શું કોંગ્રેસ આજે ફૂટેલી કારતૂસોનું સંગ્રાહાલય બની ગઈ છે?
ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ આજે પક્ષને વૃદ્ધાશ્રમમાં ફેરવવા આતુર કેમ દેખાય છે? આ પ્રશ્નો હવે માત્ર રાજકીય ટીકા નથી રહ્યા, પરંતુ પક્ષની આંતરિક હાલતનું પ્રતિબિંબ બની ગયા છે.
તાજેતરમાં કહેવાતા આદિવાસી નેતા મહેશ વસાવાના આગમનને લઇને કોંગ્રેસમાં જે ઉત્સાહ દેખાયો, તે આશ્ચર્યજનક પણ છે અને ચિંતાજનક પણ. આ वही મહેશ વસાવા છે, જેણે પિતા છોટુભાઇ વસાવાની સ્થાપિત ભારતીય ટ્રાયબલ પાર્ટીને અંદરથી ખંડિત કરી, પછી AAP અને BJPમાં પણ ફર્યા. હવે કોંગ્રેસમાં આવ્યા બાદ તેમને લઈને જાણે "અભી તો યે ઝાંખી હૈ" જેવા ડાયલોગબાજી શરૂ થઈ ગઈ.
પ્રશ્ન સીધો છે:
શું કોંગ્રેસ પાસે પોતાનો એક પણ વિશ્વસનીય, ઊભરતો આદિવાસી નેતા નથી?
કે પછી પક્ષની અંદર તુષાર ચૌધરી જેવા નેતાઓની સ્થિતિ જળવાય રહે, તેથી નવી પેઢીને આગળ વધવા દેવાની જ ઇચ્છા નથી?
આ જ કારણ છે કે ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક પ્રદેશ પ્રમુખ બદલાય છે, પરંતુ નેતૃત્વ ઊભું કરવાનું કામ ક્યારેય થતું નથી. પક્ષમાં રાજકીય દૃષ્ટિ, દૂરંદેશીતા અને જમીન સાથે જોડાણ — આ ત્રણેયનો ભયંકર અભાવ દેખાય છે.
જૂના નેતાઓ જેમ કે રતુભાઇ અદાણી, કાંતિલાલ ઘિયા, ઝીણાભાઇ દરજી, માધવસિંહ સોલંકી અને અહેમદ પટેલ પાસે જે રાજકીય સમજ હતી, તે આજે કોંગ્રેસમાં દુર્લભ બની ગઈ છે. ઉદાહરણ તરીકે, ઝીણાભાઇ દરજીએ ૧૯૯૬માં ઘરમાં બેઠા બેઠા જ ૧૦ લોકસભા બેઠકોની સચોટ આગાહી કરી હતી — કારણ કે તેમને ગુજરાતની સામાજિક રચના, જાતિ સમીકરણ અને મતદારોની મનોદશા ગાઢ રીતે સમજાતી હતી.
આવી સમજ આજના કેટલાં કોંગ્રેસ નેતાઓ પાસે છે?
જેનાં મૂળ ઊંડા નથી, જેમણે તાલુકા-જિલ્લાના કાર્યકરો સાથે વર્ષો સુધી કામ નથી કર્યું, તે નેતાઓને બહારથી આયાત કરેલા ચહેરાઓ સિવાય બીજો વિકલ્પ દેખાતો જ નથી.
કોંગ્રેસ જો ખરેખર પુનર્જીવિત થવા માગે, તો માત્ર આયાતી નેતાઓથી નહીં, પરંતુ પ્રજાના વિશ્વાસ જીતવાની પ્રક્રિયાથી થવું પડશે.
આ માટે વાય.એસ.આર. રેડ્ડીનું ઉદાહરણ પ્રેરણાદાયક છે — તેમની ૫૦૦૦ કિ.મી.ની પદયાત્રાએ આંધ્ર પ્રદેશમાં જનવિશ્વાસ ઊભો કર્યો. ગુજરાત કોંગ્રેસે પણ આવી જ જમીન જોડાયેલી રાજનીતિ કરવી પડશે.
પરંતુ આજની વાસ્તવિકતા એ છે કે ઘણા નેતાઓને વિપક્ષમાં રહીને મળતા લાભ વધુ ગમે છે. જનમત જીતીને સત્તામાં આવવાની મહેનત કરવાનો ઉત્સાહ ઓછો દેખાય છે. આ વૃત્તિ કોંગ્રેસ માટે સૌથી મોટો ખતરો છે.
જો કોંગ્રેસને ખરેખર પુનઃ ઊભી થવી હોય, તો તેને આયાતી ચહેરાઓની મોહમાયા છોડીને, પોતાની કેડર, પોતાની વિચારધારા અને પોતાની જમીન સાથે જોડાયેલી રાજનીતિ પર પરત ફરવું પડશે. નહીં તો પક્ષ માત્ર યાદગારી સંસ્થામાં ફેરવાતો જશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?