ગુજરાતની મેડિકલ કોલેજો રેગિંગનો અડ્ડો?
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ અને ભાવનગર મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટનાઓ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Gujarat Medical College Ragging Case: ગુજરાતમાં ભવિષ્યના ભગવાન ગણાતા તબીબો તૈયાર કરતી સરકારી મેડિકલ કોલેજોમાંથી રેગિંગના અત્યંત શરમજનક અને ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવા બદલ ઓર્થોપેડિક વિભાગના ત્રણ સિનિયર ડોક્ટરોને છ મહિનાથી લઈને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર રેસિડેન્ટ તબીબોને છેલ્લા પાંચ મહિનાથી અમાનવીય અને તાલિબાની સજા અપાતી હોવાની સનસનાટીભરી વિગતો બહાર આવતા તબીબી જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ: ફરિયાદ સીધી NMC સુધી પહોંચી
અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં આ ઘટના બની હતી. અહીં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા જુનિયર ડોક્ટરોને બીજા વર્ષના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતા હતા. 8 જૂનના રોજ પીડિત જુનિયર વિદ્યાર્થીએ હિંમત બતાવીને આ બાબતની ઓનલાઈન ફરિયાદ સીધી ‘નેશનલ મેડિકલ કમિશન’ (NMC)ને કરી દીધી હતી. NMC દ્વારા દિલ્હીથી કોલેજ પ્રશાસનને તાકીદે જાણ કરવામાં આવતા જ મેડિકલ કોલેજમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તુરંત જ એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ કમિટીએ દરેક રેસિડેન્ટ ડોક્ટરોને રૂબરૂ બોલાવીને તેમના સત્તાવાર નિવેદનો નોંધ્યા હતા. તપાસના અંતે રેગિંગ થયું હોવાની પુષ્ટિ થતાં કમિટીએ કસૂરવાર વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં લેવાની ભલામણ કરતો અહેવાલ રાજ્યના આરોગ્ય વિભાગને સોંપ્યો હતો.
બી.જે. મેડિકલ ખાતે ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના રેસીડેન્ટ વિદ્યાર્થીઓ પર થયેલી રેગીંગની ફરિયાદને અત્યંત ગંભીરતાથી લઈ એન્ટી-રેગીંગ કમિટીના અહેવાલના આધારે રેગીંગમાં સંડોવાયેલા બીજા વર્ષના ત્રણ વિદ્યાર્થીઓ સામે ૬ મહિનાથી ૧ વર્ષ સુધીના સસ્પેન્શનની કડક કાર્યવાહી કરવામાં આવી છે.
— Praful Pansheriya (@prafulpbjp) June 17, 2026
આરોગ્ય મંત્રીનો કડક આદેશ: ત્રણ ડોક્ટરો સસ્પેન્ડ
એન્ટી રેગિંગ કમિટીના તપાસ અહેવાલના આધારે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ અન્વયે દોષી સાબિત થયેલા ઓર્થોપેડિક વિભાગના ત્રણ સિનિયર વિદ્યાર્થીઓને 6 મહિનાથી 1 વર્ષ સુધીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આરોગ્ય મંત્રીએ પોતે સોશિયલ મીડિયા પર આ કડક કાર્યવાહીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરકાર વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, સ્વસ્થ અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે કટિબદ્ધ છે. તેમણે રાજ્યભરના વિદ્યાર્થીઓને રેગિંગ જેવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને કેમ્પસમાં સંવેદના તથા સહકારની ભાવના સાથે આગળ વધવા અપીલ કરી છે.
ભાવનગર મેડિકલ કોલેજ: અઢી લાખની ઉઘરાણી અને રાતભર કૂકડા બનાવવાની સજા
અમદાવાદની આ કાર્યવાહી વચ્ચે ભાવનગરની સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગમાંથી તેનાથી પણ વધુ ભયાનક રેગિંગની વિગતો બહાર આવી છે. અહીં પ્રથમ વર્ષના 13 જેટલા જુનિયર રેસિડેન્ટ તબીબોને બીજા વર્ષના 6 સિનિયર તબીબો છેલ્લા પાંચ મહિનાથી અત્યંત ક્રૂર અને અમાનવીય ત્રાસ આપી રહ્યા હોવાની ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે.
તાલિબાની ત્રાસથી કંટાળી 13 જુનિયરોએ ફરિયાદ કરી
ભોગ બનનારા જુનિયર તબીબોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સિનિયરો તેમની પાસેથી દર મહિને ₹2.5 લાખ પડાવતા હતા અને પોતાની મોજમસ્તી માટે દારૂની બોટલો મંગાવતા હતા. આ સિવાય તેમને રાત-રાતભર એક પગે ઊભા રાખવા, કૂકડા બનાવવા, ટ્રોમા સેન્ટરની બહાર ન નીકળવા દેવા, જમવા કે સૂવાનો સમય ન આપવો અને એક્સ-રે વિભાગમાં રેડિયેશનથી બચવા માટેનું જરૂરી 'લેડ એપ્રન' પણ પહેરવા ન દેવા જેવી જોખમી સજા કરવામાં આવતી હતી. હદ તો ત્યાં થઈ ગઈ કે જુનિયરોને છેલ્લા 15 દિવસથી નહાવા પણ દેવામાં આવ્યા ન હતા. આ આકરા તાલિબાની ત્રાસથી કંટાળીને આખરે 13 જુનિયરોએ લેખિતમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી છે.
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદને ગંભીરતાથી લઈ નિયામકશ્રીને સૂચના આપી હતી.
— Praful Pansheriya (@prafulpbjp) June 18, 2026
ઓર્થોપેડિક વિભાગના બીજા વર્ષના 6 વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓ સાથે રેગીંગ કરાયાની ફરિયાદ અંગે મેડિકલ કોલેજના ડીનશ્રી તથા એન્ટી-રેગીંગ કમિટીને તત્કાલ અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.
સત્તાવાળાઓનો ઢીલો અભિગમ અને ભૂતકાળના કલંકિત કિસ્સા
ભાવનગરમાં છેલ્લા ત્રણ દિવસથી એન્ટી રેગિંગ સ્કવોર્ડના સભ્યો આ મામલે તપાસ કરી રહ્યા છે અને ભોગ બનનાર 13 જુનિયરો સહિત આરોપી 6 સિનિયર તબીબોના નિવેદનો લેવાઈ રહ્યા છે. જોકે, આ ચકચારી ઘટના અંગે જ્યારે ભાવનગર મેડિકલ કોલેજના ઈન્ચાર્જ ડીન ડો. ચિન્મય શાહનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું, જેનાથી કોલેજ પ્રશાસન ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાની આશંકા પ્રબળ બની છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી. માર્ચ 2025માં છ સિનિયર તબીબી વિદ્યાર્થીઓએ નશાની હાલતમાં ત્રણ જુનિયર વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં બે જુનિયરોનું કારમાં અપહરણ કરી, તેમની સાથે અભદ્ર વર્તન કરી વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપી ઢોર માર મારવામાં આવ્યો હતો. આ કેસનો વિવાદ હજુ શાંત થયો નથી. મે 2023માં રેસિડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ એક જુનિયર વિદ્યાર્થીને પોતાની રૂમમાં બોલાવી તેનું જાતીય શોષણ (સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય) કર્યું હતું. વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ અને પોલીસ ફરિયાદ બાદ તે આરોપી ડોક્ટરને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો. રાજ્યની સરકારી હોસ્પિટલોના સંવેદનશીલ ગણાતા ઓર્થોપેડિક વિભાગોમાં જ આવી વિકૃત ઘટનાઓ વારંવાર સામે આવતા હવે તબીબી શિક્ષણ વિભાગના કડક મોનિટરિંગ સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?