Ahmedabad Fake Currency Racket Busted: અમદાવાદમાં નકલી નોટો દ્વારા વેપારીઓ સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ઘાટલોડિયા પોલીસે ₹500ના દરની 1,666 નકલી નોટો, જેની કિંમત અસલી ચલણ પ્રમાણે ₹8.33 લાખ થાય છે, સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ અગાઉ ઊંઝાના વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવી ચૂક્યા હતા. વેપારીએ ફરીથી પેમેન્ટ મંગાવવાનું નાટક રચી પોલીસ સાથે ટ્રેપ ગોઠવતાં ગેંગના બે સભ્યો ઝડપાઈ ગયા હતા. આરોપીઓ માત્ર ₹5 હજાર કમિશન અને રેલવે ભાડાની લાલચમાં નકલી નોટોના બંડલ અમદાવાદ પહોંચાડવા આવ્યા હતા. આ કેસમાં અન્ય ત્રણ શખસોની સંડોવણી પણ સામે આવતાં ઘાટલોડિયા પોલીસે કુલ પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઊંઝાના વેપારીને ₹40 લાખની નકલી નોટો પધરાવી હતી
ઊંઝામાં બી.બી. ટ્રેડર્સ નામે જીરું અને વરિયાળીનો વેપાર કરતા રોહિતકુમાર પટેલ સાથે આ ગેંગે અગાઉ મોટી છેતરપિંડી કરી હતી. વેપાર માટે નાગપુરથી ₹40 લાખનું પેમેન્ટ મંગાવવા તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરના રોજ બે શખસ બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને નોટો અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુર ખાતે ₹40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. જોકે, વેપારીએ થેલો ખોલીને નોટો તપાસતાં સમગ્ર છેતરપિંડી સામે આવી હતી. બંડલમાં એકપણ અસલી નોટ નહોતી અને તમામ નોટો પર 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલું હતું. આ રીતે ₹40 લાખની છેતરપિંડી થતાં વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરી પેમેન્ટ મંગાવવાનું નાટક રચી પોલીસ સાથે ટ્રેપ ગોઠવ્યો
અગાઉ ઠગાઈ કરનારા આરોપીઓ ફરી પેમેન્ટ લેવા આવશે કે કેમ તે જાણવા વેપારીએ તેમના સુધી પહોંચવા માટે નવો પ્લાન બનાવ્યો હતો. આ વખતે નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલના નામે પેમેન્ટ મંગાવવાનું નાટક રચવામાં આવ્યું હતું. 19 નવેમ્બરના રોજ બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવી ગયા હોવાની જાણ કરી હતી. આ ફોનની જાણ થતાં ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસને જાણ કરી હતી. પોલીસે આરોપીઓને રંગેહાથ પકડવા માટે છટકું ગોઠવ્યું હતું.
સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે પોલીસનું છટકું
ઘાટલોડિયા પોલીસના PSI એચ.ડી. જોષી અને તેમની ટીમે સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસેના ત્રણ રસ્તા પર ટ્રેપ ગોઠવ્યો હતો. આરોપીઓ નોટોના બંડલ લઈને પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ઘેરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપેલા આરોપીઓની ઓળખ દિલ્હીના 23 વર્ષીય રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના 30 વર્ષીય માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા તરીકે થઈ છે. બંને આરોપીઓ નકલી નોટો પહોંચાડવાના બદલામાં ₹5-5 હજાર કમિશન મેળવવાના હતા.
નોઈડા, દિલ્હીથી અમદાવાદ સુધી ફેલાયેલી ગેંગની કડીઓ
પોલીસની પૂછપરછમાં નકલી નોટો પહોંચાડવાના નેટવર્કની કેટલીક કડીઓ સામે આવી છે. નોઈડામાં રહેતા ગજાનંદ શર્માએ 'ધનરાજ' નામના શખસ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે 'વરુણ' નામના શખસે બંને આરોપીઓને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ નોટોના બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંને આરોપીઓને ₹5-5 હજાર કમિશન અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, નકલી નોટોના બંડલ પહોંચાડવા માટે અલગ-અલગ લોકોને જવાબદારી સોંપવામાં આવતી હતી અને મુખ્ય સૂત્રધારો પાછળ રહીને સમગ્ર વ્યવહાર ચલાવતા હોવાની આશંકા છે.
₹500ની 1,666 નકલી નોટો કબજે
ઘાટલોડિયા પોલીસે કબજે કરેલા 17 બંડલ ખોલીને તપાસ કરતાં દરેક બંડલમાં 98 નોટ મળી હતી. કુલ 1,666 નોટો તમામ ₹500ના દરની નકલી હોવાનું સામે આવ્યું હતું. આ નોટોની અસલી ચલણ પ્રમાણે કુલ કિંમત ₹8.33 લાખ થાય છે. બંડલની બહાર પીળા કાગળ પર ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કા મારવામાં આવ્યા હતા, જેથી બંડલ અસલી બેંકના ચલણ જેવું દેખાય. જોકે, અંદરની નોટો પર હિન્દીમાં 'ભારતીય
મનોરંજન બેંક – પાંચ સો કુપન' લખેલું હતું.
પાંચ આરોપીઓ સામે ગુનો, અન્ય વેપારીઓ સાથેની ઠગાઈની તપાસ
ઘાટલોડિયા પોલીસે રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા ઉપરાંત નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ પણ કેટલા વેપારીઓને નકલી નોટોના બંડલ પધરાવીને છેતર્યા છે, નકલી નોટો ક્યાંથી તૈયાર કરવામાં આવતી હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે.