સુભાષ બ્રિજ મામલે પદાધિકારીઓ અને અધિકારીઓ સામસામે
અધિકારીઓએ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને અંધારામાં રાખ્યા, મોટો વિવાદ થવાના એંધાણ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Ahmedabad Subhash Bridge Crisis: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લોકોની સુરક્ષા અને શહેરના પરિવહન સાથે સીધા જોડાયેલા મહત્વના સુભાષ બ્રિજ પ્રોજેક્ટમાં ગંભીર આયોજન વિના ઉતાવળિયો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ અત્યંત જૂનો અને જર્જરિત હોવા છતાં, અધિકારીઓએ શરૂઆતમાં કોઈ પણ પ્રકારનો વિગતવાર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કરાવવાની તસ્દી લીધી ન હતી. માત્ર પ્રાથમિક રિપોર્ટને આધાર બનાવીને બ્રિજનું ઉપરનું માળખું એટલે કે સુપર સ્ટ્રક્ચર તોડી પાડવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જોકે, જ્યારે વાસ્તવિક સ્તર પર ડિમોલિશનની કામગીરી શરૂ થઈ ત્યારે બ્રિજના મુખ્ય પિલ્લરમાં ગંભીર ખામીઓ અને જોખમ દેખાવા લાગ્યા હતા. જેના કારણે હવે વહીવટી તંત્રે પોતાનો નિર્ણય બદલીને સમગ્ર બ્રિજને જ જળમૂળથી તોડી પાડવાની ફરજ પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે હવે એવા તીખા સવાલો ઊભા થઈ રહ્યા છે કે લાખો લોકોની સુરક્ષા સાથે જોડાયેલા આ પ્રોજેક્ટમાં પહેલા કેમ ઊંડાણપૂર્વક તપાસ ન કરાઈ અને કોના દબાણમાં આવી ઉતાવળ કરવામાં આવી હતી.
તમામ પિલ્લરની તપાસ કરવાને બદલે માત્ર રેન્ડમ સેમ્પલિંગથી વહીવટી સંતોષ મનાયો
ઐતિહાસિક સુભાષ બ્રિજમાં તિરાડો પડવાની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ બ્રિજ કન્સલ્ટન્ટ અને દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના નિષ્ણાતો પાસે તપાસ કરાવવામાં આવી હતી. બ્રિજમાં ઊભી થયેલી તકનીકી ખામીઓનું મૂળ કારણ જાણવા માટેના રિપોર્ટ તૈયાર કરવામાં અને તેના આધારે આખરી નિર્ણય લેવામાં એન્જિનિયરિંગ વિભાગે ભારે આળસ અને બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. બ્રિજના રિપોર્ટિંગ સમયે તંત્રે માત્ર ઉપરછલ્લા સેમ્પલિંગ ટેસ્ટ કરાવ્યા હતા. આ આખા બ્રિજને મજબૂતી આપતા કુલ 9 પિલ્લર આવેલા છે, જેમાંથી તમામ પિલ્લરની વૈજ્ઞાનિક તપાસ કરવાની જગ્યાએ અધિકારીઓએ માત્ર 2 થી 3 પિલ્લરના જ રેન્ડમ સેમ્પલ લીધા હતા. આ અપૂર્ણ ડેટાના આધારે એવો ભ્રામક નિર્ણય લેવાયો કે બ્રિજનો એક પણ પિલ્લર તોડવાની જરૂર નથી અને માત્ર ઉપરનો ભાગ બદલીને કામ ચલાવી શકાશે. પરંતુ જ્યારે ગર્ડર તોડતી વખતે આખેઆખા સ્પાનમાંથી સિમેન્ટના પોપડા ઉખડવા માંડ્યા, ત્યારે અંદર લોખંડના સળિયામાં અતિશય રસ્ટિંગ એટલે કે કાટ લાગેલો જોવા મળ્યો હતો, જેણે તંત્રની પોલ ખોલી નાખી હતી.
IITના કન્સલ્ટન્ટ્સના વિગતવાર રિપોર્ટમાં આખો બ્રિજ તોડવાની સલાહ
આ ગંભીર પરિસ્થિતિ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગુરુવ દિનેશ અને ઇન્ચાર્જ સિટી એન્જિનિયર ઋષિ પંડ્યાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે અગાઉ માત્ર સુપર સ્ટ્રક્ચર તોડવાનો જ અભિપ્રાય હોવાથી તે મુજબ કામગીરી ફાળવવામાં આવી હતી. પરંતુ ડિમોલિશન દરમિયાન કન્સ્ટ્રક્શનમાં રહેલું મોટું જોખમ સામે આવતા તાત્કાલિક ધોરણે IIT ગાંધીનગર, IIT રૂરકી અને જાણીતા બ્રિજ કન્સલ્ટન્ટ એમ ટંડન પાસે વિગતવાર અને ઊંડાણપૂર્વકનો રિપોર્ટ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉચ્ચ સ્તરીય તપાસ બાદ નિષ્ણાતોએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે માત્ર સુપર સ્ટ્રક્ચર તોડીને જૂના પિલ્લર પર નવો બ્રિજ બનાવવો ટેક્નિકલી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તેની જગ્યાએ હયાત પિલ્લર સહિત આખેઆખું સ્ટ્રક્ચર તોડીને જો બિલકુલ નવો બ્રિજ બનાવવામાં આવે, તો જ આ બ્રિજ આગામી 100 વર્ષ સુધી સુરક્ષિત રીતે ટકી શકશે. અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે જે તે સમયે માત્ર પ્રાથમિક રિપોર્ટના આધારે જ ઉતાવળે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
કોર્પોરેશનના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લેવાયેલો એકતરફી નિર્ણય
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના મુખ્ય એન્જિનિયરો અને કન્સલ્ટન્ટ્સ દ્વારા સુભાષ બ્રિજ જેવા સંવેદનશીલ પ્રોજેક્ટમાં અત્યંત ઉતાવળિયો અને અપરિપક્વ નિર્ણય લેવાયો હોવાનું હવે જગજાહેર થઈ ગયું છે. આ એ જ એજન્સીઓ અને નિષ્ણાતો છે જેમણે અગાઉ વિવાદિત હાટકેશ્વર બ્રિજમાં પણ પોતાના અભિપ્રાયો આપ્યા હતા. આટલા મોટા ભૂતકાળના અનુભવો હોવા છતાં, અધિકારીઓએ જરૂરી ગંભીરતા દાખવી ન હતી. શરૂઆતમાં જ સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ તૈયાર કરીને તેના આધારે સચોટ ટેન્ડર બનાવવાની જગ્યાએ, કાગળ પર માત્ર સામાન્ય વિગતો ભરીને કરોડો રૂપિયાના ડિમોલિશનની પ્રક્રિયા શરૂ કરાવી દેવામાં આવી હતી, જે હવે કોર્પોરેશન માટે જ ગળે આવી ગઈ છે.
શહેરના પ્રથમ નાગરિક મેયર અને સ્ટેન્ડિંગ કમિટીને પણ લાંબો સમય અંધારામાં રખાયા
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને બ્રિજ પ્રોજેક્ટ વિભાગના એન્જિનિયરોની મનમાની માત્ર અહીં જ અટકી ન હતી, તેમણે ચૂંટાયેલી પાંખના સભ્યોને પણ અંધારામાં રાખ્યા હતા. બ્રિજ ડિમોલિશન દરમિયાન ગર્ડરમાંથી પોપડા પડવાની ઘટના, ત્યારબાદ કન્સલ્ટન્ટના નવા આદેશો અને આખો બ્રિજ તોડવાની આવેલી નોબત અંગે શાસક પક્ષ ભાજપના મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોઈ પણ સત્તાવાર જાણ કરવામાં આવી ન હતી. મેયર અને ચેરમેને મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રિજને સંપૂર્ણપણે તોડવો પડશે તેવો અહેવાલ જ્યારે મીડિયાના માધ્યમથી બહાર આવ્યો, ત્યારે જ તેમને આ બાબતની ખબર પડી હતી. મીડિયામાં હોબાળો થયા બાદ જાગેલા અધિકારીઓએ છેક 25 જૂનના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષ બ્રિજ અંગેની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ પ્રકારના વલણને કારણે પદાધિકારીઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો મોટો અભાવ હોવાનું સાબિત થયું છે અને ભાજપના હોદ્દેદારો અધિકારીઓની કાર્યશૈલી પર ભારે નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હવે 9 મહિનાના બદલે 16 મહિના સુધી શહેરીજનોએ ટ્રાફિકની હાલાકી ભોગવવી પડશે
નિષ્ણાતો અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના તમામ પિલ્લરને પણ તોડી પાડવાનો આખરી અભિપ્રાય આપવામાં આવતા હવે આ પ્રોજેક્ટની સમયમર્યાદામાં મોટો વધારો થઈ ગયો છે. અગાઉના પ્લાનિંગ મુજબ જે કામ માત્ર 9 મહિનામાં પૂરું થવાનું હતું, તે હવે વધીને અંદાજિત 16 મહિના જેટલું લાંબું ખેંચાશે. આનો અર્થ એ થાય છે કે હવે આગામી વર્ષે એપ્રિલ અથવા મે મહિનાની આસપાસ જ આ બ્રિજ બનીને તૈયાર થઈ શકશે. શરૂઆતમાં માત્ર ઉપરનું માળખું તોડતી વખતે હયાત બ્રિજના સ્પાન અને પિલ્લરમાં મોટું નુકસાન થવાની સંભાવનાઓ ઊભી થઈ હતી અને ગર્ડરમાં નવી ઊંડી તિરાડો દેખાવા લાગી હતી, જેના કારણે પિલ્લર તોડ્યા વિના નવો બ્રિજ બનાવવો અશક્ય બની ગયો હતો.
પ્રોજેક્ટ લંબાતા સમયની સાથે અંદાજિત પાંચ કરોડ રૂપિયાથી વધુનો વધારાનો આર્થિક બોજ
બ્રિજ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી વિવિધ એજન્સીઓના સંયુક્ત અહેવાલ બાદ હવે મ્યુનિસિપલ કમિશનર અને કન્સલ્ટન્ટ વચ્ચે લાંબી ચર્ચા-વિચારણાના અંતે બ્રિજને સંપૂર્ણપણે ડિમોલિશ કરવાનો આખરી મંજૂરીનો સિક્કો મારી દેવામાં આવ્યો છે. આ આખી નવી પ્રક્રિયાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરી પર મંજૂર થયેલા બજેટ કરતાં વધારાનો 5 કરોડ રૂપિયાથી પણ વધુનો આર્થિક બોજ આવશે. આ સિવાય, પ્રોજેક્ટ પૂરો થવાનો સમય પણ મૂળ મર્યાદા કરતાં વધુ 6 મહિના માટે લંબાઈ જશે, જેની સીધી આડઅસર રોજના હજારો વાહનચાલકો પર પડશે.
સ્ટેન્ડિંગ કમિટીમાં અગાઉ 235 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે બ્રિજ બનાવવાની મંજૂરી અપાઈ હતી
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતા આ અતિ મહત્વપૂર્ણ સુભાષ બ્રિજનો સ્પાન અચાનક બેસી જવાની ગંભીર ઘટના બાદ કોર્પોરેશન દ્વારા બ્રિજને તોડીને નવો તેમજ વર્તમાન જરૂરિયાત મુજબ પહોળો કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ પ્રોજેક્ટ માટે 235 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચને સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા આ નવા બ્રિજને જાન્યુઆરી 2027 માં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીઓની આ આયોજન વગરની નીતિ અને હવે આખો બ્રિજ નવેસરથી તોડવાના નિર્ણયને કારણે આ નાણાકીય ખર્ચ અને સમયમર્યાદા બંનેમાં મોટો વધારો થવો નિશ્ચિત છે.
ગત 4 ડિસેમ્બરના રોજ બ્રિજનો સ્પાન બેસી જતાં વાહનવ્યવહાર તાત્કાલિક બંધ કરાયો હતો
જો આ વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ગત 4 ડિસેમ્બર 2025 ના રોજ અમદાવાદના સુભાષ બ્રિજની મધ્યમાં મોટી તિરાડો પડી હોવાની અને બ્રિજના સ્પાનનો એક આખો ભાગ નીચે બેસી ગયો હોવાની ગંભીર ઘટના સપાટી પર આવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ મોટી જાનહાનિ ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બ્રિજ પરનો તમામ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરાઈ હતી. તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશને દેશની નામાંકિત એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓ સહિત IIT રૂરકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે બ્રિજની આંતરિક મજબૂતાઈ ચકાસવા માટેના વિવિધ અલ્ટ્રાસોનિક અને લોડ ટેસ્ટ કરાવ્યા હતા, જેના રિપોર્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં એન્જિનિયરો નિષ્ફળ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ