લોથલઃ ભારતના સુવર્ણ ભૂતકાળ અને સંસ્કૃતિની વાર્તા!
લોથલ હજારો વર્ષ જૂનું ભારતનું સમૃદ્ધ બંદર તેમજ વેપાર અને સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર હતું
લોથલના ખંડેરો જીવંત પુરાવો છે કે, એક સમયે અહીં ભારતનો ભવ્ય ભૂતકાળ કેવો ધબકતો હતો
લોથલના ખંડેરો જીવંત પુરાવો છે કે, એક સમયે અહીં ભારતનો ભવ્ય ભૂતકાળ કેવો ધબકતો હતો

ગુજરાતની ધરતી પર આજે પણ એક એવા શહેરના અવશેષો મોજૂદ છે. જે હજારો વર્ષ પહેલાં ભારતના વેપાર અને સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર હતું. આ શહેર એટલે લોથલ. સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે આવેલું આ સ્થળ, ભલે 'મૃતકોનો ટેકરો' તરીકે ઓળખાતું હોય, પરંતુ લોથલના ખંડેરો એ વાતનો જીવંત પુરાવો છે કે એક સમયે અહીં કેવું ભવ્ય જીવન ધબકતું હતું.

4200 વર્ષ જૂનું વિશ્વનું પ્રથમ ડોકયાર્ડ
અંદાજે 4200 વર્ષ જૂનું લોથલ માત્ર એક ગામડું નહોતું, પરંતુ એક આધુનિક સુવિધાઓથી સજ્જ શહેર હતું. અહીંની સૌથી મોટી ઓળખ તેનું વિશાળ ડોકયાર્ડ અથવા ગોદી છે. આ ગોદી કોઈ સામાન્ય નહોતી, પરંતુ ભરતી અને ઓટના સિદ્ધાંત પર કાર્ય કરતી એક અનોખી એન્જિનિયરિંગ રચના હતી. ભરતીના સમયે સમુદ્રનું પાણી એક કૃત્રિમ નહેર દ્વારા ગોદીમાં પ્રવેશતું. જેથી જહાજો સરળતાથી અંદર આવી શકતા. આ સુવિધા એ દર્શાવે છે કે સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો વેપાર અને દરિયાઈ વિજ્ઞાનમાં કેટલા નિપુણ હતા.

આંતરરાષ્ટ્રીય વેપારનું કેન્દ્ર હતું લોથલ
લોથલના વેપારી સંબંધો માત્ર ભારત પૂરતા સીમિત નહોતા. અહીંથી મળી આવેલી મેસોપોટેમિયાની સીલ (મુદ્રાઓ) એ વાતનો પુરાવો છે કે લોથલનો વેપાર આજથી 4 હજાર વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે થતો હતો. લોથલથી શંખ, મોતી, હાથીદાંતની કલાકૃતિઓ અને અદભૂત માળા મેસોપોટેમિયા (આજનું ઇરાક) જેવા દૂરના દેશોમાં મોકલાતા હતા. બદલામાં ત્યાંથી કિંમતી ધાતુઓ અને અન્ય જરૂરી વસ્તુઓ લાવવામાં આવતી હતી. આ આદાનપ્રદાનથી લોથલની આર્થિક સ્થિતિ ખૂબ જ સમૃદ્ધ હતી.

કલા અને કારીગરીનો ઉત્તમ નમૂનો
લોથલ માત્ર વેપાર પૂરતું સીમિત નહોતું. અહીંથી મળી આવેલા માટીના વાસણો, ઘરેણાં, રમકડાં અને શિલ્પો અહીંના લોકોની ઉચ્ચ કલાત્મકતા અને કારીગરી દર્શાવે છે. પાકી ઇંટોના બનેલા મકાનો અને સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા જેવી આધુનિક સુવિધાઓ પણ અહીંના શહેરી આયોજનની કુશળતાનો પરિચય કરાવે છે.

એક સમયનું સમૃદ્ધ નગર ખંડેરોમાં ફેરવાયું
સમયના પ્રવાહમાં કુદરતી આફતો, ખાસ કરીને વારંવાર આવતા પૂર, લોથલના પતનનું કારણ બન્યા. ધીમે ધીમે આ ભવ્ય નગર ખંડેરોમાં ફેરવાઈ ગયું. આજે લોથલના અવશેષો માત્ર એક પ્રવાસી સ્થળ હોય, પરંતુ તે ભારતના સુવર્ણ ભૂતકાળ અને તેની ભવ્ય સંસ્કૃતિની અમૂલ્ય વાર્તા કહે છે. લોથલ એ વાતનું જીવંત ઉદાહરણ છે કે હજારો વર્ષ પહેલાં ભારત વેપાર, તકનીકી અને કલાના ક્ષેત્રે કેટલું સમૃદ્ધ હતું.

હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામની સીમમાં ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે આવેલું લોથલ અમદાવાદથી 80 કિલોમીટર દૂર છે. એક સમયે આ સ્થળેથી દરિયો 5 કિલોમીટર દૂર હતો. હાલ 18 કિલોમીટરથી પણ વધુ દૂર છે. 1954ના નવેમ્બર મહિનામાં આ સ્થળ શોધવામાં આવ્યું અને 1955થી 1962 સુધી ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે ખોદકામ કરવામાં આવ્યું. અહીંના અંડાકાર ટીંબાનો ઘેરાવો 2 કિલોમીટરનો અને તેની ઊંચાઈ 3.5 મી. છે.

વારંવાર આવતા પૂરની સામે નગરને રક્ષણ મળી રહે તે હેતુ માટે કાચી ઈંટોની 13 મીટર જાડી દીવાલ બાંધવામાં આવી હતી. મકાનોના કુલ સાત સમૂહ જાણવામાં આવ્યા છે. કિલ્લાની પૂર્વે ધક્કો, દક્ષિણે વખાર અને ઉત્તર તથા પશ્ચિમે બીજાં જાહેર અને ખાનગી મકાનો આવેલાં છે. આયાત થયેલા માલની તપાસણી સરળતાથી થાય તે માટે વખાર ધક્કાની અને શાસકના નિવાસસ્થાનની તદ્દન નજીક આવેલી હતી.

લોથલમાંથી મકાનો, દુકાનો કે કારખાનાંના સમૂહો પ્રાપ્ત થયા છે. બજારના રસ્તાની બંને બાજુએ બે કે ત્રણ ખંડની દુકાનો અને કેટલીક વાર શ્રીમંતોના ચારથી પાંચ ઓરડા આવેલા હતા. લોથલનું મહત્વનું સ્થાપત્ય વહાણ લાંગરવાનો ધક્કો છે. દરિયાઈ ઇજનેરી અને હુન્નર વિદ્યાના ક્ષેત્રે વિશ્વની સંસ્કૃતિને અણમોલ ભેટ છે. આ ધક્કો 215 મીટર લાંબો, 38 મીટર પહોળો અને આશરે 1 મીટર ઊંડો છે. તેની અંદરની દીવાલો પાકી ઈંટો વડે બાંધવામાં આવી છે.
મોટી ભરતી વખતે પાણીના જુવાળ સામે ટક્કર ઝીલી શકે તેવું મજબૂત તેનું બાંધકામ હતું. ઈ. પૂ. ત્રીજી સહસ્રાબ્દીનો આ માત્ર એક ધક્કો છે. ફિનિશિયન અને રોમન ધક્કાઓ કરતાં લોથલનો ધક્કો વધુ વિકસિત હતો. ધક્કામાં પાણીનો ભરાવો ઓછામાં ઓછો આશરે 2 મીટરનો અને વધુમાં વધુ ભરતી સમયે આશરે 3 થી 3.5 મીટરનો હોવાનું માનવામાં આવે છે. ભરતી વખતે વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા દક્ષિણ બાજુએ નિર્ગમદ્વાર વડે કરવામાં આવી હતી.

પાણીની સપાટી નીચી હોય ત્યારે નિર્ગમદ્વારની બંને બાજુએ કરવામાં આવેલા ઊભા ખાંચાઓમાં લાકડાનાં પાટિયાં ગોઠવીને તે નિર્ગમદ્વાર બંધ કરી દેવાતાં. આ વ્યવસ્થાથી પાણીનો જરૂરી સંગ્રહ રાખી શકાતો. તેના લીધે વહાણોને તરતાં રાખી શકાતાં. સપાટી 2 મીટર જેટલી હોય ત્યારે 75 ટન વજનનાં વહાણ ધક્કામાં પ્રવેશી શકતાં. મુંબઈ અને વિશાખાપટ્ટનમના આધુનિક ધક્કાઓ કરતાં પણ લોથલનો ધક્કો ઘણો મોટો હતો. ઈ. પૂ. 1900માં આવેલા પૂરને લીધે ધક્કાનો વિનાશ થયો હતો. લોથલની સંસ્કૃતિનો સમય ઈ. પૂ. 2450થી 1900 સુધીનો ગણાવાયો છે.

લોથલનું ભવિષ્ય
લોથલ પર ચડી ગયેલી ધૂળ ધીમે-ધીમે ખંખેરાતી હોય તેમ જણાય છે. યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે વર્ષ 2014માં પસંદ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી-2020માં લોથલમાં મૅરિટાઇમ મ્યુઝિયમ ઊભું કરવા રૂપિયા 3,150 કરોડની ફાળવણી કરી છે. આ મ્યુઝિયમ પૉર્ટુગલના લિસ્બન ખાતે આવેલા મ્યુઝિયમની તર્જ પર નિર્મિત કરવામાં આવશે.

લિસ્બનના મ્યુઝિયમમાં પોર્ટુગલના નૌકાદળની પણ ભૂમિકા છે. તેવી જ રીતે લોથલ ખાતેના મ્યુઝિયમમાં ભારતીય નેવીની ભૂમિકા હશે એવી ચર્ચા છે. શિપિંગ મંત્રાલય દ્વારા સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ તેને ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અન્ય હિતધારકોમાં ભારતીય પુરાતત્ત્વ વિભાગ અને રાજ્ય સરકાર છે. આધુનિક સુવિધા સાથે અહીં પ્રાચીન ભારતની સાત સમંદર ખેડવાની સિદ્ધિને નિર્દેશિત કરવાનો હેતુ છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર દરજ્જાની વ્યક્તિ દ્વારા આ કામને પાર પાડવામાં આવશે.

દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી કોમી-એકતાની ધુળેટી તરીકે પણ પ્રખ્યાત બની

બજેટ સત્ર પહેલા વિધાનસભામાં અમદાવાદી માતાની પછેડી, વારલી અને મડ મિરર વર્કનું પ્રદર્શન

બજરંગદાસ બાપાની જાતિ વિનાની ભક્તિ અને આજના બગદાણાની હકીકત વચ્ચેનો ટકરાવ