Ahmedabad Vegetable Markets Unused: અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તા-ફૂટપાથ પરના દબાણને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટ હવે તંત્ર માટે પડકાર બની રહ્યાં છે. શહેરમાં અંદાજે 19 સ્થળોએ વેજીટેબલ માર્કેટ બનાવવા માટે કોર્પોરેશને રૂ. 68 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. જોકે, વેપારીઓ માર્કેટમાં જવા તૈયાર ન થતાં અનેક જગ્યાએ થડા ખાલી પડ્યા છે. બીજી તરફ, રસ્તા અને ફૂટપાથ પર વેપારીઓનો ધંધો યથાવત્ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ સંપૂર્ણપણે દૂર થઈ શકી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને AMCએ હવે વેજીટેબલ માર્કેટમાં માત્ર શાકભાજીના વેપારીઓને જ નહીં, પરંતુ ફ્રૂટ, ખાણીપીણી અને કટલરી સહિતની અન્ય કેટેગરીના વેપારીઓને પણ જગ્યા આપવાનું આયોજન કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરે આ અંગે અધિકારીઓને કેટેગરી પ્રમાણે ભાડું નક્કી કરવાની સૂચના આપી છે.
19 માર્કેટ પાછળ રૂ. 68 કરોડથી વધુનો ખર્ચ, છતાં થડા ખાલી
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શાકભાજી, ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓ રસ્તા પર કે ફૂટપાથ પર દુકાન-લારી લગાવતા હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે AMCએ શહેરના અલગ-અલગ ઝોનમાં વેજીટેબલ માર્કેટ તૈયાર કર્યાં હતાં. હેતુ એવો હતો કે રસ્તા પરના વેપારીઓને એક સ્થળે વ્યવસ્થિત જગ્યા મળે અને રસ્તા તથા ફૂટપાથ પરનાં દબાણ દૂર થાય. જોકે, માર્કેટ તૈયાર થયા બાદ પણ વેપારીઓ ત્યાં સ્થળાંતર કરવા તૈયાર નથી. પરિણામે અનેક માર્કેટમાં થડા ખાલી પડ્યા છે. બીજી તરફ, જૂના સ્થળે ગ્રાહકોની અવરજવર અને ધંધાની અનુકૂળતા હોવાથી વેપારીઓ રસ્તા પર જ વેપાર કરવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલાં માર્કેટનો પૂરતો ઉપયોગ થઈ શક્યો નથી.
હવે ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓને પણ મળશે જગ્યા
વેજીટેબલ માર્કેટ ખાલી ન રહે અને તેનો ઉપયોગ થઈ શકે તે માટે AMCએ નવી વ્યવસ્થા વિચારેલી છે. કમિશનરની સૂચના મુજબ સૌપ્રથમ આસપાસના વિસ્તારોમાં રસ્તા પર વેપાર કરતા શાકભાજીના વેપારીઓને માર્કેટમાં ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ ફ્રૂટના વેપારીઓને જગ્યા ફાળવવામાં આવશે. આ બંને કેટેગરીના વેપારીઓને જગ્યા આપ્યા પછી પણ થડા ખાલી રહે તો ખાણીપીણીના વેપારીઓ અને કટલરી સહિતના અન્ય નાના વેપારીઓને પણ જગ્યા આપવાની વિચારણા છે. આ માટે એસ્ટેટ વિભાગને જરૂરી કાર્યવાહી અને ભાડા નક્કી કરવાની સૂચના આપવામાં આવી છે.
કેટેગરી પ્રમાણે ભાડું નક્કી કરવા એસ્ટેટ વિભાગને સૂચના
વેજીટેબલ માર્કેટમાં શાકભાજી, ફ્રૂટ અને ખાણીપીણીના વેપારીઓ પાસેથી અલગ-અલગ કેટેગરી પ્રમાણે ભાડું વસૂલવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ ભાડું નક્કી કરવા જણાવ્યું છે. ખાસ કરીને ખાણીપીણીના વેપારીઓને માર્કેટમાં જગ્યા આપતા પહેલાં તેમના માટે ભાડાની રકમ નક્કી કરવામાં આવશે. ભાડું નક્કી થયા બાદ આગામી દિવસોમાં જગ્યા ફાળવણીની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. આ ઉપરાંત જ્યાં ખાલી પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં રસ્તા પર ઊભા રહેતા ખાણીપીણીના વેપારીઓને ખસેડવાની કાર્યવાહી કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
વેપારીઓ માર્કેટમાં જવા કેમ તૈયાર નથી?
વેજીટેબલ માર્કેટ બનાવ્યા છતાં વેપારીઓ ત્યાં જવા તૈયાર ન હોવા પાછળ સ્થળની પસંદગી અને ગ્રાહકોની અવરજવર જેવા મુદ્દાઓ મહત્ત્વના માનવામાં આવે છે. કેટલાક માર્કેટ મૂળ બજાર અને વેપારીઓના પરંપરાગત વેચાણ સ્થળોથી દૂર હોવાથી વેપારીઓને ત્યાં ગ્રાહકો નહીં મળે તેવી ચિંતા છે. ગ્રાહકો પણ જૂના સ્થળે જ ખરીદી કરવા ટેવાયેલા હોવાથી નવા માર્કેટ સુધી પહોંચતા નથી. હવે AMC દ્વારા અન્ય કેટેગરીના વેપારીઓને પણ જગ્યા આપીને ખાલી થડા ભરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, ભાડું નક્કી કરીને જગ્યા ફાળવવાથી વેપારીઓ માર્કેટમાં જશે કે નહીં અને ગ્રાહકોની અવરજવર વધશે કે નહીં તે જોવાનું રહેશે. સાથે જ શહેરના રસ્તા અને ફૂટપાથ પરથી દબાણ દૂર કરીને ટ્રાફિકની સમસ્યા ઘટાડવામાં AMCની નવી વ્યવસ્થા કેટલી સફળ થાય છે તેના પર સૌની નજર રહેશે.