SMCના કર્મચારીએ 15 લાખનો તોડ કર્યાનો પર્દાફાશ!
કરજણ પાસે ₹1.75 કરોડના દારૂના ટેન્કરમાં તોડ કરનારો SMCનો સાજન આહિર હોવાનો ઘટસ્ફોટ

વડોદરા જિલ્લા પોલીસ અને SMCની તપાસમાં ભાંડો ફૂટતાં DGPએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો

વડોદરા જિલ્લા પોલીસ અને SMCની તપાસમાં ભાંડો ફૂટતાં DGPએ સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો
વડોદરાના કરજણમાં એલસીબીએ પકડેલા 1.75 કરોડના દારૂના ટેન્કરને છોડી મૂકવા સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીએ 15 લાખનો તોડ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે. SMC અને વડોદરા પોલીસની તપાસમાં SMCના કર્મચારી સાજન આહિરની સંડોવણી ખુલી હતી. વડોદરા પોલીસે DGPને રિપોર્ટ કરતાં સસ્પેન્ડ કરાયો છે. જિલ્લા પોલીસે પણ તપાસ શરૂ કરી છે. 15 લાખના તોડમાં સંડોવણીનો ખુલાસો થતાં આંગડિયા કર્મચારી અને નાણા લેવા જનાર સહિત ત્રણ શખ્સોની પૂછપરછ શરૂ કરાઈ છે.
શું હતો સમગ્ર મામલો?
કરજણમાં એલપીજી ટેન્કરમાંથી 19 જુલાઈએ પકડાયેલા ₹1.75 કરોડના દારૂ મામલે સપ્લાયરે આંગડિયા મારફતે ₹15 લાખ લાંચ લીધાનો ખુલાસો કર્યો હતો. લાંચ લીધા બાદ 12 કિમી દૂર દારૂ ભરેલા ટેન્કરને પકડી પાડવામાં આવ્યું હતું. સપ્લાયરે DGP, SMC, ACBમાં પુરાવા સાથે રજૂઆત કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, દારૂ ભરેલું ટેન્કર ભરૂચ-દહેજ રોડ પર હોટલ પર પકડ્યું હતું. ત્યાંથી રાજસ્થાનના સપ્લાયર અનિલ જગદીશ પ્રસાદને કોલ કરી કેસ ન કરવા 20 લાખ માગ્યા હતા. રકઝકને અંતે 15 લાખમાં ડીલ નક્કી કરવામાં આવી હતી. અનિલને ફોન કરનારે કહ્યું કે, સાહેબ જોડે વાત થઈ ગઈ છે. ગાંધીનગરમાં આર.કે. આંગડિયામાં રૂપિયા મોકલી દો. અનિલે 19 જુલાઈએ સાંજે આંગડિયામાં 15 લાખ મોકલી દીધા હતા. રાહુલ નામના વ્યક્તિએ આંગડિયાની ઓફિસમાંથી 5 લાખ લઈ 10 લાખ જૂનાગઢ રહેતાં રાકેશને ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ટેન્કર આગળ વધીને 12 કિલોમીટર પછી વડોદરાની હદમાં પહોંચતા એલસીબીએ ઝડપી પાડ્યું હતું. 15 લાખ લીધા બાદ ટેન્કર ઝડપાતાં અનિલે DGP, SMC અને ACBને લેખિત રજૂઆત કરી હતી. જેમાં 15 કોલ રેકોર્ડ, આંગડિયાનો કોર્ડવર્ડ ધરાવતી 10ની નોટના ફોટા સહિતની રિસિપ્ટ અને જૂનાગઢના રાકેશને મોકલેલા 10 લાખનું આંગડિયાનું લખાણ મોકલ્યું હતું.
સાજન આહિરને સસ્પેન્ડ કરવાનો આદેશ
વડોદરા જિલ્લા પોલીસ અને બાદમાં SMCની તપાસમાં SMCના કર્મચારી સાજન આહિરની સંડોવણી બહાર આવી છે. અંત્યંત ગંભીર બાબત હોવાથી DGP વિકાસ સહાયને રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેના કારણે તાત્કાલિક સાજન આહિરને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે. જ્યારે વડોદરા પોલીસે હાથ ધરેલી તપાસમાં ત્રણ શખ્સોની શંકાસ્પદ ભૂમિકા બહાર આવી છે. જેના આધારે ત્રણ શખ્સોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં એકાદ બે દિવસમાં મોટો ખુલાસો થવાની શક્યતા છે.
ગાંધીનગરનો રાહુલ અને જૂનાગઢનો રાકેશ કોણ?
ગાંધીનગરની આર.કે.આંગડિયા પેઢીમાં 19 જુલાઈએ સાંજે 5.45 વાગે 15 લાખ મોકલી અપાયા હતા. આ રકમ લેવા રાહુલ નામનો વ્યક્તિ આંગડિયાની ઓફિસે ગયો હતો. રાહુલે માત્ર 5 લાખ લીધા હતા અને 10 લાખ રૂપિયા જૂનાગઢમાં રહેતાં રાકેશ નામના શખ્સને ટ્રાન્સફર કર્યા હતા. ગાંધીનગરમાં 5 લાખ સ્વીકારનાર અને જૂનાગઢમાં 10 લાખ સ્વીકારનાર રાહુલ અને રાકેશ કોણ છે તેનો પોલીસે હજુ સુધી ફોડ પાડ્યો નથી. આ બંને શખ્સો ક્યા પોલીસ અધિકારી વતી તોડના નાણા સ્વીકારવા ગયા હતા તેનો ખુલાસો થાય તે પણ જરૂરી છે. ત્યારે ગુજરાતીમાં કહેવત છે કે, રાજ્યમાં પોલીસ અધિકારીઓ ઉપર વોચ રાખીને દારૂની હેરાફેરી રોકવાની કામગીરી જેને સોંપવામાં આવી છે તે સ્ટેટ મોનિટરિંગ સેલનો કર્મચારી જ તોડપાણી કરે ત્યારે ‘વાડ જ ચીભડાં ગળે’ તેવી સ્થિતિ ગુજરાતમાં સર્જાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!