ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોખડા ગામના 40 વર્ષીય માછીમાર બાબુભાઈ સુડાચમા માટે 2022 નો ફેબ્રુઆરી નસીબદાર સાબિત થયો નહીં. દરિયામાં માછી પકડવા ગયેલા બાબુભાઈને પાકિસ્તાની કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યા અને કરાચીના લાનઢી જેલમાં કેદ કરવામાં આવ્યા.
તેમનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી તેમની રાહ જોઈ રહ્યો હતો, કોઈ માહિતી, કોઈ સંદેશો કે કોઈ આશાનું કિરણ પણ નહોતું. પરંતુ 24 જાન્યુઆરી 2025 ના રોજ આ માછીમાર જેલમાં મૃત્યુ પામ્યા. આ દુઃખદ સમાચાર પરિવાર માટે આઘાતજનક હતા. આજે, 18 ફેબ્રુઆરી 2025 ના રોજ તેમનું મૃતદેહ વાઘા બોર્ડર મારફતે અમૃતસર, પછી અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી બાય રોડ કોડીનાર પહોંચશે.
આખરે, એક પરિવારને તેમના પોતાના વિશે સત્ય જાણવા મળ્યું. તેમને હવે રાહ જોવાની જરૂર નથી, પણ જે જવાબ મળ્યો તે કોઈને શાંત કરી શકે નહીં.
આ તો ફક્ત એક ખલાસીની ઘટના છે, પણ હજી 200 થી વધુ ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ છે. તેમના પરિસ્થિતિ કેવી છે, તેમનું સ્વાસ્થ્ય કે કોઈ સંપર્ક શક્ય છે કે નહીં, તે અંગે તેમના પરિવારજનો અજ્ઞાન છે. ભારત સરકાર માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, પરંતુ અત્યાર સુધી કોઈ વિશેષ પગલાં લેવામાં આવ્યા નથી.

આ મામલે સરકારની ઉદાસીનતા સ્પષ્ટ દેખાઈ રહી છે. માછીમારો માટે દરિયો માત્ર રોજગારનું સાધન નથી, પણ તેમના જીવનનો આધાર છે. છતાં, દરિયાઈ સરહદ પારની રાજકીય સીમાઓ તેમના માટે મરણફાંસ બની રહી છે. જો સરકાર દ્વારા મજબૂત નીતિઓ અને કૂટનીતિક પ્રયાસો કરવામાં નહીં આવે, તો આવું દુઃખદ મર્મ આગળ પણ ચાલતું રહેશે.