વિદ્યાર્થીને લાફો મારવો શિક્ષકને ભારે પડ્યો!
અમદાવાદના નિકોલની ચાણક્ય સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં કાનનો પડદો ફાટી ગયો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Ahmedabad Nikol Chanakya School : અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે બનેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ચિંતા ઊભી કરી છે.આરોપ છે કે પીટીના પિરિયડ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને લાફો મારતાં તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો. હાલ વિદ્યાર્થી ઈએનટી સર્જનની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો છે અને સ્થિતિમાં સુધારો નહીં થાય તો સર્જરી કરવાની જરૂર પડી શકે છે. સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ તાત્કાલિક તપાસના આદેશ આપીને શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો
ચાણક્ય સ્કૂલમાં ધો.10માં ભણતો વિદ્યાર્થી પીટીના પીરિયડ દરમિયાન શાળાના મેદાનાં વિદ્યાર્થી મિત્રો સાથે બેસીને વાતો કરતો હતો.આ દરમિયાન શિક્ષક લક્ષ્મણ પરાતે ત્યાં આવી પહોંચ્યા હતા અને વાતચીત જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને જાહેરમાં સણસણતો લાફો માર્યો હતો.શિક્ષક દ્વારા વિદ્યાર્થીને લાફો મારવામાં આવતાં કાનના ભાગેથી લોહી નીકળ્યું હતું અને સોજો આવી ગયો હતો.ઘટનાના પગલા વિદ્યાર્થી ડરી ગયો હતો. જે બાદ સ્કૂલમાંથી વિદ્યાર્થીના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે તમારા દિકરાને શિક્ષકે લાફો માર્યો છે,તેથી તમે તાત્કાલિક શાળાએ આી જાવ.જેથી વિદ્યાર્થીના માતા-પિતા તાત્કાલિક ચાણક્ય સ્કૂલ દોડી આવ્યા હતા.
જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે તેમના પુત્રની હાલ ખરાબ હતી અને કાનમાંથી સંભળાતું બંધ થઈ ગયું હતું.વિદ્યાર્થીના પિતા તાત્કાલિક તેને દવાખાને લઈ ગયા હતા, જ્યાં કાનના પડદામાં ગંભીર ઈજા થઈ હોવાનું અને કાણું પડી ગયું હોવાનું સામે આવ્યું હતું.કાનની અંદર સોહી અને સોજો આવી ગયો હોવાથી તબીબોએ તેને અઠવાડિયાથી 10 દિવસના ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યો હતો.જો 10 દિવસમાં સુધારો નહીં થાય તો કાનનું ઓપરેશન કરાવવું પડશે.
કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ
અમદાવાદના નિકોલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યા બાદ વિદ્યાર્થીના કાન પર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થીના વાલીએ સમગ્ર બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.
કૃષ્ણનગર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા બાળકને માર મારવામાં આવ્યો હોવાની ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં કાયદેસરની 'નોન-કોગ્નિઝેબલ'ફરિયાદ દાખલ કરવામાં આવી છે.પોલીસે તાત્કાલિક એક્શન લઈને આરોપી શિક્ષક વિરૂદ્ધ જરૂરી અટકાયતી પગલાં પણ લીધા છે. કાયદાના નિયમો અને ધારાધોરણો મુજબ આ મામલે આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવશે.
માર મારનારા શિક્ષકો સામે વાલીઓમાં રોષ
સ્કૂલોમાં વિદ્યાર્થીઓને અસહ્ય માર મારનારા શિક્ષકો સામે વાલીઓમાં રોષની લાગણી જોવા મળી છે.વિદ્યાર્થીઓ સામે શાળામાં શિસ્ત જાળવવાના બહાને કરવામાં આવતી હિંસા ગંભીર ગુનો બને છે.નિકોલમાં વિદ્યાર્થીને માર મારનારા શિક્ષક સામે પોલીસે અટકાયતી પગલાં લીધા છે.આ કિસ્સામાં પોલીસે કડક વલણ દાખવીને આરોપી શિક્ષક વિરુદ્ધ પગલાં લીધા છે પરંતુ શાળા સંચાલકોની જવાબદારી અને આવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.
DEOનું નિવેદન શિક્ષક સસ્પેન્ડ
આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ જણાવ્યું કે પીટીના પિરિયડ દરમિયાન વિદ્યાર્થીઓ મસ્તી કરી રહ્યા હતા ત્યારે શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો.તેમણે જણાવ્યું કે સંબંધિત શિક્ષક ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવે છે અને તેઓ 1 જૂનથી શાળામાં જોડાયા હતા. વાલીની ફરિયાદ બાદ શાળા સંચાલકોએ શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા છે.
ટ્રસ્ટીઓ અને શિક્ષકે સ્વીકારી ભૂલ
ઘટના બાદ વિદ્યાર્થીના પરિવારજનો અને શાળાના ટ્રસ્ટીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ટ્રસ્ટીઓ તેમજ સંબંધિત શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી હોવાનું પરિવારનું કહેવું છે.જોકે વિદ્યાર્થીના પિતાએ સ્પષ્ટ કર્યું કે માત્ર માફી માંગવાથી મામલો પૂર્ણ થતો નથી. તેમણે લેખિતમાં માંગ કરી છે કે ભવિષ્યમાં બાળકને કાન સંબંધિત કોઈ કાયમી તકલીફ, બહેરાશ અથવા વધુ સારવારની જરૂર પડશે તો તેની સંપૂર્ણ તબીબી તેમજ આર્થિક જવાબદારી શાળા અને સંબંધિત શિક્ષકની રહેશે.
શાળા સંચાલનનું વલણ
ઘટના સામે આવ્યા બાદ શાળા સંચાલન પણ હરકતમાં આવ્યું હતું.સંચાલન દ્વારા પ્રાથમિક સ્તરે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અમલમાં મૂકવામાં આવી છે.શાળા તરફથી અન્ય વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.ભારતમાં વિદ્યાર્થીઓને શારીરિક સજા આપવી કાયદેસર રીતે પ્રતિબંધિત છે.શિક્ષણના અધિકાર કાયદા (RTE Act) સહિત વિવિધ માર્ગદર્શિકાઓ મુજબ કોઈપણ શિક્ષક વિદ્યાર્થીને મારપીટ કરી શકતા નથી.જો કોઈ વિદ્યાર્થી તોફાન કરે તો તેને સમજાવવું, કાઉન્સેલિંગ કરવું અથવા માતા-પિતાને જાણ કરવી જેવા વિકલ્પો અપનાવવા સૂચવવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ