અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટરો સામે કાયદાકીય અને મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યુ છે. બે દર્દીના મોત બાદ રાજ્ય સરકારે રચેલી તપાસ સમિતિની તપાસમાં હોસ્પિટલના ડોક્ટર્સ અને સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે. જવાબદાર ડોક્ટર્સ સામે કાર્યવાહી થાય તે માટે ભારતીય દંડ સંહિતાની કલમ 105, 336 અને 361 મુજબ ફરિયાદ કરીને પીએમજેએવાય યોજનાની માન્યતા રદ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતની ઘટના બાદ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી હતી. તપાસ સમિતિએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ રિપોર્ટ આપ્યો છે. જેમાં ખોટી રીતે ફ્રી મેડીકલ કેમ્પ થકી 19 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે 7 લોકોની એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કર્યા બાદ બાયપાસ સર્જરી કરી સ્ટેન્ટ મૂકી દીધા હોવાનું સામે આવ્યુ છે. તમામ દર્દીઓની મેડિકલ સ્થિતિ સમિતિએ ચેક કરતાં દર્દીઓને એન્જીયોપ્લાસ્ટીની જરૂરીયાત નહી હોવા છતાં કરી દેવામાં આવી હતી.
શું કાર્યવાહી કરાશે ?
ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોના લાયસન્સ રદ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરાશે. મેડીકલ નેગ્લિજન્સીથી પણ આગળનું કૃત્ય ગણી ભારતીય દંડ સંહિતાની કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર ફરિયાદ કરશે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ હોસ્પિટલની તપાસ કરાશે. ખ્યાતિ હોસ્પિટલના તમામ કેસોની ફરીથી સમીક્ષા કરાશે. પીએમજેવાય યોજના હેઠળ કાર્ડિયોલોજી અને કાર્ડીયોવાસ્કલર સર્જરીની જે હોસ્પિટલમાં સગવડ હશે તેવી હોસ્પિટલોમાં યોજનાને માન્યતા અપાશે. દર્દીઓની સંમતિ માટેની જોગવાઇઓનો અમલ કરાશે. પીએમજેએવાય યોજનાનું મોનિટરિંગ સુદ્રઢ કરાશે. કાર્ડિયોલોજી બાબતની એસઓપી બનાવીને તેનો એક મહિનામાં અમલ શરૂ કરાશે.
આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલ
ખ્યાતિ હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોતની ઘટનાએ રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થા અને હોસ્પિટલ્સની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 70 વર્ષના નાગરભાઇ મોઢા અને 50 વર્ષના મહેશભાઇ બારોટનું સારવાર દરમિયાન મોત થયા હતા.
મૃત્યુકાંડ અને મેડિકલ બેદરકારીના આક્ષેપ
આ દુઃખદ ઘટનામાં મૃતક દર્દીઓના પરિવારજનો દ્વારા ખ્યાતિ હોસ્પિટલ અને તબીબી ટીમ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારજનોનું કહેવું છે કે, PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવી સગાવહાલાને જાણ કર્યા વગર એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી બાદ બાયપાસ સર્જરી કરી સ્ટેન્ટ મૂક્યા હતા. ત્યારબાદ બંને દર્દીના મોત નિપજ્યા હતા.
આરોગ્ય મંત્રીએ શું કહ્યું?
આ ઘટનાને પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર અધવચ્ચે છોડી તાત્કાલિક ગાંધીનગર પરત ફરી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ખ્યાતિ હોસ્પિટલમાં થયેલી ઘટનાએ રાજ્યમાં મેડિકલ બેદરકારી મુદ્દે ચિંતાઓ ઉભી કરી છે. હોસ્પિટલ અને તબીબી ટીમની બેદરકારીની મામલે કડક પગલાં લેવામાં આવશે.”
PMJAY કૌભાંડ અંગે તપાસની સૂચના
આરોગ્ય મંત્રીએ PMJAY (પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ કથિત કૌભાંડ અંગે રાજ્યના સ્ટેટ એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU) ને આદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યુ કે, “પ્રથમ દ્રષ્ટિએ ગંભીર બેદરકારીના સંકેતો મળી રહ્યા છે અને રાજ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને એ માટે ખાસ SOP તૈયાર કરવામાં આવશે.”
યુ.એન.મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજીસ્ટે દર્દીઓની મુલાકાત કરી
મંગળવારે બનેલી ઘટના બાદ યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની મુલાકાત કરાઇ હતી. હોસ્પિટલમાં દાખલ કરેલા પાંચ દર્દીઓની મુલાકાત લઈ શારીરિક તપાસ કરી હતી. સ્થિતિ સ્થિર જણાતા પાંચેય દર્દીઓ રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ તરફથી પાંચેય દર્દીઓને ફરી વખત યુ.એન.મહેતા હોસ્પિટલમાં બોલાવી સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.