4 ઑક્ટોબરથી ચેક પ્રક્રિયામાં મોટો બદલાવ!!
નવી સિસ્ટમથી ચેક પ્રક્રિયા થશે વધુ ઝડપી, ગ્રાહકોને કલાકોમાં મળશે ચેકની રકમ
ચેક પ્રક્રિયા થશે વધુ ઝડપી
ચેક પ્રક્રિયા થશે વધુ ઝડપી
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બેંકિંગ સેક્ટરમાં એક મોટો અને ક્રાંતિકારી બદલાવ લાવવામાં આવી રહ્યો છે. 4 ઓક્ટોબર, 2025થી ચેક ક્લિયરિંગની પ્રક્રિયામાં આમૂલ પરિવર્તન આવશે. અત્યાર સુધી જે ચેક ક્લિયર થવામાં બે દિવસ સુધીનો સમય લાગતો હતો, તે હવે ગણતરીના કલાકોમાં જ પૂર્ણ થઈ જશે. આ નિર્ણયથી ગ્રાહકોને ઝડપથી ભંડોળ ઉપલબ્ધ થશે અને બેંકિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.
હાલમાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ (CTS) બેચ પ્રોસેસિંગના આધારે કામ કરે છે, જેમાં ચોક્કસ સમયગાળામાં જ ચેક ક્લિયર થાય છે. પરંતુ, RBI એ 'કન્ટિન્યુઅસ ક્લિયરિંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઇઝેશન' નામની નવી સિસ્ટમ દાખલ કરવાનો નિર્ણય લીધો છે. આ સિસ્ટમ હેઠળ, બેંકના કામકાજના કલાકો દરમિયાન (સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી) ચેક સતત સ્કેન કરીને ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે અને તરત જ તેના પર કાર્યવાહી થશે.
પ્રથમ તબક્કો (4 ઓક્ટોબર, 2025થી 2 જાન્યુઆરી, 2026): આ તબક્કામાં બેંકોએ સાંજે 7 વાગ્યા સુધીમાં ચેકને સકારાત્મક (honoured) અથવા નકારાત્મક (dishonoured) પુષ્ટિ આપવી ફરજિયાત રહેશે. જો બેંક આ સમય મર્યાદામાં કોઈ જવાબ નહીં આપે, તો ચેક આપમેળે મંજૂર થયેલો ગણાશે.
બીજો તબક્કો (3 જાન્યુઆરી, 2026થી): બીજા તબક્કામાં નિયમો વધુ કડક બનશે. બેંકોએ ચેક મળ્યાના 3 કલાકની અંદર જ તેને ક્લિયર કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ચેક સવારે 10 થી 11 વાગ્યા વચ્ચે જમા થાય, તો તેને બપોરે 2 વાગ્યા સુધીમાં ક્લિયર કરવો પડશે. જો આ સમય મર્યાદાનું પાલન ન થાય તો તે ચેક પણ આપમેળે મંજૂર થયેલો ગણાશે.
ગ્રાહકો માટે લાભ :
આ નવા નિયમોથી ગ્રાહકોને અનેક ફાયદા થશે. સૌથી મોટો ફાયદો એ છે કે ચેક ક્લિયર થવાનો સમય અત્યંત ઓછો થઈ જશે, જેનાથી નાણાકીય વ્યવહારો ઝડપી બનશે. બેંકોએ પણ આ નવા બદલાવ અંગે પોતાના ગ્રાહકોને પૂરતી જાણકારી આપવાની રહેશે. આ પગલું NEFT અને RTGS જેવી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમની નજીક ચેક ક્લિયરિંગને લાવશે જેનાથી બેંકિંગ પ્રક્રિયા વધુ સરળ, કાર્યક્ષમ અને ગ્રાહક-કેન્દ્રિત બનશે.

ક્રેડિટ ગેરંટી યોજના લોન્ચ; નાના માઈક્રોફાઇનાન્સ એકમોને થશે મોટો ફાયદો-લોન લેવી થશે આસાન

₹25 હજારની એક વખતની રાહત, પરંતુ અમલ અને જવાબદારી પર મોટાં સવાલ

'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને વેગ આપવા દેશની સૌથી મોટી બેંકનું મોટું પગલું.