સુરત યુવાન આપઘાત કેસમાં ત્રણ આરોપીની ધરપકડ
મોબાઈલ તોડી નાખી માર મારતા આઘાતમાં સરી પડેલા યુવકે તાપીમાં ઝંપલાવ્યું

સુરત વ્રજ ગેડીયા આપઘાત કેસ

સુરત વ્રજ ગેડીયા આપઘાત કેસ
સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા એક આશાસ્પદ યુવકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ પ્રકરણના અન્યના ઝઘડામાં નિર્દોષ યુવકને માર પડતા અને તેનો મોબાઈલ તોડી નાખવામાં આવતા તેને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.
વેલેન્ટાઈન ડે ના દિવસે સર્જાયો હતો વિવાદ :
ઘટનાની વિગતો મુજબ, સિંગણપોરમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા વિનોદભાઈ ગેડીયાનો ૨૧ વર્ષીય પુત્ર વ્રજ ગત ૧૪ ફેબ્રુઆરીના રોજ દુકાનેથી જમવા માટે ઘરે ગયો હતો, પરંતુ ત્યારબાદ તે પરત ફર્યો નહોતો. પરિવારજનોએ શોધખોળ કરી કતારગામ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી. જોકે, બે દિવસ બાદ જહાંગીરપુરા નજીક તાપી નદીના પાણીમાંથી વ્રજની લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
વીડિયો ઉતારવા બાબતે થઈ હતી મારપીટ :
પોલીસ તપાસ અને પરિવારને મળતી માહિતી મુજબ, ૧૪ ફેબ્રુઆરીએ ભરીમાતા રોડ પાસેના સેરીનીટી હોમ્સની એક યુવતી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ બાબતને લઈને યુવતીના પરિવારજનો યુવકના એક મિત્રને પકડીને માર મારી રહ્યા હતા. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલો વ્રજ પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કરી રહ્યો હતો. આથી ઉશ્કેરાયેલા દિલીપ ગોંડલીયા અને તેના સાથીઓએ વ્રજ પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને તેને જમીન પર પછાડી તોડી નાખ્યો હતો.
આટલેથી ન અટકતા, હાજર અન્ય લોકોએ પણ વ્રજને માર માર્યો હતો. જોકે, પોલીસ આવી જતાં મામલો થાળે પડ્યો હતો. વ્રજે તે સમયે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, પરંતુ મોબાઈલ તૂટી જવાથી અને જાહેરમાં થયેલા અપમાનથી તે ભારે આઘાતમાં સરી પડ્યો હતો.
આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ :
વ્રજના પિતાએ આ સમગ્ર ઘટના માટે જવાબદાર ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પુત્રના આપઘાત માટે મજબૂર કરવાના આરોપ હેઠળ પોલીસે જયંતિ હીરજી ગોંડલિયા, દિલીપ જીવરાજ પીપલીયા, દિલીપ ધનજી ગોંડલિયા અને ભાવેશ મોહન ઘોઘારી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ચોક બજાર પોલીસે આ પૈકીના ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં ભાગી જનાર કોઈ અલગ હતું, માર કોઈ બીજાને પડ્યો અને આખરે એક નિર્દોષ યુવકે ક્ષોભજનક સ્થિતિમાં આવીને જીવ ગુમાવ્યો હોવાથી આ કિસ્સો સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!