સુરત: બોર્ડના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
પાંડેસરામાં નજીવી અદાવતમાં 4 સગીરોએ છરીના ઘા ઝીંક્યા,અઢી માસ પહેલા ઓનલાઇન ચપ્પુ મંગાવ્યું

સુરત વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો

સુરત વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના દરવાજા પાસે જ ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ચાર સગીરોએ મળીને જીવલેણ હુમલો કર્યો હતો. નજીવી અદાવતમાં થયેલા આ હુમલાને કારણે વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેની બોર્ડની પરીક્ષા પર પણ જોખમ ઊભું થયું છે.
ડાન્સના વિવાદમાં લોહિયાળ અંજામ :
ઘટનાની વિગતો મુજબ, શાળામાં યોજાયેલા વાર્ષિક મહોત્સવ દરમિયાન ડાન્સ કરતી વખતે એક વિદ્યાર્થીનો પગ અન્ય વિદ્યાર્થીને લાગી ગયો હતો. આ નાની બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ સામાન્ય ઝઘડો આટલી હિંસક સાબિત થશે તેની કોઈને કલ્પના નહોતી. જેનો ખાર રાખીને ધોરણ 9માં ભણતા સગીરોએ અન્ય મિત્રોને બોલાવી પૂર્વ આયોજિત કાવતરા મુજબ હુમલાની યોજના બનાવી હતી.
ઓનલાઇન ચપ્પુ મંગાવીને કર્યો હુમલો :
જ્યારે ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની બહેનના સ્કૂલ ફંક્શનમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેને રસ્તામાં આંતર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને હિંસક વર્તન શરૂ કર્યું અને વિદ્યાર્થીની પીઠ તેમજ પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, હુમલા માટે વપરાયેલા હથિયારો ઓનલાઇન શોપિંગ સાઇટ પરથી મંગાવવામાં આવ્યા હોવાનો આરોપ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ લગાવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારોની સરળ ઉપલબ્ધતા સામે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થીની હાલત ગંભીર, બોર્ડની પરીક્ષા પર બ્રેક :
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની જટિલ સર્જરી કરવામાં આવી છે. આ ગંભીર હુમલાને કારણે વિદ્યાર્થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના પરિણામે તેનું આખું શૈક્ષણિક વર્ષ બગડવાની શક્યતા છે. એક તરફ પુત્ર હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ પરિવાર આ હિંસક કૃત્ય કરનાર સામે કડક સજાની માંગ કરી રહ્યો છે.
પોલીસની કાર્યવાહી અને ધરપકડ :
પાંડેસરા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હુમલો કરનાર ચારેય સગીર આરોપીઓને દબોચી લીધા છે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, આ ઘટના સ્કૂલ કેમ્પસની બહાર બની હતી અને હુમલાખોરોમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ હથિયાર ક્યાંથી આવ્યા અને ગુના પાછળના મૂળ કારણોની ઊંડી તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!