અમદાવાદથી બેંગ્લોર મોકલાયેલું કરોડોનું સોનું ગાયબ
એરલાઇન્સ વિરુદ્ધ ફરિયાદ

AI જનરેટેડ

AI જનરેટેડ
Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદથી બેંગ્લોર મોકલવામાં આવેલા સોના-ચાંદીના સાત પાર્સલમાંથી ₹2.58 કરોડની કિંમતના દાગીના ભરેલું એક પાર્સલ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું છે. આ મામલે સિક્વલ લોજિસ્ટિક કંપનીએ અકાશા એરલાઇન્સ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
શું છે સમગ્ર મામલો?
શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા અને સિક્વલ લોજિસ્ટિક કંપનીમાં સિક્યુરિટી મેનેજર તરીકે ફરજ બજાવતા બલવીર સિંહ રાઠોડે આ અંગે સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. લોજિસ્ટિક કંપનીનો ટાઇટન કંપની સાથે લાંબા સમયથી કોન્ટ્રાક્ટ છે. ગત 17 એપ્રિલના રોજ ટાઇટન કંપનીના ઓર્ડર મુજબ આરબીજેડ જ્વેલર્સ દ્વારા સોના-ચાંદીના દાગીનાના કુલ સાત પાર્સલ બેંગ્લોર મોકલવા માટે લોજિસ્ટિક કંપનીને સોંપવામાં આવ્યા હતા. 18 એપ્રિલના રોજ વહેલી સવારે 2:15 વાગ્યે અમદાવાદ કાર્ગો એરપોર્ટ ખાતે આ તમામ સાત પાર્સલ અકાશા એરલાઇન્સને બેંગ્લોર પહોંચાડવા માટે સોંપવામાં આવ્યા હતા. એરલાઇન્સ કંપનીએ આ પાર્સલ સ્વીકાર્યા અંગેની પહોંચ પણ સિક્વલ લોજિસ્ટિકને આપી હતી. આ તમામ પાર્સલ અકાશા એરની ફ્લાઈટ નંબર QP-1901 મારફતે અમદાવાદથી રવાના થવાના હતા.
બેંગ્લોર પહોંચતા જ ભાંડો ફૂટ્યો
ફ્લાઈટ નિર્ધારિત સમયે અમદાવાદથી રવાના થઈ અને બેંગ્લોર લેન્ડ થઈ હતી. જ્યારે બેંગ્લોર એરપોર્ટ ખાતે લોજિસ્ટિક કંપનીની ટીમ આ કિંમતી પાર્સલની ડિલિવરી લેવા પહોંચી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. એરલાઇન્સના સ્ટાફે સાતને બદલે માત્ર છ જ પાર્સલ પરત કર્યા હતા. જે એક પાર્સલ ગુમ હતું તેનું કુલ વજન આશરે 13 કિલોગ્રામ હતું, જેમાં 2 કિલો 107 ગ્રામ સોનાના કિંમતી દાગીના હતા. આ દાગીનાની બજાર કિંમત અંદાજે ₹2,57,56,000 (2.58 કરોડ) જેટલી થવા જાય છે.
એરલાઇન્સ સ્ટાફના વિરોધાભાસી જવાબો
આ ઘટના બાદ લોજિસ્ટિક કંપનીએ તાત્કાલિક અમદાવાદ અને બેંગ્લોર બંને એરપોર્ટ પર તપાસ કરી હતી. અમદાવાદ ખાતેના અકાશા એરના સ્ટાફે દાવો કર્યો હતો કે તેમના તરફથી તમામ સાત પાર્સલ ફ્લાઈટમાં લોડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બેંગ્લોર ખાતેના સ્ટાફે અડગ રહીને જણાવ્યું હતું કે તેમને માત્ર છ જ પાર્સલ પ્રાપ્ત થયા છે. લોજિસ્ટિક કંપનીએ લાંબો સમય રાહ જોઈ અને એરલાઇન્સ પાસે સ્પષ્ટતા માંગી હોવા છતાં કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે કિંમતી માલની ભાળ આપવામાં આવી નહોતી.
પોલીસ તપાસ અને સુરક્ષા સામે સવાલ
કરોડો રૂપિયાની મત્તા ગુમ થતા આખરે સિક્વલ લોજિસ્ટિક કંપનીએ કાયદાનો આશરો લીધો છે. એરલાઇન્સ કંપનીએ માલ મેળવ્યા બાદ તેને સુરક્ષિત રીતે નિયત સ્થળે ન પહોંચાડી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપ સાથે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે અકાશા એરલાઇન્સના જવાબદાર કર્મચારીઓ અને કાર્ગો હેન્ડલિંગ સ્ટાફની પૂછપરછ શરૂ કરી છે. એરપોર્ટ જેવા અત્યંત સુરક્ષિત ગણાતા વિસ્તારમાંથી અને એરલાઇન્સની કસ્ટડીમાંથી આટલી મોટી કિંમતનું સોનું ગાયબ થવું એ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને એરલાઇન્સના ઓપરેશન સામે મોટા પ્રશ્નો ઉભા કરે છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ અને કાર્ગો લોડિંગ લિસ્ટની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?