શા માટે પુત્રને કડક સજા કરવા માટે પિતાએ કરી માંગ?
હત્યારા શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈએ ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી

બે સંતાનો અને પત્નીની હત્યા કરનારો આરોપી શૈલેષ ખાંભલા

બે સંતાનો અને પત્નીની હત્યા કરનારો આરોપી શૈલેષ ખાંભલા
ભાવનગરમાં બે દિવસ પહેલાં ફોરેસ્ટ કોલોનીમાં પત્નિ અને બે સંતાનોની તકિયાથી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાની ભાવનગર પોલીસે ધરપકડ કરી લીધી છે. તેવામાં આરોપી શૈલેષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બચુભાઈએ ભારે હૈયે વીડિઓ બનાવી સરકાર અને પોલીસને બંને માસૂમ બાળકો અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલેષને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.
સોશિયલ મીડિયામાં મળેલા વીડિયોમાં બચુભાઈએ જણાવ્યું કે, મારા બે માસૂમ બાળકો અને પુત્રવધૂની અધમ કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યા છે. તેના પ્રત્યે મને દુઃખ છે. મારો આખો પરિવાર દુઃખી છે. મારા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. ત્રણેયની હત્યા શૈલેષ ખાંભલાએ કરી હોવાનો પોલીસે ખુલાસો કર્યો છે. તિયારે શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા કરવા બચુભાઈ ખાંભલાએ માગણી કરી છે.
તેમણે જણાવ્યું કે, સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવા માટે ઊંડી તપાસ કરવામાં આવે. તેમના પુત્રને એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવા વિનંતી કરી છે. બચુભાઈ ખાંભલાએ ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી છે. આ મામલે સત્વરે ન્યાય મળે તેવી માગણી કરી છે.
શું હતો સમગ્ર મામલો?
ભાવનગરના ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાના પરિવારમાં પત્ની નયના, દિકરો ભવ્ય અને દિકરી પૃથા હતાં. તેઓ સુરતમાં રહેતાં હતાં. બાળકો અને પત્ની દિવાળી વેકેશનમાં 27 ઓક્ટોબરે ભાવનગર આવ્યાં હતાં. ઘરમાં પત્ની અને સંતાનોની એન્ટ્રી થતાં શૈલેષ અને નયના વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. ચાર દિવસ સુધી દંપતિ વચ્ચે માથાકૂટો ચાલી હતી.
5 નવેમ્બરે સવારે પતિ-પત્ની બેડમાં સૂતાં હતાં ત્યારે સવારના 7 વાગ્યાના સુમારે ઝઘડો થયો. ઝઘડો એટલી હદે વધ્યો કે બેડ પર પડેલા તકિયા વડે શૈલેષે પત્ની નયનાનું મોઢું દબાવી દીધું. થોડીવારમાં નયનાનું મોત થઈ ગયું. ત્યારબાદ અલગ રૂમમાં ઊંઘી રહેલાં સંતાનોના રૂમમાં પહોંચી શૈલેષે પહેલા દિકરા ભવ્યનું મોં તકિયાથી દબાવી દીધું અને પછી દીકરી પૃથાની ક્રૂર રીતે હત્યા કરી નાખી હતી.
મૃતદેહનો નિકાલ કેવી રીતે કર્યો?
પોતાના સંતાનો અને પત્નીને પતાવી દીધાં બાદ તેણે ત્રણેયના મૃતદેહનો નિકાલ કરવાનું પ્લાનિંગ ઘડી કાઢ્યું. તેણે અગાઉ ઘરની બાજુમાં ખાડા ખોદાવી રાખ્યા હતા. પરંતુ તેમાં મૃતદેહ મૂકવા અને પછી એને દાટવા માટેનો પ્લાન બનાવ્યો. શૈલેષે ત્રણેય મૃતદેહને પોતાના ક્વાર્ટરથી 20 ફૂટના અંતરે ફોરેસ્ટના સ્ટાફ પાસે ખોદાવેલા ખાડામાં મૃતદેહ દાટી દીધા. મૃતદેહ ખાડામાં નાખી દીધા બાદ માથે ગાદલું અને એક બારણું પણ નાખી દીધું હતું. ત્રણેયની હત્યા કરી મૃતદેહનો નિકાલ કરી ઘરેથી નીકળી ગયો. બે દિવસ ભાવનગરમાં રહ્યા બાદ 7 નવેમ્બરે ભરતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની અને બંને સંતાનો ગુમ થવાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. 12 નવેમ્બર સુધી ફરજ ઉપર હાજર રહીને 12 નવેમ્બર બાદ રજા મૂકીને સુરત ચાલ્યો ગયો હતો.
કેવી રીતે ભેદ ઉકેલાયો?
7 નવેમ્બરે ગુમ થયેલાં નયનાબેનના મોબાઇલ નંબરના સીડીઆર મંગાવવામાં આવ્યા. ACF શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું કે, તેની પત્ની અને બાળકો એક રિક્ષામાં ગયાં હોવાનું સિક્યોરિટીએ જણાવ્યું હતું. પોલીસે સિક્યોરિટીની પૂછપરછ કરતાં બાળકો કે પત્નીને જોયાં ન હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ફોરેસ્ટ કોલોનીમાં આવેલા ઘર બહારના સીસીટીવી અને અન્ય સીસીટીવી કેમેરા ચેક કરતાં ક્યાંય પણ પત્ની અને સંતાનો નજરે ચઢ્યા નહોતા. તેથી પોલીસે શૈલેષ ખાંભલા પાસે તેની પત્નીના મોબાઈલના મેસેજનો સ્ક્રીનશોટ મંગાવી મેસેજમાં જણાવેલી બાબત અંગે પરિવારના અન્ય સભ્યો સાથે પૂછપરછ કરી હતી.
શૈલેષે તેની પત્નીના મોબાઈલમાંથી મેસેજ પણ કર્યો હતો. જેમાં તે બીજા સાથે રહેવા માટે જાય છે એવી વાત લખી હતી. જો કે આ મેસેજ કોઈને સેન્ડ થયો નહીં. કારણ કે ફોન એરોપ્લેન મોડમાં હતો. મેસેજમાં લખેલી ભાષા તથા પત્નીના જૂના મેસેજની ભાષા સરખાવતા મિસમેચ આવ્યો હતો. તેના આધારે પોલીસને શૈલેષ ખાંભલા ઉપર શંકા પડી અને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો.
ત્રણ દિવસ પહેલાં હત્યાનું પ્લાનીંગ કર્યુ હતું
શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં આવતાં પોલીસે તેનો મોબાઈલ ટ્રેસ કરી ગુમ થયેલી તારીખથી લઈ 16 નવેમ્બર સુધીની કોલ ડિટેઇલ ચકાસી હતી. જેમાં કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાર વાત થયાનું જણાઈ આવતાં તે નંબરની વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતાં અમિત વાણિયા હોવાનું સામે આવ્યું. તેઓ આરએફઓ તરીકે ફરજ બજાવતા હતા અને 2 નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ તેના ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે ખાડાઓ કરી આપવા જણાવ્યું હતું.
15 નવેમ્બરના રોજ RFO ગિરીશ વાણિયાનું નિવેદન લેતાં તેમણે જણાવ્યું કે, શૈલેષે તેના ક્વાર્ટર પાસે 2 નવેમ્બરે માણસો અને જેસીબી દ્વારા ખાડા કરાવી આપવા સૂચના આપી હતી. ત્યારબાદ ખાડાને ફરી બૂરવા માટે શૈલેષે સૂચના આપી હતી. આ સૂચનાને પગલે વનરક્ષક વિશાલ પનોતે બે ડમ્પર મોરમ મંગાવી જ્યાં ખાડા કર્યા હતા ત્યાં ભરાવીને એ જગ્યા સમતલ કરાવી હતી.
ખાડા બાબતે વધુ તપાસ માટે 15 નવેમ્બરના રોજ વિશાલ પનોતને પોલીસે નિવેદન લેતાં તેમણે જણાવ્યું કે, 6 નવેમ્બરે RFO મિત વાણિયાએ ફોન કરી કહ્યું કે ACF ખાંભલા સાહેબના કવાર્ટર પર મોરમની જરૂર છે. બે ડમ્પરની વ્યવસ્થા કરવાની છે તેમ કહેતાં કુલદીપસિંહ નામના ડમ્પરવાળાને ફોન કરી બે ડમ્પર મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ પોતે તથા RFO વાણિયાનો ડ્રાઇવર સંજય રાઠોડ બંને ફોરેસ્ટ કોલોની ખાતે ગયા હતા.
થોડીવારમાં શૈલેષ ખાંભલા આવ્યો અને તેને ડમ્પર ક્યાં ખાલી કરવાનાં છે? એમ પૂછતા તેણે કહી દીધું કે આ ડમ્પર પાછળ લઇ લો. તેના કવાર્ટરની બાજુમાં ડમ્પરને લેવામાં આવ્યું. આ સમયે શૈલેષ પણ ક્વાર્ટર પાછળ થઈને ડમ્પર નાખવાનાં હતાં એ ખાડાની બાજુમાં ગયો. દરમિયાન વિશાલ પનોત પોતે પણ ખાડા તરફ જતા હતા. ત્યારે શૈલેષે કહ્યું કે તમે અહીં આવતા નહીં. મારો સાપ પર પગ દેવાઈ ગયો છે અને એ કરડી જશે.
ખાડા પાસે માટીનો ઢગલો પડ્યો હોવાથી વિશાલ પનોતે કહ્યું કે ડમ્પરની શું જરૂર હતી? અહીં માટી પડેલી છે એનાથી જેસીબીથી પુરાવી દેત. ત્યારે ખાંભલાએ કહ્યું કે ખાડામાં રાત્રે એક રોઝડું પડી ગયું હોવાથી એને ખાડામાંથી બહાર કાઢવા માટે મેં ગાદલું નાખી તેના સહારે રોઝડું બહાર નીકળી ગયું હતું. ત્યારપછી જેસીબીથી ખાડાને બૂરી દેવાયો હતો.
ઘટનાસ્થળે ખોદકામ કર્યું ને ત્રણ મૃતદેહ મળ્યા
DySP આર.આર.સિંઘાલે 16 નવેમ્બરના રોજ બે પંચો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, વીડિયોગ્રાફર, RFO અમિત વાણિયાને સાથે રાખી ઘટના સ્થળે ખોદકામ કર્યુ. તે સમયે ખાડામાંથી ત્રણ મૃતદેહ મળતાં એની ઓળખ પરેડ અંગે પરિવારના સભ્યોને બોલાવ્યા. ત્રણેય મૃતદેહ ખાંભલા પરિવારના જણાઈ આવતાં હત્યાની ફરિયાદ નોંધવામાં આવી. બાદમાં ડોગ-સ્કવોડ બોલાવી. ડોગ શૈલેશના ઘરની આજુબાજુ તથા દીવાલની આજુબાજુ અને ઘરના હોલમાં રહેલા સોફા પાસે, બેડરૂમમાં રહેલા પલંગ પાસે ગયો હતો. તેથી પોલીસે શૈલેષ ખાંભલા વિરુદ્ધ પરિવારના સભ્યોની હત્યા તેમજ પુરાવાને નાશ કરવા બાબતે અને પોલીસને ગેરમાર્ગે દોરવવા બાબતનો ગુનો દાખલ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
શૈલેષે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો
ભાવનગર એસપી નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે પતિ અને પત્ની બંને વચ્ચે ઘરકંકાસ હતો. પત્નીનો આગ્રહ હતો કે તે પતિ સાથે રહે અને પતિનું કહેવું હતું કે સાસરી પક્ષ સાથે સુરતમાં રહે. ઘણા દિવસથી ઘરકંકાસ ચાલતો હતો અને એટલા માટે ત્રણેયનાં મર્ડર કર્યાં હતાં. શૈલેષ ખાંભલા મને મળવા આવ્યા હતા. મને પણ પહેલી વખત લાગ્યું કે પોતે કોઈ રેફરન્સથી મારી પાસે આવે છે. પછી અમે કીધું કે અમે તમારા માટે મહેનત કરીશું. અમારી બેસ્ટ ટીમ લગાડીશું તો તેને કીધું કે અત્યારે તમે રહેવા દો. હોલ્ડ કરો. હું અત્યારે મારા લેવલે ટ્રાય કરું છું અને બે-ત્રણ દિવસ પછી મને લાગશે કે મદદની જરૂર છે તો આપનો કોન્ટેક્ટ કરીશ. ત્યારબાદ મારા પર કે મારા અધિકારી પર કોઈ કોલ ન આવ્યો. તે 4-5 દિવસથી સુરત હતો. 5 અને 6 નવેમ્બરની રાત્રે તે પોતાના ઘરે નહોતો રોકાયો. તે આજુબાજુમાં ફરતો રહ્યો હતો.
પ્રમોશન સાથે શૈલેષ ખાંભલાની ભાવનગર બદલી થઈ હતી
ભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યારબાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!