ચૂંટણી નજીક આવે એટલે અનામતનો મુદ્દો ફરીથી ગરમ થઈ જાય છે. જાણે આ કોઈ નીતિગત વિચાર નહીં, પરંતુ રાજકીય રમતનું સાધન બની ગયું હોય. પ્રશ્ન એ નથી કે અનામત હોવી જોઈએ કે નહીં, પ્રશ્ન એ છે — શું અનામત હવે સામાજિક ન્યાય માટે છે કે માત્ર વોટબેંક માટે?
આઝાદીના 78 વર્ષ પછી પણ જો સવર્ણ સમાજના કેટલાક વર્ગો અનામત માંગવા મજબૂર થાય, તો એ વિચારવા જેવું છે. શું સમાજ એટલો કમજોર થયો છે કે હવે પોતાની ક્ષમતા પર વિશ્વાસ રહ્યો નથી? કે પછી રાજકીય નેતાઓએ સમાજને આદત પાડી દીધી છે કે ‘અનામત વગર આગળ વધી શકાતું નથી’?
તાજેતરમાં પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને અન્ય સવર્ણ સમાજોના આગેવાનો દ્વારા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં આર્થિક રીતે પછાત માટે 10% અનામતની માંગ ઉઠાવવામાં આવી. કારણ સ્પષ્ટ છે — OBC માટે 27% અનામત અમલી થતાં હવે સવર્ણ સમાજના કેટલાક વર્ગોને પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં લાગવા માંડ્યું છે.
અહીં પ્રશ્ન સમાજના હિતનો નથી, પરંતુ સત્તા ગુમાવાની ભીતિનો છે. વર્ષોથી જે સમાજના નામે રાજકીય રોટલા શેકાતા હતા, હવે જો સત્તાના દરવાજા બંધ થાય તેવી ભીતિ સર્જાઈ છે.
હાર્દિક પટેલનું નિવેદન કે પાટીદારો ગામમાં મતદાર નોંધણી કરાવે — એ પણ આ રાજકીય ભયનું પ્રતિબિંબ છે.
હકીકત એ છે કે દલિત, આદિવાસી અને પછાત વર્ગો પર સદીઓ સુધી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક શોષણ થયું. તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા અનામત એક આવશ્યક સાધન હતું. પરંતુ આજે જ્યારે અનામત દરેક સમાજ માટે રાજકીય હથિયાર બની જાય, ત્યારે તે મૂળ ઉદ્દેશને ભાંગી નાખે છે.
વેદિક કાળમાં વર્ણ વ્યવસ્થા કર્મ આધારિત હતી, જન્મ આધારિત નહીં. પરંતુ સમય સાથે ઋઢિવાદી વિચારધારાએ તેને જન્મ આધારિત બનાવી દીધી. જો આજે પણ રાજકીય પક્ષોમાં હિમ્મત હોય, તો બંધારણમાં સુધારો કરીને માત્ર આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના આધારે અનામત આપવાની વ્યવસ્થા કરી શકે — પરંતુ એ નહીં થાય. કારણ કે કોઈપણ પક્ષ પોતાની વોટબેંક ગુમાવવા તૈયાર નથી.
અનામત આજે કાંખઘોડી બની ગઈ છે. સમાજને મજબૂત બનાવવાની જગ્યાએ, તેને આધારભૂત બનાવી દેવામાં આવ્યો છે. સાચી સામાજિક સુધારણા એટલે દરેકને સ્પર્ધા માટે સશક્ત બનાવવું — શિક્ષણ, રોજગાર અને અવસરની સમાનતા દ્વારા.
જો આ પ્રવૃત્તિ ચાલુ રહી, તો આપણે મજબૂત રાષ્ટ્ર નહીં, પરંતુ નિર્ભર પેઢીઓ તૈયાર કરીશું. અનામતની સ્પર્ધા બંધ થાય — એ જ ભારતના દીર્ઘકાલીન હિતમાં છે.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
અમેરિકાનું ગ્રીનલૅન્ડ પર દબાણ વૈશ્વિક સ્વરાજ્ય માટે સીધી લાલ રેખા છે