કાપોદ્રામાં સગીરા પર દુષ્કર્મ અને બ્લેકમેલિંગ
છેડતીના ગુનામાં જેલ જઈ આવેલા નરાધમે સગીરાની બહેનપણીને જ ફસાવી

કાપોદ્રા દુષ્કર્મ કેસ

કાપોદ્રા દુષ્કર્મ કેસ
હીરાનગરી સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં અગાઉ છેડતીના ગુનામાં ધરપકડ થઈ ચૂકેલા એક યુવકે ફરી એકવાર માનવતાની હદ વટાવી છે. આરોપીએ અગાઉ જે સગીરાની છેડતી કરી હતી, તેની જ ૧૫ વર્ષીય સગીર બહેનપણીને પોતાની જાળમાં ફસાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ અશ્લીલ ફોટા પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી સગીરા પાસેથી હજારો રૂપિયા પણ પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
માતાની પૂછપરછમાં ફૂટ્યો ભાંડો :
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ભોગ બનનાર ૧૫ વર્ષીય સગીરા ૨૦મી તારીખની સાંજે સોસાયટીના નાકે નાસ્તો લેવા ગઈ હતી, પરંતુ કલાકો સુધી પરત ન ફરતા માતા ચિંતિત થઈ હતી. લાંબા સમય બાદ ઘરે આવેલી પુત્રીની માતાએ કડકાઈથી પૂછપરછ કરતા સગીરાએ રડતા રડતા આપવીતી સંભળાવી હતી. તેણે જણાવ્યું કે રામકૃપા સોસાયટીમાં રહેતો ચેતન ઉર્ફે કાનો રમેશ હેડતરા (૧૯ વર્ષ) તેને બાઈક પર બેસાડી તેના મિત્રના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
ચાર મહિનાથી ચાલતો હતો ત્રાસ :
સગીરાએ વધુમાં ઘટસ્ફોટ કર્યો હતો કે આરોપી ચેતન તેને છેલ્લા ચાર મહિનાથી ઓળખતો હતો અને આ સમયગાળા દરમિયાન તે અલગ-અલગ વિસ્તારોમાં લઈ જઈ તેની સાથે કુકર્મ કરતો હતો. આરોપીએ સગીરાના કેટલાક અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની ધમકી આપીને તે અવારનવાર પૈસાની માંગણી કરતો હતો. ભયભીત સગીરાએ અત્યાર સુધીમાં ટુકડે-ટુકડે ૧૫,૦૦૦ રૂપિયા પણ આરોપીને આપી દીધા હતા.
ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આરોપી :
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ચેતન ઉર્ફે કાનો રીઢો ગુનેગાર છે. ગત ઓક્ટોબર મહિનામાં પણ તેની સામે ૧૬ વર્ષીય સગીરાની છેડતીનો ગુનો નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે અત્યારે જે ૧૫ વર્ષીય સગીરા ભોગ બની છે, તે અગાઉની ભોગ બનનાર સગીરાની જ બહેનપણી છે. અગાઉના કેસમાં જ્યારે તે સગીરાની માતાએ વિરોધ કર્યો હતો, ત્યારે આરોપીએ તેનું અપહરણ કરી ચપ્પુના ઘસરકા કરી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેણે આ નવી સગીરાને શિકાર બનાવી હતી.
કાપોદ્રા પોલીસની કડક કાર્યવાહી :
ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ચેતન ઉર્ફે કાનાની ધરપકડ કરી લીધી છે. આરોપી સામે દુષ્કર્મ, પોક્સો (POCSO) અને બ્લેકમેલિંગની કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!