અમદાવાદમાં નશાખોર કાર ચાલકનો આતંક
નરોડામાં દારૂના નશામાં ચૂર ચાલકે મોપેડ સવાર પરિવારને કચડ્યો; ચાર વર્ષની બાળકી ગંભીર

ખુશીઓ પર ફરી વળ્યું કાળચક્ર

ખુશીઓ પર ફરી વળ્યું કાળચક્ર
અમદાવાદના માર્ગો ફરી એકવાર નશાખોરોની બેદરકારીને કારણે રક્તરંજિત થયા છે. શહેરના નરોડા વિસ્તારમાં દારૂના નશામાં ચૂર એક કાર ચાલકે નિર્દોષ પરિવારને અડફેટે લેતા ભારે રોષ ફાટી નીકળ્યો છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં ગત રાત્રિના સમયે હૃદય કંપાવી દે તેવી ઘટના બની હતી. નવા નરોડામાં આવેલી અંજની રેસીડેન્સીમાં રહેતા રિતેશભાઈ ખટનાની રવિવારની રજા માણીને પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે સવા નવ વાગ્યાની આસપાસ રિતેશભાઈ પોતાની પત્ની અને માત્ર ૪ વર્ષની માસૂમ દીકરી સાથે મોપેડ પર સવાર થઈને સાળીના ઘરેથી પરત આવી રહ્યા હતા. કોણે વિચાર્યું હતું કે ઘરે પહોંચવાની ગણતરીની મિનિટો પહેલા જ કોઈ નશાખોર કાળ બનીને તેમને ટકરાશે.
નરોડા કાપડીવાસ સામેના માર્ગ પરથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે આવી રહેલી એક લક્ઝરી કાર (GJ-05-RM-6972) ના ચાલકે રિતેશભાઈના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે જ આખો પરિવાર હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો.
માસૂમ બાળકી અને માતા-પિતા લોહીલુહાણઆ અકસ્માતમાં રિતેશભાઈને આંખ, હાથ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી, પરંતુ સૌથી વધુ આઘાતજનક સ્થિતિ તેમની ૪ વર્ષની દીકરીની હતી. આ માસૂમ બાળકી રસ્તા પર પટકાતા તેને મોઢા અને દાઢીના ભાગે ઊંડા ઘા પડ્યા હતા અને તે લોહીલુહાણ હાલતમાં ચીસો પાડી રહી હતી. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકીની હાલત ચિંતાજનક હોવાનું જણાવાયું છે.
કારમાંથી મળી દારૂની બોટલ: નશાખોર પકડાયોઅકસ્માત સર્જીને કાર ચાલક રાઘવેન્દ્ર તેજભાન સિંગે સ્થળ પરથી ભાગવાની કોશિશ કરી હતી. જોકે, ત્યાં હાજર જાગૃત નાગરિકોએ પીછો કરી તેને આંતરી લીધો હતો. જ્યારે લોકોએ કાર પાસે પહોંચીને તપાસ કરી, ત્યારે કારની અંદરથી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી રાઘવેન્દ્ર સિંગ એટલો નશામાં હતો કે તેને શું કર્યું છે તેનું પણ ભાન નહોતું. લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાઘવેન્દ્ર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને હાલ નવા નરોડા વિસ્તારમાં જ રહે છે. જી-ટ્રાફિક પોલીસે તેની ધરપકડ કરી છે અને તેની સામે દારૂ પીને વાહન ચલાવવા તેમજ અકસ્માત સર્જવા અંગે ગુનો દાખલ કર્યો છે.
તથ્ય પટેલ જેવી ઘટનાઓ છતાં તંત્ર નિષ્ફળ?અમદાવાદમાં થોડા સમય પહેલા ઇસ્કોન બ્રિજ પર બનેલી તથ્ય પટેલની ઘટના બાદ પણ શહેરમાં નશાખોરો અને બેફામ ડ્રાઈવિંગ કરનારાઓમાં કાયદાનો કોઈ ખોફ દેખાતો નથી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે પણ નશાખોરો રસ્તા પર નિર્દોષોના જીવ લેવા તૈયાર બેઠા છે.
સ્થાનિકોમાં ભારે રોષનરોડાના સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ ઓછું હોવાને કારણે આવા તત્વો બેફામ બને છે. લોકોની માંગ છે કે આરોપી સામે હિટ એન્ડ રન અને હત્યાના પ્રયાસ જેવી કડક કલમો લગાવીને દાખલો બેસાડવો જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ બાળકીનો ચહેરો નશાખોરની ભૂલને કારણે લોહીલુહાણ ન થાય.
શહેરમાં મોડી રાત્રે રસ્તા પર નીકળવું હવે જોખમી બની રહ્યું છે. રિતેશભાઈનો પરિવાર તો નસીબદાર હતો કે જીવ બચી ગયો, પણ નશાખોરોની આ માનસિકતા ક્યારે બદલાશે? પોલીસ દ્વારા કડક નાઈટ ચેકિંગ અને દારૂના વેચાણ પર સખ્ત અંકુશ મૂકવો હવે સમયની માંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!