Surat Crime News: સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં નશામાં કાર ચલાવી અકસ્માત સર્જવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઓલપાડ તાલુકા પંચાયતની ન્યાય સમિતિના અધ્યક્ષ અને ભાજપનાં નેતા નીરિક્ષા અતુલ રાઠોડના પુત્ર યશ રાઠોડ પર દારૂના નશામાં પૂરઝડપે સ્કોર્પિયો ચલાવી 10થી વધુ વાહનોને ટક્કર મારવાનો આરોપ છે. 28 ઓક્ટોબરની રાત્રે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ યશને પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુર પાટિયા વિસ્તારમાં પૂરઝડપે સ્કોર્પિયો દોડાવી
આ ઘટના સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં પુષ્પક સોસાયટી નજીક મોડી રાત્રે બની હતી. દિવાળીના તહેવારને કારણે રસ્તાઓ પર લોકોની અવરજવર હતી. આ દરમિયાન કાળા કાચવાળી સ્કોર્પિયો અને બીજી એક કાર જોખમી રીતે દોડતી હોવાની પ્રત્યક્ષદર્શીઓએ વાત કરી હતી. આરોપ છે કે પૂરઝડપે દોડતી સ્કોર્પિયોએ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનોને એક પછી એક ટક્કર મારી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વાહનોને નુકસાન થયું હતું, જોકે મળતી માહિતી મુજબ કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી.
‘80થી 100ની સ્પીડે કાર દોડતી હતી’
પુષ્પક સોસાયટીના પ્રમુખ અને પ્રત્યક્ષદર્શી રણછોડભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 10:30થી 11 વાગ્યાની વચ્ચે બે કાર એકબીજાની પાછળ પૂરઝડપે દોડતી હતી. તેમણે અંદાજ વ્યક્ત કર્યો કે કારની ઝડપ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હોઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, આગળ જતાં એક ટ્રકે સ્પીડ બ્રેકર પાસે બ્રેક મારતાં એક કાર તેની પાછળ ઘૂસી ગઈ હતી, જ્યારે બીજી કાળી સ્કોર્પિયોએ રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધાં હતાં. પ્રત્યક્ષદર્શીએ બંને કારચાલકો નશામાં હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
ઓલપાડથી સુરત આવ્યો હતો યશ રાઠોડ
પોલીસ તપાસ મુજબ, યશ રાઠોડ ઓલપાડમાં કરિયાણાની દુકાન ચલાવે છે. તે મિત્રને મળવા માટે ઓલપાડથી સુરત આવ્યો હતો. આરોપ છે કે મિત્રના ઘરે દારૂ પીધા બાદ બંને કાર લઈને બહાર નીકળ્યા હતા અને ત્યારબાદ પાલનપુર પાટિયા વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રસ્તા પર પાર્ક કરેલા 10થી વધુ વાહનોને નુકસાન થયાનું જણાવાયું છે. ભરચક વિસ્તારમાં આ રીતે બેફામ વાહન ચલાવવાથી રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ
અકસ્માત બાદ સ્થાનિક રહીશોએ યશ રાઠોડને પકડી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા છે અને દારૂબંધી તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના આરોપો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હવે પોલીસ અકસ્માતની સંપૂર્ણ પરિસ્થિતિ, વાહનોને થયેલા નુકસાન અને ઘટનામાં બીજી કારની ભૂમિકા સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે. સુરતના આ બનાવે ફરી એકવાર દારૂના નશામાં ડ્રાઇવિંગ અને રસ્તા પર જોખમી રેસિંગના ગંભીર જોખમો સામે લાવ્યા છે.