વિધાનસભા સંકુલમાં ઝળહળ્યો ગુજરાતનો કલા વારસો
બજેટ સત્ર પહેલા વિધાનસભામાં અમદાવાદી માતાની પછેડી, વારલી અને મડ મિરર વર્કનું પ્રદર્શન

ગુજરાત વિધાનસભા સંકુલમાં કંડારાયેલી મડ મિરર વર્ક, વારલી આર્ટ અને માતાની પછેડીની કલા

ગુજરાત વિધાનસભા સંકુલમાં કંડારાયેલી મડ મિરર વર્ક, વારલી આર્ટ અને માતાની પછેડીની કલા
ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા-કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની લોક કલાકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે.
રાજ્યમાં પરંપરાગત કલા-કારીગરીને જીવંત રાખવાનું કામ કરતાં સરકારી સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (‘ગરવી-ગુર્જરી’) રાજ્ય સરકારના આવા હકારાત્મક પ્રયત્નોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે અને તેની જ પહેલે ગુજરાતના હજારો કલા-કારીગરોનું પ્રતિનિધિત્વ કરતા કલા-કારીગરોને વિધાનસભા સંકુલ તરીકે ગૌરવમય મંચ આપ્યો છે. તેના પગલે ગુજરાત વિધાનસભા સંકુલ માત્ર શાસનનું કેન્દ્ર નથી રહ્યું, પણ રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો જીવંત અરીસો બની ગયું છે. આ પહેલ હેઠળ વિધાનસભા સંકુલના વિવિધ વિસ્તારોમાં ગુજરાતની ભાતીગળ અને લોકવારસાની ઝાંખી કરાવતી અનોખી લોકકલાકૃતિઓ કંડારવામાં આવી છે.
કુશળતાના આધારે ત્રણ કલાઓની કરાઈ પસંદગી
ગરવી ગુર્જરીએ વિધાનસભા સંકુલમાં રાજ્યના કલા વારસાને રજૂ કરવા માટે એક સશક્ત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરીને, રાજ્યના પ્રતિભાશાળી હાથશાળ–હસ્ત્કલા કારીગરોને માર્ગદર્શન, પ્રેઝન્ટેશન અને યોગ્ય તક ઉપલબ્ધ કરાવી. મુખ્ય લોકકલાકૃતિઓમાં (1) ગુજરાતનું પરંપરાગત મડ મિરર વર્ક (2) છોટા ઉદેપુરની વારલી આર્ટ તથા (3) અમદાવાદની માતાની પછેડી (પરંપરાગત કલમકારી કળા)નો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકકલાકૃતિઓ આજે વિધાનસભા સંકુલના ભીંતો અને વિસ્તારોને શોભા આપી રહી છે અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને ઉજાગર કરી રહી છે.
વારલી કલા દ્વારા વિધાનસભાનો ઈતિહાસ ભીંતો પર કંડારાયો
વિધાનસભા સંકુલમાં વારલી કલા દ્વારા પ્રાચીન રાજસભાથી આધુનિક વિધાનસભા સુધની યાત્રા તથા ગ્રામ્યથી શહેરી વિકાસની ભાવનાત્મક તેમજ દ્રશ્યાત્મક ઝાંખી વારલી પેન્ટિંગથી રજુ કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પ્રતિભાશાળી વારલી કારીગર અર્ચનાબેન રાઠવાએ વારલી કલાનું પ્રદર્શન કર્યું છે. છેલ્લા 8 વર્ષથી ગરવી ગુર્જરી સાથે જોડાયેલા અર્ચનાબેનને આ કળામાં વર્ષ 2022માં રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કચ્છી મડ મિરર વર્ક કલા વડે સાંસ્કૃતિક લોક કલાકૃતિઓ જીવંત કરાઈ
વિધાનસભા સંકુલ પર ગુજરાતની પરંપરાગત કચ્છી મડ મિરર વર્ક કળાનો રંગ પણ છવાયો છે. આ કળાને નવી ઓળખ અપાવનાર ગીરીશ એ. પરમાર આજે આ લોકવારસાના અગત્યના કલાકાર તરીકે જાણીતા છે. મુલતાની માટી અને રંગીન કાચનો ઉપયોગ કરીને તૈયાર થતી આ કળા પરંપરાગત રીતે કચ્છના ભૂંગા ઘરોમાં જોવા મળતી હતી. ગીરીશભાઈ આધુનિક અને પ્રતિષ્ઠિત સ્થાનોમાં સફળતાપૂર્વક રજૂ કરી રહ્યા છે. તેઓ 26 જાન્યુઆરીની ટેબ્લો પરેડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તથા સચિવાલય, અન્ય સરકારી કચેરીઓ અને ગરવી ગુર્જરી માટે અનેક વિશિષ્ટ પ્રોજેક્ટ્સ તેમણે પૂર્ણ કર્યા છે.
અમદાવાદી માતાની પછેડી કલાએ સર્જ્યુ પરંપરા-આધુનિકતાનું સંગમ
ચિતારા પરિવારે ગુજરાત વિધાનસભા સંકુલમાં અમદાવાદની પ્રાચીન માતાની પછેડી (કલમકારી) કળા રજૂ કરવાની ગૌરવસભર તક મેળવી. વિધાનસભાની દિવાલો પર માતાની પછેડી દ્વારા પરંપરા અને આધુનિકતાનું અનોખું સંકલન રજૂ કરવામાં આવ્યું છે કે જે સાંસ્કૃતિક વારસાને નવી દિશા આપે છે. આ કળાને જીવંત રાખનાર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ચંદ્રકાંતભાઈ ચિતારા પરંપરાગત કળાના આગવા પ્રતિનિધિ તરીકે ઓળખાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દરેક જ્ઞાતિના લોકો જોડાતા હોવાથી કોમી-એકતાની ધુળેટી તરીકે પણ પ્રખ્યાત બની

બજરંગદાસ બાપાની જાતિ વિનાની ભક્તિ અને આજના બગદાણાની હકીકત વચ્ચેનો ટકરાવ

જોરાવરસિંહ જાદવના નિધનથી ગુજરાતના સાહિત્ય અને લોકકલા જગતમાં શોકની લાગણી