ખાનગીકરણનો ખારો સ્વાદ
સરકારી ગોડાઉનમાં સિક્યુરિટી હોય છે, સીસીટીવી કેમેરા પણ હોય છે. પરંતુ હવે જ્યારે દેશની સરકારને ખાનગીકરણનો રોગ લાગ્યો છે, ત્યારે સરકારી કે અર્ધસરકારી અથવા જાહેર સાહસોની સુવિધાઓ કેવી રીતે સુધારવી કે વધારવી તે મુદ્દો ગૌણ બની ગયો છે. ખાનગીકરણ કેમ વિસ્તરે કે વધે, તેમાં સરકારી તંત્રને રસ છે. ખાનગીકરણનો સૌથી મોટો "લાભ" એ છે કે કંઈ પણ ખોટું થાય તો સરકાર હાથ ઊંચા કરીને જવાબદારી ટાળી શકે છે.
ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાંથી સરકારી પરીક્ષાના પેપર લીક થાય તો સરકારમાંથી કોઈ જવાબદાર બનતું નથી. નાફેડની સંસ્થામાં ૩૧,૦૦૦ બોરીમાં ઢેફા-કાંકરા ભરીને સરકારને વેચી દેવાય તો ખાનગી વ્યક્તિઓ પકડાય છે, પરંતુ નાફેડમાંથી કોઈ જવાબદાર બનતું નથી. તાજેતરમાં જેતપુર સ્થિત ખાનગી ગોડાઉનમાંથી રૂપિયા ૩૧ લાખની મગફળી ચોરાઈ તો સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન કે નાફેડના કોઈ અધિકારી જવાબદાર બન્યા નહીં.
લાગે છે કે ધણી ધોરી વગરની સરકાર છે. પ્રજાના પૈસાનું પાણી થાય છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
ખાનગીકરણનો ઉદ્દેશ એવો હોવો જોઈએ કે જ્યાં સરકારનો આર્થિક હાથ ટૂંકો પડે ત્યાં ખાનગી કંપનીઓ નાણાકીય રોકાણ કરીને માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ થાય. તેની જગ્યાએ લાગે છે કે સરકારોએ ખાનગીકરણને જવાબદારીથી બચવાનો સાચો માર્ગ બનાવી લીધો છે.
ખાનગીકરણ કાયમી ઉકેલ નથી. સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં. સામાજિક સુવિધાઓ, સેવાઓ અને માળખાકીય સુવિધાઓ સ્થાપવી એ સરકારની મૂળભૂત જવાબદારી છે અને રહેવી જોઈએ. પ્રજા પાસેથી આટલા બધા વેરા વસૂલવામાં આવે છે તો સરકાર કેમ સુવિધાઓ ઊભી કરવામાં ઉણી ઊતરે છે અથવા પછી પાછા પગલા કેમ ભરે છે?
જો સરકાર તેની જવાબદારીઓમાંથી છટકવા માંગતી હોય તો પ્રજાએ ચૂંટણી સમયે જવાબ માંગવા જોઈએ કે પ્રજાનાં નાણાં ક્યાં જાય છે? જો એક પછી એક બધું જ ખાનગી થવાનું હોય અને ખાનગી સંસ્થાઓની કોઈ જવાબદારી ન બનતી હોય, તો સરકારે ખાનગીકરણ બંધ કરીને તમામ સેવા-સુવિધાઓ પોતાના હસ્તક પાછી લઈ લેવી જોઈએ. ઓછી સુવિધા હશે તો પણ ચાલશે, પરંતુ જવાબદેહી હોવી જ જોઈએ.
સરકારે માનવું જોઇએ કે ખાનગીકરણ કોઈ કાયમી ઉકેલ નથી. રાષ્ટ્રીય અને સામાજિક સેવા, માળખાગત સુવિધાઓ ઉભી કરવી અને તેનું સંચાલન કરવું—આ તેમના હસ્તાક્ષેપ હેઠળ જ રહેવું જોઈએ.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે