1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેટેલાઇટની કરોડોની ચોરીનો ભેદ ઉકેલી 2 રીઢા ગુનેગારોની ધરપકડ કરી

2 રીઢા આરોપીઓની ધરપકડ

2 રીઢા આરોપીઓની ધરપકડ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે સેટેલાઈટ પોલીસ મથક વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં એક મોટી સફળતા હાંસલ કરી છે. ગત 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન સોસાયટીના એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ કરોડોની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજનું ઝીણવટભર્યું વિશ્લેષણ અને માનવ સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે તપાસ તેજ કરી, જેના પરિણામે શુક્રવારે 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા છે.
કુલ 1.47 કરોડથી વધુની મત્તા જપ્ત
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપીઓની ઓળખ કમલેશ ઉર્ફે ગુગો કાંતિભાઈ આસુંદ્રા અને મેહુલ પરમાર તરીકે થઈ છે. 29 વર્ષીય કમલેશ મૂળ બનાસકાંઠાના પાલનપુરનો વતની છે અને હાલ ચાંદખેડામાં રહે છે, જ્યારે 26 વર્ષીય મેહુલ ડીસાનો વતની છે અને હાલ વસણા-શાહપુર વિસ્તારમાં રહે છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન ચોરી કરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 45 લાખની રોકડ રકમ, 1.01 કરોડની કિંમતનું આશરે 2,278 ગ્રામ સોનું, 50,000ની કિંમતની ચાંદી અને કિંમતી હીરાના દાગીનાનો સમાવેશ થાય છે. આમ, કુલ 1.47 કરોડથી વધુની મત્તા જપ્ત કરવામાં આવી છે.
ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયા
ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે ગુગો એક આદતદાર ગુનેગાર છે. તેની સામે વર્ષ 2018થી અત્યાર સુધીમાં અમદાવાદના સેટેલાઈટ, સાબરમતી, પાલડી, નવરંગપુરા અને ચાંદખેડા જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ ટોળકી શહેરના અન્ય ક્યા વિસ્તારોમાં સક્રિય હતી અને અન્ય કેટલી ચોરીઓને અંજામ આપ્યો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.