મુસાફરો ગાઢ ઊંઘમાં હતા ને અચાનક ધડાકો થયો, 6નાં મોત
આણંદના બોરીયાવી નજીક બસ અને ટ્રક વચ્ચે એવી ટક્કર થઈ કે 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત
Ahmedabad-Vadodara Express Way Accident: વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આણંદના બોરીયાવી નજીક સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બસમાં સવાર 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં બસનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પાંચ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વહેલી સવારે બોરીયાવી નજીક બસ-ટ્રકની ટક્કર
મળતી માહિતી મુજબ, સાઈદર્શન ટ્રાવેલ્સની બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ બસ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આણંદના બોરીયાવી નજીક પહોંચી હતી. આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે મોટાભાગના મુસાફરો ગાઢ ઊંઘમાં હતા. અચાનક જોરદાર ટક્કર થતાં બસમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઊંઘમાંથી જાગેલા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પોલીસે હાથ ધરી બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બસ તથા ટ્રકની ટક્કરનું ચોક્કસ કારણ શું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
ઈજાગ્રસ્ત મુસાફરે જણાવી અકસ્માતની હકીકત
ઈજાગ્રસ્ત મુસાફરે જણાવ્યું હતું કે તેઓ સુરતથી બસમાં સવાર થયા હતા. વહેલી સવારે અચાનક જોરદાર ધડાકો થયો હતો. તે સમયે બસમાં મોટાભાગના મુસાફરો ઊંઘી રહ્યા હતા. અકસ્માત બાદ બસમાં બૂમાબૂમ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મૃતકોના પરિવારજનોએ વળતરની માગ કરી
મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓએ પરિવારના સભ્યને સુરતથી રાત્રે આશરે 9 વાગ્યે બસમાં બેસાડ્યા હતા. ત્યારબાદ રાત્રે સવા ત્રણ વાગ્યાની આસપાસ અકસ્માતની જાણકારી મળી હતી. તેમણે જણાવ્યું કે તેમના બનેવીનું અકસ્માતમાં મોત થયું છે અને પરિવારમાં નાના બાળકો છે. પરિવારજનોએ સરકાર તરફથી વળતરની માગ કરી છે.
અકસ્માત બાદ ટ્રાફિક વ્યવહાર પૂર્વવત
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતને કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. પોલીસ દ્વારા ક્ષતિગ્રસ્ત બસ અને ટ્રકને રોડ પરથી દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈવે પર વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માત પાછળના ચોક્કસ કારણો અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનાં નામ
• ગણેશ યાદવ, ઉંમર 39 વર્ષ, સુરત
• વિશાલ ત્રિવેદી, ઉંમર 20 વર્ષ, નડિયાદ
• વિધજીત ભટ્ટચડલા, ઉંમર 22 વર્ષ, સુરત
• રમેશ શાંતિલાલ શર્મા, ઉંમર 60 વર્ષ, સુરત
• રજનીકાંત કંચન, ઉંમર 60 વર્ષ, રાજસ્થાન
• જીતેન્દ્રસિંહ નટવરસિંહ ઝાલા, ઉંમર 32 વર્ષ, સાબરકાંઠા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂ APMC પાસે મોપેડ રોકાયું અને ખુલ્યું ડ્રગ્સનું રહસ્ય! પેન્ટમાં MD, ડીકીમાં ડિજિટલ કાંટો

મંદિરમાંથી ધુમાડો નીકળતો જોઈ ગ્રામજનો દોડી આવ્યા... અંદરનું દ્રશ્ય જોઈ સૌના હોશ ઉડી ગયા! આખરે બે સેવકો સાથે શું થયું?

એક જ કેમ્પસમાં ટૂંકા અંતરે બનેલી આ બે ઘટનાઓ બાદ Student Safety અને Mental Health અંગે ચર્ચા કેમ તેજ બની?