અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
38 આતંકવાદીઓની ફાંસીની સજા યથાવત, પીડિતોને ₹5 લાખ સુધીનું વળતર ચૂકવવા આદેશ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Ahmedabad Serial Bomb Blast Case: ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2008 ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં એક ઐતિહાસિક અને અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નીચલી અદાલત એટલે કે સિટી સેશન્સ કોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખ્યો છે. કોર્ટે તમામ દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોને નકારી કાઢીને 38 આતંકવાદીઓની ફાંસીની સજા (મૃત્યુદંડ) અને અન્ય 11 આરોપીઓની અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા મંજૂર રાખી છે. આ સાથે જ હાઈકોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને બ્લાસ્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજા પામેલા પીડિતોને 1 લાખ રૂપિયાનું આર્થિક વળતર 31 માર્ચ 2027 સુધીમાં ચૂકવી દેવાનો રાજ્ય સરકારને કડક આદેશ કર્યો છે.
દેશના ન્યાયિક ઇતિહાસનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો
આ અગાઉ 18 ફેબ્રુઆરી 2022 ના રોજ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે દેશના ન્યાયિક ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારીને એક નવો રેકોર્ડ સ્થાપ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા મુજબ, ફાંસીની સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટની મંજૂરી મેળવવા અરજી કરી હતી, જ્યારે બીજી તરફ સજા પામેલા 48 આરોપીઓએ નીચલી કોર્ટના આકરા ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. રસપ્રદ સંયોગ એ છે કે જ્યારે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે પણ મંગળવાર હતો અને આજે હાઈકોર્ટે પણ મંગળવારના દિવસે જ આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે.
26 જુલાઈ 2008 નો એ કાળો દિવસ: 90 મિનિટમાં ધ્રૂજી ઉઠ્યું હતું અમદાવાદ
આ ઘાતકી ઘટના 26 જુલાઈ 2008 ના શનિવારે સાંજે બની હતી. સાંજે 6:15 થી રાત્રે 7:45 વાગ્યા સુધીના માત્ર 90 મિનિટના ટૂંકા સમયગાળામાં અમદાવાદ શહેરના અલગ-અલગ 20 લોકેશન પર એક પછી એક 21 ભયાનક સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ આતંકી હુમલામાં 56 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નીપજ્યા હતા અને 246 થી વધુ લોકો ગંભીર રીતે લોહીલુહાણ થયા હતા. આતંકવાદીઓએ કાવતરાના ભાગરૂપે સાઇકલ, બસ અને કારમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. આ હુમલાની સૌથી ક્રૂરતા એ હતી કે જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે સિવિલ હોસ્પિટલ અને LG હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર પાર્ક કરેલી વેગન-આર અને મારુતિ કારમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા જેથી વધુમાં વધુ નુકસાન થઈ શકે.
બ્લાસ્ટની તીવ્રતાથી ધણધણી ઉઠેલા શહેરના મુખ્ય વિસ્તારો
આ સિરિયલ બ્લાસ્ટના કારણે અમદાવાદના અનેક રહેણાંક અને વ્યાપારી વિસ્તારો સ્મશાનભૂમિમાં ફેરવાઈ ગયા હતા. શહેરના જે મુખ્ય વિસ્તારો આ હુમલાથી ધણધણી ઉઠ્યા હતા તેમાં સિવિલ હોસ્પિટલ, LG હોસ્પિટલ, ખાડિયા, રાયપુર ચકલા, નારોલ સર્કલ, નરોડા, હાટકેશ્વર, જવાહર ચોક, ગોવિંદ વાડી, ઇસનપુર અને સરખેજ જેવા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટ્સ એટલા શક્તિશાળી હતા કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને આખું શહેર લાંબા સમય સુધી ભયના ઓથાર હેઠળ જીવી રહ્યું હતું.
હાઈકોર્ટ પરિસરમાં અભેદ્ય કિલ્લા જેવી ચુસ્ત પોલીસ સુરક્ષા
ચુકાદાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટ કેમ્પસને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું હતું. હાઈકોર્ટની આસપાસ અને અંદર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે તમામ મુલાકાતીઓની બેગનું કડક સ્કેનિંગ અને મેટલ ડિટેક્ટર દ્વારા તપાસ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી હતી. DCP હર્ષદ પટેલ, સોલા પોલીસ સ્ટેશનના PI, ગુજરાત યુનિવર્સિટીના PI સહિત 120 થી વધુ પોલીસ જવાનો અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP) ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS) દ્વારા આખી કોર્ટનું સઘન ચેકિંગ કરાયું હતું અને સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી દ્વારા રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું.
13 વર્ષ લાંબી કાનૂની લડાઈ
વર્ષ 2008 ના આ કાળા પ્રકરણ બાદ વર્ષ 2009 માં વિધિવત રીતે કેસની સુનાવણી શરૂ થઈ હતી. અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં કુલ 78 આરોપીઓ સામે લાંબી ટ્રાયલ ચાલી હતી. આ કેસની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મામલે કુલ 35 FIR નોંધવામાં આવી હતી અને પોલીસે જુદા જુદા તબક્કે 548 ચાર્જશીટ ફાઇલ કરી હતી. 13 વર્ષ લાંબી કાનૂની લડાઈ દરમિયાન અદાલતે 6,000 થી વધુ વૈજ્ઞાનિક અને ભૌતિક પુરાવાઓની ચકાસણી કરી હતી અને 1,163 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. સેશન્સ કોર્ટે 7,000 પાનાંનો વિસ્તૃત આખરી ચુકાદો આપ્યો હતો, જેની કુલ પેપર બુક આશરે 7.88 લાખ પાનાંની બનેલી છે. તપાસ એજન્સીઓએ ઘટનાના માત્ર 19 જ દિવસમાં સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરીને આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં 99 લોકોને આરોપી બનાવાયા હતા, જેમાંથી 82 આતંકવાદીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી. 18 ફેબ્રુઆરી 2022 ના રોજ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને 29 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.
દેશના વિવિધ રાજ્યોના રહેવાસી હતા ફાંસીની સજા પામેલા 38 દોષિતો
આતંકના આ કાવતરાના તાર દેશના ખૂણે-ખૂણે જોડાયેલા હતા. સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા અને હાઈકોર્ટ દ્વારા બહાલ રખાયેલા 38 દોષિતોમાં સરફુદ્દીન સલીમ (હૈદ્રાબાદ), સૈફુર રહેમાન, મોહંમદ તનવીર, જીશાન અહેમદ, જીયાઉર રહેમાન, મોહંમદશકીલ લુહાર, મુફ્તી અબુબસર શેખ, મોહંમદ આરિફ અને મોહંમદસૈફ શેખ (તમામ ઉત્તરપ્રદેશ), સાદુલી અ.કરીમ અને સીબલી અ.કરીમ (કેરળ), આમિન શેખ અને મોહંમદ મોબિન (મધ્યપ્રદેશ), કમરુદ્દીન ચાંદમોહંમદ નાગોરી, આમિલ પરવાજ અને સફદર નાગોરી (તમામ ઉજ્જૈન), મોહંમદ અકબર, ફઝલે રહેમાન અને આસિફ શેખ (પૂણે), અહેમદબાવા બરેલવી અને હાફિઝહુસૈન (કર્ણાટક), અફઝર ઉસ્માની અને મોહંમદ આરિફ (મુંબઈ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના સ્થાનિક કાવતરાખોરોમાં મોહંમદ સાજીદ (ભરૂચ), અબ્બાસ સમેજા (ભૂજ), મોહંમદ ઉસ્માન, કયામુદ્દીન કાપડિયા, ઈમરાન ઈબ્રાહિમ અને ઈકબાલ કાસમ (તમામ વડોદરા) તેમજ જાવેદ શેખ, મોહંમદ ઈસ્માઈલ, યુનુસ મંસૂરી, જાહિદ શેખ, શમસુદ્દીન શેખ, ગ્યાસુદ્દીન અંસારી અને મોહંમદ કાગઝી (તમામ અમદાવાદ) નો સમાવેશ થાય છે, જેમને ફાંસીના માચડે લટકાવવાનો આદેશ યથાવત રહ્યો છે.
આજીવન કારાવાસની સજા ભોગવનારા 11 ગુનેગારોની યાદી
અદાલતે જે 11 ગુનેગારોને તેમની આખરી જીંદગી સુધી જેલના સળિયા પાછળ ધકેલવાનો આદેશ આપ્યો છે, તેમાં અતિકુર રહેમાન, મહેંદીહસન અંસારી અને ઈમરાન અહેમદ પઠાણ (તમામ રાજસ્થાન), રફીઉદ્દીન કાપડિયા (ભરૂચ), અનિક ખાલિક સૈયદ (પૂણે), મોહંમદ નૌશાદ સૈયદ (કર્ણાટક), મોહંમદઅલી અંસારી, મોહંમદ સફિક અન્સારી અને મોહંમદ અબરાર મણીયાર (તમામ મધ્યપ્રદેશ), મોહંમદ અન્સાર નદવી (કેરળ) તેમજ મોહંમદ સાદિક શેખ (મુંબઈ) નો સમાવેશ થાય છે. આ તમામ ગુનેગારો ઉપર IPC ની હત્યાની કલમો ઉપરાંત ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદો (UAPA), એક્સપ્લોઝીવ સબસ્ટેન્સ એક્ટ, ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ, આઈટી (IT) એક્ટ અને આર્મ્સ એક્ટની કડક કલમો હેઠળ ગુનો સાબિત થયો છે.
હાલોલ અને કેરળના આતંકી કેમ્પમાં અપાઈ હતી તાલીમ
તપાસ એજન્સીઓના રિપોર્ટ અનુસાર, આ ભયાનક નરસંહારનું આયોજન કરવા માટે આતંકવાદીઓએ જાન્યુઆરી 2008 માં ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે અને કેરળના ગાઢ જંગલોમાં વિશેષ તાલીમ કેમ્પનું આયોજન કર્યું હતું. હાલોલ કેમ્પમાં 20 થી વધુ આતંકીઓએ ભાગ લીધો હતો. તેઓ ત્યાંની એક દરગાહના મુસાફરખાનામાં ગાડીઓ અને મોટરસાયકલ લઈને રોકાયા હતા અને સ્થાનિક લોકોને એવું જૂઠું બોલ્યા હતા કે તેઓ અહીં ટ્રેકિંગ માટે આવ્યા છે. તેઓ વહેલી સવારે જંગલોમાં જતા રહેતા અને રાત્રે પરત ફરતા હતા.
જન્નતની વાતો કરીને યુવકોનું બ્રેઈનવોશ કર્યું
આ કેમ્પમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI) ના સફદર નાગોરી સહિતના વરિષ્ઠ નેતાઓએ જેહાદી ભાષણો આપ્યા હતા અને જન્નતની વાતો કરીને યુવકોનું બ્રેઈનવોશ કર્યું હતું. કયામુદ્દીન નામના આતંકીએ કેરળ અને હાલોલ બંને કેમ્પમાં પેટ્રોલ બોમ્બ અને પાઇપ બોમ્બ બનાવવાની ઘાતક તાલીમ આપી હતી. આ કેમ્પમાં જ બકરી ઈદના દિવસે એવું નક્કી કરાયું હતું કે દેશને હચમચાવવા માટે ગુજરાતના સૌથી વ્યસ્ત અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ વિસ્ફોટો કરવામાં આવશે, જેનો અંતે ન્યાયતંત્રે ચુકાદો આપી પીડિતોને ન્યાય આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ