પત્ની-દીકરીએ ભાણિયા મારફતે પતિનું કાસળ કાઢ્યું!
વિજાપુરમાં હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, પરિવારના સભ્યોએ રચ્યું મોતનું કાવતરુ

વિજાપુર પોલીસે આરોપી વિમલ પટેલ અને પત્ની રીટાની ધરપકડ કરી હતી

વિજાપુર પોલીસે આરોપી વિમલ પટેલ અને પત્ની રીટાની ધરપકડ કરી હતી
Murder under the guise of an accident in Bijapur: મહેસાણા જિલ્લાના વિજાપુરમાં થોડા દિવસો અગાઉ બનેલી માર્ગ અકસ્માતની ઘટના હત્યા કેસમાં ફેરવાઈ ગઈ છે. પત્ની અને દીકરીએ મળીને ભાણિયા મારફતે પતિની હત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે પત્ની, દીકરી અને ભાણિયાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતની ઘટનાએ લીધો હત્યાનો વળાંક
8 જુલાઈ 2026ના રોજ વિજાપુરની આનંદપુરા ચોકડી નજીક કાર અને એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં મેડિકલ સ્ટોર સંચાલક વિનોદભાઈ પટેલનું મોત થયું હતું. શરૂઆતમાં ઘટના સામાન્ય માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ તપાસ દરમિયાન એક વ્યક્તિએ પોલીસને જાણ કરી આ ઘટના અકસ્માત નહી પણ હત્યા હોવાની બાતમી આપી હતી. ત્યારબાદ અનેક શંકાસ્પદ વિગતો સામે આવતા પોલીસે તપાસની દિશા બદલાવીને હત્યા તરફ વાળતાં ચોંકાવનારા ખુલાસા થયા હતા.
પતિના ત્રાસથી કંટાળ્યાનો આરોપ
મૃતક વિનોદ મણીલાલ પટેલ વિજાપુરમાં રામમંદિર પાસે મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તેમના પત્ની રીટાબેન (ઉં.વ.49 રહે.આનંદપુરા) અને ગાંધીનગર રહેતી તેમની દીકરી શ્રદ્ધાબેન (ઉં.વ.27) અવારનવાર વિનોદભાઇના શંકાશીલ સ્વભાવ અને મારઝૂડથી કંટાળી ગયા હતા. આ કંટાળા અને ત્રાસમાંથી કાયમી છુટકારો મેળવવા માટે માતા-પુત્રીએ ભયાનક પ્લાન ઘડ્યો હતો.
તેઓએ ગુનાને અંજામ આપવા રીટાબેનની બહેનના દીકરા અને મૃતકના ભાણિયા વિમલ રોહિતભાઈ પટેલ (ઉ.વ. 24, રહે. અસ્નાપુરા-ગેરીતા)નો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં વિમલે આ કામ કરવાની ના પાડી હતી. પરંતુ તેની માસી રીટાબેન અને બહેન શ્રદ્ધાએ સતત વોટ્સએપ કોલ કરીને, ભાવનાત્મક અત્યાચાર ગુજારી અને પૈસાની લાલચ આપીને તેને આ હત્યા કરવા માટે મનાવી લીધો હતો.
CCTV અને ટેક્નિકલ તપાસથી મળ્યો મહત્વનો પુરાવો
વિજાપુર PI આર.જે. ચૌહાણ અને તેમની ટીમે અનડિટેક્ટ ગુનાની સઘન તપાસ શરૂ કરી હતી. પોલીસે અલગ અલગ જગ્યાઓના CCTV ફૂટેજ ચેક કર્યા અને ટેક્નિકલ તથા હ્યુમન સોર્સની મદદથી માહિતી મેળવી કે અકસ્માત સર્જનાર વાહન નંબર પ્લેટ વગરની સફેદ કલરની બ્રેઝા ગાડી હતી. દરમિયાન પોલીસને એક મહત્વની કડી ત્યારે મળી જ્યારે એક સાહેદે પોલીસ મથકે આવીને જણાવ્યું કે 8 જુલાઈના રોજ વિમલ પટેલ તેને CCTV કેમેરાના ફિટિંગના બહાને પોતાની સફેદ બ્રેઝા ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. સાઇટ પર જવાના બદલે વિમલે ગાડી આનંદપુરા તરફ લીધી હતી અને આનંદપુરા ચોકડીથી આગળ જઈને રસ્તા પર જતા એક એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. મિત્રએ ગાડી ઊભી રાખવાનું કહેવા છતાં વિમલ ગાડી ભગાવી ગયો હતો. આ માહિતી કેસમાં મહત્વની સાબિત થઈ હતી.
લોકેશન શેર કરીને અમલમાં મૂકાયો પ્લાન
આ બાતમીના આધારે પોલીસે વિમલને ઝડપી પૂછપરછ કરતા સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો હતો. વિમલે કબૂલાત કરી કે, ઘટનાના દિવસે તે બ્રેઝા ગાડી લઈને રામબાગ નજીક ઊભો હતો. શ્રદ્ધા સતત વોટ્સએપ પર લોકેશન આપતી હતી. તેણે વિનોદભાઈને મેડિકલમાંથી બહાર બોલાવતાં તેઓ એક્ટિવા લઈને નીકળતા જ વિમલે તેમનો પીછો કર્યો હતો અને આનંદપુરા ચોકડી પાસે તક મળતા જ પાછળથી પૂરપાટ ઝડપે ગાડી ચલાવી એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં વિનોદભાઈનું કરુણ મોત નીપજ્યું હતું.
ત્રણ આરોપીઓની ધરપકડ, તપાસ યથાવત
પુરાવા અને પૂછપરછના આધારે પોલીસે મરણજનારની પત્ની રીટાબેન, દીકરી શ્રદ્ધાબેન અને ભાણિયા વિમલકુમારની ધરપકડ કરી છે. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં અને હત્યાના કાવતરા અંગે વધુ વિગતો જાણવા પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. પોલીસનું કહેવું છે કે કેસમાં મળતા નવા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!