ગુજરાત સરકાર દિવસેને દિવસે "ભણશે ગુજરાત"ના નારા બુલંદ કરે છે. રીઅલ ટાઇમ મોનિટરિંગ, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવજેવા કાર્યક્રમોની ધામધૂમથી એવો દેખાવ કરવામાં આવે છે કે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ અત્યુત્તમ છે. પરંતુ હાલમાં જ યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન ફોર એજ્યુકેશન પ્લસ (UDISE+) ના જે આંકડા સામે આવ્યા છે, તે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની ચોંકાવનારી સચ્ચાઈઉજાગર કરે છે.
આંખ ઉઘાડનારા આંકડાઓ
UDISE+ ના અહેવાલ મુજબ ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ સુધી પહોંચતા 13.6% વિદ્યાર્થીઓ ઉઠી જાય છે, જે રાષ્ટ્રીય સરેરાશ 8.2%કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. વધુ ચિંતાજનક બાબત એ છે કે 14.2% વિદ્યાર્થીનીઓ અભ્યાસ અધવચ્ચે છોડી દે છે. સૌથી વધુ ગંભીર આંકડો એ છે કે 12મા ધોરણ સુધી માત્ર 28% વિદ્યાર્થીઓ જ પહોંચે છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 47.2% છે.
આ આંકડાઓનો અર્થ સ્પષ્ટ છે: જો 17 લાખ બાળકો પ્રથમ ધોરણમાં પ્રવેશ લે, તો દસમા ધોરણ સુધી માત્ર 11 લાખ, 12મા સુધી 7 લાખ અને કોલેજમાં માત્ર 3 લાખ વિદ્યાર્થીઓ જ પહોંચે છે. પ્રશ્ન એ છે કે બાકીના 12-14 લાખ વિદ્યાર્થીઓ ક્યાં ગયા?
શિક્ષણ માળખાકીય સંકટ
શિક્ષણ મંત્રીએ વિધાનસભામાં જે આંકડા રજૂ કર્યા છે, તે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. રાજ્યની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષક સાથે ચાલે છે. રાજ્યની સરકારી શાળાઓમાં 19,650 શિક્ષકોની તીવ્ર અછત છે. તેનાથી પણ વધુ ચિંતાજનક વાત એ છે કે 341 સરકારી શાળાઓ માત્ર એક વર્ગખંડમાં સંચાલિત થાય છે.
સરકારી કોલેજો હંગામી અધ્યાપકોના ભરોસે ચાલે છે, જે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરવામાં અસમર્થ છે. મૂળભૂત સુવિધાઓ જેવી કે શૌચાલય, પીવાનું પાણી અને રમતગમતના મેદાનોની સ્થિતિ તો અલગ જ કથા છે.
સરકારની કૃત્રિમ સફળતા
સરકારના બજેટના આંકડા અને વાર્ષિક અહેવાલો જુઓ તો એવું લાગે કે ડ્રોપઆઉટ રેટ દર વર્ષે ઘટી રહ્યો છે. પરંતુ આ આંકડા ભ્રામક અને છેતરપિંડીથી ભરપૂર છે. વાસ્તવિકતા એ છે કે સરકાર કાગળ પર સફળતા દર્શાવવા માટે આંકડાઓની હેરાફેરી કરે છે.
સરકારની છુપી મંશા
એવું લાગે છે કે સરકાર જાણીજોઈને સરકારી શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી રહી છે જેથી લોકો તેમના બાળકોને ખાનગી શાળાઓમાંમોકલવા મજબૂર થાય. આનાથી સરકાર પરનું આર્થિક બોજ ઘટે અને તે પોતાની સામાજિક જવાબદારીમાંથી છટકી જાય.
સમાધાનનો રસ્તો
રાજ્યને એક-બે મોડલ શાળાઓ નહીં, પરંતુ સમગ્ર સરકારી શિક્ષણ વ્યવસ્થાની ધરમૂળથી સુધારણાની જરૂર છે. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ, પૂરતા શિક્ષકો, યોગ્ય માળખાકીય સુવિધાઓ અને વાસ્તવિક મોનિટરિંગ વિના ગુજરાત કદાપી ભણી શકશે નહીં.
સમય આવી ગયો છે કે સરકાર દેખાવાની રાજનીતિ છોડીને વાસ્તવિક શિક્ષણ સુધારણા તરફ ધ્યાન આપે. નહીંતર ભવિષ્યમાં ગુજરાત "ભણશે" નહીં પરંતુ "ઉઠશે" જ કહેવાશે.
નવી માર્ગદર્શિકા ખાનગી રોપાણને પ્રોત્સાહન આપે છે, પર્યાવરણ અને જૈવ વૈવિધ્યને જોખમ
ભારતને સંવેદના, ઈમાનદારી અને ઊંડાણથી વિશ્વ સમક્ષ રજૂ કરનાર વરિષ્ઠ બીબીસી પત્રકાર
સત્તા માટે સમાજને વહેંચતી અનામતની રાજનીતિ, લાંબા ગાળે ભારતને કમજોર બનાવે છે