મણિનગરમાં 'બહેન'ની અદાવતમાં યુવકની હત્યા
ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ચિરાગ રાઠોડની કરુણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં ચાર આરોપીઓને ઝડપ્યા
પ્રેમ અને અદાવતના કારણે યુવકની હત્યા
પ્રેમ અને અદાવતના કારણે યુવકની હત્યા
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૪ જાન્યુઆરીની રાત્રે જ્યારે આખું શહેર ઉત્તરાયણની ઉજવણીમાં મશગૂલ હતું, ત્યારે એક લોહિયાળ ખેલ ખેલાયો હતો. 'માનેલી બહેન'ની સુરક્ષા કરવાની ચિરાગ નામના યુવકની ઈચ્છા તેના મોતનું કારણ બની હતી. અદાવતમાં રચાયેલા આ કરુણ કાવતરાએ માત્ર એક જિંદગી નથી છીનવી, પરંતુ મણિનગર જેવા શાંત વિસ્તારમાં સનસની ફેલાવી દીધી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતો ચિરાગ રાઠોડ એક યુવતીને પોતાની માનેલી બહેન માનતો હતો. આ યુવતી શહેરની એરોન કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરે છે. આ જ કંપનીમાં મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વીજ પરમાર પણ નોકરી કરતો હતો. કંપનીમાં કામ કરતા મંથન અને યુવતી વચ્ચે મિત્રતા ગાઢ બની હતી, જે ચિરાગને જરાય પસંદ નહોતી. ચિરાગ એક ભાઈ તરીકેની ફરજ સમજીને વારંવાર પોતાની માનેલી બહેનને મંથનથી દૂર રહેવા અને તેની સાથે સંબંધ ન રાખવા માટે ટોકતો હતો.
ચિરાગની આ દખલગીરી મંથનને આંખના કણાની જેમ ખૂંચતી હતી. પોતાની મિત્રતા વચ્ચે અવરોધ બનતા ચિરાગને રસ્તામાંથી હટાવવા માટે મંથને તેના ગુનાહિત માનસ ધરાવતા મિત્રો સાથે મળીને ઘાતકી કાવતરું ઘડ્યું હતું.
સમાધાનના બહાને બોલાવી ખેલ્યો લોહિયાળ ખેલ૧૪ જાન્યુઆરી, ઉત્તરાયણની રાત્રે આશરે પોણા નવ વાગ્યાની આસપાસ મંથને એક યોજના બનાવી. તેણે ચિરાગ અને યુવતીના સગા ભાઈ નયનને મણિનગરના ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે 'સમાધાન' કરવાના બહાને મંત્રણા માટે બોલાવ્યા. ચિરાગને એમ હતું કે વાતચીતથી મામલો થાળે પડી જશે, પરંતુ તેને ક્યાં ખબર હતી કે ત્યાં મોત તેની રાહ જોઈ રહ્યું છે.
મંથન તેના ત્રણ મિત્રો – વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહ સાથે બે વાહનોમાં હથિયારો સજ્જ થઈને પહેલેથી જ ગ્રાઉન્ડ પાસે ગોઠવાયેલો હતો. જેવા ચિરાગ અને નયન ત્યાં પહોંચ્યા, મંથન અને તેની ટોળકીએ વાત કરવાને બદલે આયોજનબદ્ધ રીતે ચિરાગ પર હુમલો કરી દીધો. આ હુમલામાં મંથને ચપ્પુ વડે ચિરાગની પાંસળી અને છાતીના ભાગે એટલા જોરથી ઘા ઝીંક્યા કે ચિરાગ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ચિરાગનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
પોલીસની સતર્કતા: ગણતરીના કલાકોમાં આરોપીઓ જેલ ભેગાહત્યાની આ ઘટનાની જાણ થતાં જ મણિનગર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓ પોતપોતાના વાહનો લઈને નાસી છૂટ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી. ગણતરીના કલાકોમાં જ પોલીસને મોટી સફળતા મળી અને ચારેય આરોપીઓને શહેરના ભૈરવનાથ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યા. પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલું તીક્ષ્ણ ચપ્પુ અને ગુનામાં વપરાયેલા વાહનો પણ કબજે કર્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસપોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી મંથન અને તેનો સાથી જયદીપ શાહ કોઈ સામાન્ય યુવકો નથી, પણ રીઢા ગુનેગાર છે. તેમની સામે અગાઉ અમદાવાદના શાહપુર અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ (IPC 307) અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે તેઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક આ હત્યાને અંજામ આપ્યો હતો.
કાવતરાની દિશામાં વધુ તપાસહાલ મણિનગર પોલીસે ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ એ જાણવા માંગે છે કે:
આ કાવતરું કઈ જગ્યાએ અને ક્યારે રચાયું હતું?
શું આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિએ તેમને મદદ કરી હતી?
હત્યા કરવા માટે હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યા હતા?
ચિરાગની હત્યાએ રક્ષાબંધનના પવિત્ર સંબંધની આડમાં બનેલી એક કરુણ ઘટના તરીકે અમદાવાદમાં ભારે ચર્ચા જગાવી છે. મણિનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીઓને સખત સજા થાય તે દિશામાં મજબૂત પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય