મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે (9 જુલાઈ) વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 9 વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે.
જો કે આ બનાવમાં સરકાર અને તંત્રના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી છે. વડોદરાના સામાજીક કાર્યકર્તા લખન દરબારે આજથી ત્રણ વર્ષ પહેલા આર એન્ડ બી વિભાગના અધિકારીએ ટેલિફોનીક કરેલી વાતચીત હાલ વાયરલ થઇ રહી છે.

આ વિડીયો 22 Aug 2022 નો છે જેમાં અધિકારી પોતે સ્વીકારે છે કે આ ગંભીરા બ્રિજ હવે ટકી શકે તેમ નથી છતાંય આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ના આવી જેના કારણે આ બ્રિજ આજે તૂટી ગયો છે. આ બ્રિજના સમારકામ માટે જિલ્લા પંચાયત સભ્યએ પણ લેખિતમાં રજૂઆતો કરેલી છે. બ્રિજ ખરાબ હાલત છે અને ઘણા દિવસો થઇ ગયા છે કામ થયું નથી.

લખન દરબાર સાથે જે વાતચીત થઇ છે તેમાં અધિકારી જણાવે છે કે અમે ફરીથી દરખાસ્ત મોકલી છે. ડિઝાઇનની ટીમને બોલાવી છે. અમને લાગતું નથી કે બ્રિજ લાંબુ ટકે. જેથી ટીમને બોલાવી બ્રિજની તપાસ કરવા જણાવેલું છે. આપણને લાગે જ છે કે આ વર્ષ પણ નહીં ચાલે. અરજન્ટ કામ કરવા જણાવાયું છે. ડિઝાઇન ટીમને અમે તાત્કાલિક બોલાવી છે.
લખન દરબારે આ મામલે જણાવ્યું છે કે આ રીતે હું માંગણી કરુ છું કે જવાબદાર અધિકારીઓ પર તાત્કાલિક ફરિયાદ કરી જેલ ભેગા કરો...
આ પણ વાંચો----
1985માં બનેલો પાદરા બ્રિજ તૂટ્યો, નવા પુલની રજૂઆતો છતાં તંત્રે લીધો સમારકામથી સંતોષ