થોડા દિવસ પહેલા સરદારધામના કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત થયું. તે ક્ષણે લાગ્યું કે જાણે પાટીદાર સમાજને નવો રાહબર મળી ગયો. પરંતુ એક મોટો સવાલ છે — ઇતિહાસના નિર્ણાયક પ્રસંગોએ પાટીદારો અને સમાજ ક્યાં હતા?
૧૯૭૪ નવનિર્માણ આંદોલન
ચીમનભાઇ પટેલે મુખ્યમંત્રી પદ ગુમાવ્યું. તેઓને ચૂંટણી લડવા જામજોધપુર સુધી જવું પડ્યું. ત્યારે સમાજની એકતા ક્યાં ગઇ હતી? ત્યારે પાટીદારો કેમ ચૂપ રહ્યાં?
૧૯૭૭ જનતા મોરચા સરકાર
કેશુભાઇ પટેલ પહેલી વખત મંત્રી બન્યા, સુરતની મુલાકાતે ગયા. સૌરાષ્ટ્રના હીરા ઉદ્યોગકારો તેમને ઓળખતા પણ નહોતા. ગૃહમંત્રી પોપટલાલ વ્યાસે મધ્યસ્થી કરી ઓળખાણ કરાવવી પડી. ત્યારે સમાજે પોતાના નેતાને સમર્થન કેમ ન આપ્યું?
૨૦૦૧માં કેશુભાઇનું પદચ્યુત થવું
કોઈ ખાસ કારણ વગર કેશુભાઇને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા. ત્યારે પાટીદાર સમાજે ભાજપ સામે સવાલ કેમ ન કર્યો? જ્યારે કેશુભાઇ પોતાને થયેલા અન્યાય સામે લડી રહ્યા હતા, ત્યારે જ સમાજ તેમના સાથમાં ઊભો રહ્યો. પહેલા કેમ ચૂપ રહ્યો?
૨૦૧૫ પાટીદાર આંદોલન (PAAS)
હાર્દિક પટેલ પાછળ સમાજ ઊભો રહ્યો, પરંતુ રાજકારણની સાચી રમત સમજ્યા વગર આંદોલનને વેગ આપ્યો. પરિણામે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું. શું સમાજે અવાજ ઉઠાવ્યો કે મહિલા પાટીદાર નેતા સાથે અન્યાય થઈ રહ્યો છે? કેમ રસ્તા પર ન ઉતર્યા?
૨૦૧૭ વિધાનસભા ચૂંટણી બાદ
મુખ્યમંત્રી પદ માટે નીતિન પટેલ દાવેદાર હતા. તેમને અવગણવામાં આવ્યા, ત્યારે પાટીદારો ક્યાં હતા? કેમ તેમની પાછળ એકતા દેખાઇ નહોતી?
૨૦૨૨ વિરમગામ બેઠક
ભાજપના ઋત્વીક પટેલ અને વરુણ પટેલ દાવેદાર હતા, પરંતુ કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલને ઉમેદવારી મળી. ત્યારે સમાજે વિરોધ કેમ ન કર્યો? કેમ પાટીદારો ચૂપ રહ્યા?
આ બધા દાખલાઓ દર્શાવે છે કે — ઉગતા સૂરજની પૂજા સૌ કરે છે, આથમતા સૂર્યને પૂછે પણ નહીં.
આજે ગોપાલ ઇટાલિયા, સરદારધામના મંચે મળેલું સ્વાગત તમારું સ્થાન મજબૂત બનાવે છે. પરંતુ આ સ્થાન ટકાવી રાખવા માટે અવિરત મહેનત અને પારદર્શક નેતૃત્વ જરૂરી છે. નહીં તો ઇતિહાસના આ દાખલાઓ ફરી સામે આવશે.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે