સુરતના ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો
8 યુવતી સહિત 22 ઝડપાયા, ₹1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત

સુરતના ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો

સુરતના ડુમસમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી પર દરોડો
Surat Dumas Liquor Party Raid: સુરતના ડુમસ વિસ્તારમાં મોડી રાત્રે ચાલતી હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટી પર પોલીસે દરોડો પાડી મોટો ખુલાસો કર્યો છે. સુલતાનાબાદની ‘બાપુજીની વાડી’માં આવેલા ‘જશ્ન વિલા 12-એ’ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની મહેફિલ ચાલી રહી હોવાની બાતમીના આધારે ડુમસ પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન 8 યુવતીઓ અને 14 યુવકો સહિત કુલ 22 લોકો ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ, લક્ઝરી કાર, મોબાઈલ ફોન સહિત ₹1.4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડુમસમાં મોડી રાત્રે 2:30 વાગ્યે પોલીસનો દરોડો
પોલીસના જણાવ્યા મુજબ, સુલતાનાબાદના ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ મોડી રાત્રે આશરે 2:30 વાગ્યે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ફાર્મ હાઉસમાં યુવક-યુવતીઓ દારૂ પીતા અને વિવિધ ગેમ્સ રમતા મળી આવ્યા હતા. ઝડપાયેલા લોકોની ઉંમર આશરે 21 થી 27 વર્ષ વચ્ચે હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર દારૂની મહેફિલ
આ સમગ્ર ઘટનામાં ચોંકાવનારી બાબત એ છે કે જે ફાર્મ હાઉસમાં પાર્ટી ચાલી રહી હતી તે ડુમસ પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, ફાર્મ હાઉસથી નજીકમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રનું અંતર પણ માત્ર 50 મીટર હોવાનું જણાવાયું છે. પોલીસે ફાર્મ હાઉસની બહારથી વિદેશી દારૂની સળગાવેલી બોટલોના ટુકડા પણ મળી આવ્યા હોવાનું જણાવ્યું છે.
મેકઅપ આર્ટિસ્ટની બર્થડે પાર્ટીમાં ભેગા થયા હતા યુવક-યુવતીઓ
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ પાર્ટી રિદ્ધિ જરીવાલા નામની મેકઅપ આર્ટિસ્ટ યુવતીના જન્મદિવસની ઉજવણી માટે યોજાઈ હતી. બર્થડે પાર્ટીમાં મિત્રમંડળના યુવક-યુવતીઓ લક્ઝરી કાર લઈને ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. પોલીસે પાર્ટીમાં હાજર તમામ 22 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
9 લક્ઝરી કાર અને 24 મોબાઈલ સહિત કરોડોની સંપત્તિ જપ્ત
ડુમસ પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી 1 વિદેશી વ્હિસ્કીની બોટલ, 5 અડધી બોટલો, 9 લક્ઝરી કાર અને 24 મોંઘા મોબાઈલ ફોન સહિત અન્ય સામગ્રી કબજે કરી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.4 કરોડથી વધુ હોવાનું જણાવ્યું છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને પાર્ટીનું આયોજન કોણે કર્યું હતું તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
દારૂ પીવા માટે રમાતી હતી ખાસ ડ્રિંકિંગ ગેમ્સ
પોલીસ તપાસમાં પાર્ટીનું વધુ એક ચોંકાવનારું પાસું સામે આવ્યું છે. પાર્ટીમાં દારૂ પીવા માટે સામાન્ય રીતે નહીં પરંતુ વિવિધ ડ્રિંકિંગ ગેમ્સ રમવામાં આવતી હતી. લુડો, સાપસીડી અને પત્તાની રમતોને દારૂ પીવાના નિયમો સાથે જોડવામાં આવી હતી. પાસો અથવા પત્તામાં જે નંબર કે કાર્ડ આવે તેના આધારે કોણે કેટલો દારૂ પીવો તે નક્કી થતું હતું.
‘BLACK OUT’ અને ‘SHOTS AND LADDERS’ ગેમથી દારૂ પીવડાવાતો
પોલીસને સ્થળ પરથી ‘BLACK OUT’ નામનું ડ્રિંકિંગ બોર્ડ અને ‘SHOTS AND LADDERS’ નામની સાપસીડી જેવી ગેમ પણ મળી હોવાનું સામે આવ્યું છે. આ ગેમ્સમાં ‘Take a Shot’, ‘Finish Your Drink’, ‘Ladies Drink’, ‘Guys Drink’ જેવા વિવિધ ટાસ્ક રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત Truth or Dare અને અન્ય મનોરંજક ટાસ્ક પણ ગેમનો ભાગ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પત્તાની ગેમમાં પણ દારૂ પીવાના અલગ-અલગ નિયમો
પાર્ટીમાંથી પત્તા આધારિત ડ્રિંકિંગ ચાર્ટ પણ મળી આવ્યો હતો. તેમાં અલગ-અલગ કાર્ડ માટે જુદા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા. કેટલાક કાર્ડમાં તમામ યુવતીઓ, તમામ યુવકો અથવા સમગ્ર ગ્રુપને દારૂ પીવાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો. પોલીસે આ તમામ સામગ્રીને તપાસના ભાગરૂપે કબજે કરી છે.
ફાર્મ હાઉસ માલિકની પણ પૂછપરછ થશે
પોલીસ હવે તપાસ કરી રહી છે કે ફાર્મ હાઉસ કોને, કેટલા ભાડે અને કયા હેતુથી આપવામાં આવ્યું હતું. ફાર્મ હાઉસના માલિકનું નિવેદન પણ લેવામાં આવશે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, પાર્ટીનું આયોજન કોણે કર્યું અને આ પ્રકારની પાર્ટી અગાઉ પણ યોજાઈ હતી કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
22 લોકો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
ડુમસ પોલીસે આ સમગ્ર મામલે 22 યુવક-યુવતીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. હાઈપ્રોફાઈલ બર્થડે પાર્ટીના નામે ચાલતી દારૂની મહેફિલ પર થયેલા આ દરોડાએ સુરતમાં ફરી એકવાર નશાની પાર્ટીઓ અને ફાર્મ હાઉસમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સવાલો ઉભા કર્યા છે. પોલીસ હવે સમગ્ર નેટવર્કની કડીઓ શોધી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આખરે કોણ છે આ આરોપીઓ અને શું હતો તેમનો પ્લાન?

લોકમેળામાં મોજ કરવા આવ્યા હતા, પણ એક વાતે આખો ખેલ બગડી ગયો!

સુરતના પૂણામાં માતા-પુત્રીના મૃતદેહ મળતાં ચકચાર, ગળા પર નિશાન અને બંનેના મોબાઈલ ગાયબ; પરિવારનો યુવક પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ.