₹210 કરોડ સાયબર ફ્રોડ કેસમાં વડોદરાની ગેંગ ઝબ્બે
દેશની 15થી વધુ બેન્કોના એકાઉન્ટ હેક કરી, ટેક્નિકલ એરરથી એક રાતમાં 7 કરોડ ઉપાડી લીધા

સાયબર ફ્રોડ આચરતી ગેંગના પકડાયેલા આરોપીઓની તસવીર

સાયબર ફ્રોડ આચરતી ગેંગના પકડાયેલા આરોપીઓની તસવીર
ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય સાયબર ગઠિયાઓની મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે દેશભરની 15 થી વધુ બેંકોને નિશાન બનાવી અંદાજે 210 કરોડનું સાયબર ફ્રોડ આચર્યું છે. વડોદરાની આ ગેંગે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરી એક રાતમાં 7 કરોડથી વધુની રકમ ચાઉં કરી લીધી હતી.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ ગેંગ ભાવનગર બેંક સુધી સીમિત નહોતી. આ ગેંગ આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબ જેવા રાજ્યોમાં સક્રિય હતા. અત્યાર સુધીની તપાસમાં આ ગેંગે 273 જેટલા સાયબર ગુનાઓને અંજામ આપ્યો હોવાનો અને 210 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યાનું ખૂલ્યું છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓએ બેંકના CBS (કોર બેંકિંગ સર્વિસ) સોફ્ટવેરમાં રહેલી ટેક્નિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી કૌભાંડ આચર્યું હતું. કૌભાંડની કાર્યપદ્ધતિ મુજબ હેકર્સે સૌપ્રથમ બેંકના જૂના અને નિષ્ક્રિય એકાઉન્ટ્સને ટાર્ગેટ કર્યા હતા અને તે એકાઉન્ટધારકોના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલીને પોતાના નંબર એક્ટિવ કરી દીધા હતા.
ત્યારબાદ સિસ્ટમની આ ખામીનો ફાયદો ઉઠાવી એકાઉન્ટમાં 7.34 કરોડની રકમ વર્ચ્યુઅલી જનરેટ કરી હતી. આ રકમને સગેવગે કરવા માટે તેમણે સામાન્ય લોકો પાસેથી આર્થિક લાલચ આપી ભાડેથી મેળવેલા 135 અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં તમામ રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે અલગ અલગ રાજ્યોમાંથી ગેંગના સભ્યોની ધરપકડ કરી તેમની પાસેથી 9 પાસબુક, 39 ડેબિટ કાર્ડ, 12 ચેકબુક અને 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન પોલીસે છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 2.04 કરોડની રકમ ફ્રીઝ કરી છે.
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસ.પી. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સંગઠિત ગેંગ બેંકિંગ સિસ્ટમની ટેક્નિકલ ખામીઓનો લાભ લઈને વ્યાપક સ્તરે છેતરપિંડી કરે છે. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો