સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) અને રાજ્ય ડ્રગ ઓથોરિટીની તાજેતરની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. દેશભરમાં બનાવટ અને ગુણવત્તા પામવામાં નિષ્ફળ ગયેલી 103 દવાઓ સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ દવાઓમાં ઉધરસ, શરદી, એલર્જી, દર્દ નિવારણ, વિટામિન અને હૃદયરોગમાં વપરાતી દવાઓનો સમાવેશ થાય છે.
હિમાચલમાં સૌથી વધુ 38 દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ...
તપાસમાં ખુલ્યું કે સૌથી વધુ 38 દવાઓ હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવી હતી, જે ગુણવત્તાના ધોરણોને પામવામાં નિષ્ફળ ગઈ. આ ઉપરાંત ઉત્તરાખંડમાં 11, ગુજરાત અને પંજાબમાં 9-9, મધ્ય પ્રદેશ અને કેરળમાં 7-7, તેલંગાણા, પુડુચેરી અને તમિલનાડુમાં 4-4, બંગાળમાં 3, કર્ણાટકમાં 2, જ્યારે ઓડિશા, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને આસામમાં 1-1 દવા ગુણવત્તા ટેસ્ટમાં અસફળ ગઈ છે.
ફેલ થયેલી દવાઓનું ઉત્પાદન કરનારા ઉદ્યોગો સામે કાર્યવાહી...
CDSCO એ આ દવાઓના સેમ્પલ ફેલ થયા બાદ તમામ રાજ્યના ડ્રગ કંટ્રોલરોને સૂચના આપી છે. જે ઉદ્યોગોમાં આ દવાઓનું ઉત્પાદન થયું છે, તેમની સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મોટાભાગની દવાઓમાં ધૂળ અને અશુદ્ધિ મળી...
તપાસ દરમિયાન મોટાભાગની દવાઓમાં ધૂળના કણો તેમજ અન્ય અશુદ્ધિઓ જોવા મળી. કેટલાક કેસોમાં દવાઓ પર ઉલ્લેખિત માત્રા અને વાસ્તવિક માત્રા વચ્ચે તફાવત પણ જોવા મળ્યો. કેટલીક દવાઓ સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું છે. ખાસ કરીને હૃદયરોગ અને બ્લડ પ્રેશર માટે ઉપયોગમાં લેવાતી Telma H 40 mg દવા પણ નકલી હોવાનું ચકાસણીમાં બહાર આવ્યું.
કયા રાજ્યમાં કેટલી દવાઓ ફેલ થઈ?
હિમાચલ પ્રદેશ : 38
ઉત્તરાખંડ : 11
ગુજરાત : 9
પંજાબ : 9
મધ્ય પ્રદેશ : 7
કેરળ : 7
તેલંગાણા : 4
પુડુચેરી : 4
તમિલનાડુ : 4
બંગાળ : 3
કર્ણાટક : 2
ઓડિશા : 1
ઉત્તર પ્રદેશ : 1
હરિયાણા : 1
મહારાષ્ટ્ર : 1
આસામ : 1
અવાજ ઉઠાવવાની જરૂર, નાગરિકો માટે ચેતવણી...
આ મામલે આરોગ્ય ક્ષેત્રે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. નાગરિકોએ દવાઓ ખરીદતી વખતે વધુ સજાગ રહેવું જોઈએ અને ડોક્ટર દ્વારા સુપરિશ્ત દવાઓ જ લેવાં જોઈએ. જો કોઈપણ દવા પર શંકા હોય તો તાત્કાલિક તબીબી નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.