈ તેના પરિવારજનોને જાણ કરી છે. લોકોની હિંમત અને તંત્રની ઝડપી કાર્યવાહીને કારણે આજે એક આશાસ્પદ યુવકનો જીવ બચી ગયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.