મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું 68 વર્ષે નિધન
ટીવી જગતનો કર્ણ અસ્ત ,68 વર્ષે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા, અભિનેતાના નિધનથી શોક

મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું 68 વર્ષે નિધન

મહાભારતના 'કર્ણ' પંકજ ધીરનું 68 વર્ષે નિધન
બી.આર. ચોપરાની સુપ્રસિદ્ધ ટીવી સિરિયલ 'મહાભારત' (1988)માં કર્ણનું આઇકોનિક પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા પીઢ અભિનેતા પંકજ ધીરનું બુધવારે 68 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટી સર્જરી કરાવ્યા બાદ પણ થોડા મહિના પહેલાં આ બીમારી ફરી વકરી હતી, જેના કારણે તેઓનું સ્વાસ્થ્ય વધુ લથડ્યું હતું.
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન (CINTAA)એ સત્તાવાર નિવેદન બહાર પાડીને પંકજ ધીરના નિધનની પુષ્ટિ કરી છે. તેઓ CINTAA ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પૂર્વ માનદ મહાસચિવ રહી ચૂક્યા હતા. તેમના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે મુંબઈના સાન્તાક્રુઝ ઉપનગર સ્થિત પવન હંસ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
'કર્ણ' તરીકે અદ્ભુત લોકપ્રિયતા
પંકજ ધીરનું નામ માત્ર 'મહાભારત' પૂરતું સીમિત નહોતું. તેમણે 'ચંદ્રકાંતા', 'બઢો બહુ', 'ઝી હોરર શો' અને 'કાનૂન' જેવી અનેક લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત, તેમણે 'સોલ્જર', 'અંદાઝ', 'બાદશાહ' અને 'તુમકો ન ભૂલ પાયેંગે' જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. જોકે, કર્ણના પાત્રે તેમને અમર કરી દીધા હતા.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતે જણાવ્યું હતું કે, દર્શકોએ તેમને કર્ણ તરીકે એટલો પ્રેમ આપ્યો છે કે હરિયાણાના કરનાલ અને બસ્તરમાં તેમના નામે બે મંદિરો બનાવવામાં આવ્યા છે, જ્યાં તેમની આઠ ફૂટ ઊંચી પ્રતિમાની પૂજા પણ કરવામાં આવે છે. તેઓનું છેલ્લું ટીવી કામ 2024ની સિરિયલ 'ધ્રુવ તારા – સમય સદી સે પરે' હતું. તેમણે 'માય ફાધર ગોડફાધર' ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું અને 'અભિનય એક્ટિંગ એકેડમી'ની સ્થાપના કરી હતી.
પંકજ ધીર તેમના પત્ની અનિતા ધીર અને પુત્ર, અભિનેતા નિકિતિન ધીર (ચેન્નાઈ એક્સપ્રેસ ફેમ) અને પુત્રવધૂ ક્રતિકા સેંગર (ઝાંસી કી રાણી ફેમ)ને વિલાપ કરતા છોડી ગયા છે. તેમના નિધનથી ભારતીય ટીવી અને ફિલ્મ જગતમાં એક શૂન્યાવકાશ સર્જાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી

રોહિત શર્માનું ટીવી ડેબ્યૂ, ‘Family Full House With Rohit Sharma’ 19 સપ્ટેમ્બરથી શરૂ; જાણો શો ક્યારે અને ક્યાં જોઈ શકશો.