રાજકોટઃ 8 વર્ષ બાદ ઉકેલાયો ધડ વગરના માથાનો ભેદ
વર્ષ 2018માં આજી નદીના પટમાંથી મળેલા બાળકના કપાયેલા માથાના કેસમાં DNAથી હત્યાનો ભેદ ખુલ્યો

AI જનરેટેડ

AI જનરેટેડ
રાજકોટને હચમચાવી દેનારો કેસ
રાજકોટ શહેરમાં વર્ષ 2018માં આજી નદીના પટમાંથી એક માસૂમ બાળકનું કપાયેલું માથું મળી આવતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી હતી. શરીરનો અન્ય કોઈ ભાગ મળી આવ્યો ન હોવાથી પોલીસ માટે કેસ સૌથી પડકારજનક સાબિત થયો હતો. લાંબા સમય સુધી તપાસ છતાં બાળકની ઓળખ થઈ શકી નહોતી. 'ધડ વગરના માથા'ના રહસ્ય પરથી આખરે 8 વર્ષના લાંબા સમય બાદ પડદો ઊંચકાયો છે.
આજી નદીના પટમાંથી મળી આવેલા એક માસૂમ બાળકના કપાયેલા માથાનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે. DNA પરીક્ષણની મદદથી આ અતિ જટિલ કેસનો ઉકેલ લાવીને પોલીસે સાબિત કર્યું છે કે, પાપ ગમે તેટલું છુપાવવામાં આવે, એક દિવસ બહાર આવીને જ રહે છે.
પશ્ચિમ બંગાળના એક નિર્દોષ બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાની પાપલીલાનો આખરે અંત આવ્યો છે. રાજકોટ જેલમાં બંધ આરોપીનો કબજો મેળવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
સ્થાનિક મહિલાઓની નજરે પડ્યું ભયાનક દ્રશ્ય
18 ડિસેમ્બર 2018ના રોજ ભગવતીપરા અને રૂખડીયા કોલોનીને જોડતા બેઠા પુલ નજીક મહિલાઓ કુદરતી હાજતે ગઈ હતી ત્યારે તેમની નજર નદીના પટમાં પડેલા બાળકના કપાયેલા માથા પર પડી હતી. માહિતી મળતા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ધડ શોધવા માટે ચલાવાયું વિશાળ સર્ચ ઓપરેશન
પોલીસે આસપાસના વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની મદદથી નદીના ઊંડા પાણીમાં પણ શોધખોળ કરવામાં આવી. તરવૈયાઓએ નદીના ઊંડા પાણીમાં ભારે જહેમત ઉઠાવી હતી. તેમ છતાં શરીરનો અન્ય કોઈ ભાગ મળી આવ્યો ન હતો. આ ક્રૂર ઘટનાને પગલે પોલીસે બાળકની ઓળખ આપનાર વ્યક્તિને રૂપિયા 50 હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પરંતુ લાંબા સમય સુધી કોઈ કડી મળી શકી ન હતી.
સ્કેચથી લઈને મોબાઈલ ડેટા સુધીની તપાસ
બાળકની ઓળખ મેળવવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદથી ચહેરાનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો હતો. લાખો મોબાઈલ નંબરના ટેકનિકલ વિશ્લેષણ ઉપરાંત દેશભરમાંથી ગુમ થયેલા બાળકોની માહિતી પણ એકત્ર કરવામાં આવી હતી. તેમ છતાં કેસનો કોઈ અંત મળ્યો નહોતો.
પોલીસે તપાસનો વ્યાપ વધારતા આજી નદીકાંઠાના વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને રેશનકાર્ડની વિગતો સાથે પરિવારના સભ્યોની માહિતી એકત્ર કરી હતી. ઘટના સમયે આજી નદીના આજુબાજુના વિસ્તારમાં સક્રિય રહેલા અંદાજિત 2 લાખ જેટલા મોબાઈલ ફોનના ડેટા મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. રાજ્ય તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી ગુમ થયેલા બાળકોની વિગતો પણ મંગાવવામાં આવી હતી. જોકે, આ કેસમાં તમામ દિશામાંથી પ્રાથમિક તબક્કે નિષ્ફળતા મળી રહી હતી.
DNA સેમ્પલ ભવિષ્ય માટે સાચવી રાખવામાં આવ્યા
18 ડિસેમ્બર, 2018ના રોજ મળી આવેલા માથાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ અને ભવિષ્યની તપાસ માટે ડીએનએ (DNA) સેમ્પલ સાચવી લેવામાં આવ્યા હતા. બાળકની ઓળખ ન થવાને કારણે આ માથું લાંબા સમય સુધી સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં સાચવી રાખવામાં આવ્યું. અંતે બનાવના 114 દિવસ બાદ એટલે કે 12 એપ્રિલના રોજ બી-ડિવીઝન પોલીસે ભાવનગર રોડ પર આવેલા માનવ ક્રાંતિ બાળકોના સ્મશાન ખાતે ધાર્મિક વિધિપૂર્વક આ માથાની દફનવિધિ (અંતિમવિધિ) કરી હતી.
બાળ મજૂરીના દરોડાથી કેસમાં આવ્યો મોટો વળાંક
આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે ગત વર્ષે એટલે કે 7 જૂન, 2025ના રોજ રાજકોટ SOG અને પોલીસે સોનીબજારમાં બાળ મજૂરી સંદર્ભે એક મોટી રેડ પાડી હતી. દરોડા દરમિયાન પશ્ચિમ બંગાળના ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાને ઝડપી તેના કબજામાંથી 21 નિર્દોષ બાળકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ બાળકો પાસે રાજકોટની સોની બજારમાં ચાંદી અને સોનાના ઘરેણા બનાવવાની મજૂરી કરાવવામાં આવતી હતી.
પોલીસ પૂછપરછમાં ઠેકેદારે જણાવ્યું હતું કે તે આ બાળકોને પશ્ચિમ બંગાળથી તેમના માતા-પિતાની મંજૂરી સાથે લાવતો હતો અને તેમને માસિક 8 હજારનું વેતન આપતો હતો. જોકે, બાળકો ક્યારેય કામ કરવાની ના પાડે અથવા સામે દલીલ કરે તો તે તેમના પર અમાનુષી અત્યાચાર ગુજારતો અને ઢોર માર મારતો હતો. મુક્ત કરાયેલા બાળકોને જ્યારે તેમના પરિવારોને સોંપવામાં આવ્યા ત્યારે પશ્ચિમ બંગાળના એક પરિવારે જણાવ્યું કે, તેમનું એક બાળક લાંબા સમયથી ગુમ છે અને આ ઠેકેદારે તેને પરત કર્યો નથી.
બાળકો પર થતા અત્યાચારની આ પેટર્ન જોઈને એસીપી ક્રાઇમ ભરત બસિયાને ઠેકેદાર અજીતમુલાના ક્રૂર વલણ પર ઊંડી શંકા ગઈ હતી. તેમણે 2018ના ધડ વગરના માથાના અનસોલ્વ કેસને શંકા સાથે જોડીને આરોપીની પૂછપરછ શરૂ કરી હતી. સતત પૂછપરછના અંતે આખરે નરાધમ ઠેકેદારે કબૂલાત કરી હતી કે તેણે જ એક બાળકની હત્યા કરી આજી નદીમાં ફેંકી દીધો હતો. પશ્ચિમ બંગાળ પોલીસે પણ જ્યારે અલગ-અલગ દિશામા તપાસ કરી ત્યારે સામે આવ્યું હતું કે ઠેકેદાર અજીતમુલાએ 14વર્ષના પુત્રને પરત મોકલ્યો ન હતો.
DNA રિપોર્ટે ખોલી નાખ્યું રહસ્ય
આ હત્યાના આ રહસ્યને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે રાજકોટ પોલીસે ગુમ થયેલા 14 વર્ષના બાળકના માતા-પિતાને પશ્ચિમ બંગાળથી રાજકોટ બોલાવ્યા હતા. પરિવાર પાસે અહીં આવવા માટે પૈસાની વ્યવસ્થા નહોતી, જેને લઈને પોલીસે તેઓને અહીં આવવા અને પરત જવાની આર્થિક વ્યવસ્થા કરી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલ્સને 2018માં મળી આવેલા માથાના સાચવેલા DNA સેમ્પલ સાથે મેચ કરવા માટે ગાંધીનગરની સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે મોકલવામાં આવ્યા હતા. ફોરેન્સિક લેબમાંથી મળેલા પોઝિટિવ રિપોર્ટ બાદ બાળકની ઓળખ સત્તાવાર રીતે થઈ અને આઠ વર્ષ જૂના હત્યા કેસનો ભેદ ઉકેલાયો.
પોતાના ગામ જવાની જીદ બની મોતનું કારણ
પોલીસ તપાસમાં હત્યા પાછળનું જે કારણ સામે આવ્યું છે તે ધ્રુજારી લાવી દે તેવું છે. આરોપી અજીતમૌલા સોની બજારમાં માસૂમ બાળકો પાસે તનતોડ મજૂરી કરાવતો હતો. મૃતક બાળક પશ્ચિમ બંગાળથી અહીં આવ્યા બાદ વારંવાર પોતાના વતનમાં માતા-પિતા પાસે પરત જવાની જીદ કરતો હતો અને પોતાના કામના રૂપિયા માંગતો હતો. આ બાબતથી ગુસ્સે ભરાયેલા નરાધમ ઠેકેદારે બાળક પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને તેને એટલો ઢોર માર માર્યો હતો કે માસૂમનું મોત નીપજ્યું હતું.
ગુનો છુપાવવા શરીરના ભાગો અલગ કર્યા
બાળકનું મોત થતાં આરોપી ગભરાઈ ગયો હતો અને ગુનાનો નાશ કરવા માટે તેણે કાળજું કંપાવનારું કૃત્ય કર્યું હતું. જેમાં તેણે ધારદાર હથિયાર વડે મૃત બાળકના શરીર પરથી માથું અને ધડ અલગ-અલગ કરી દીધા હતા. આરોપીએ પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે, જો માથું અને ધડ અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવે તો બાળકની ઓળખ ક્યારેય ન થાય અને પોતે પોલીસ પકડથી દૂર રહી શકે. આ યોજના હેઠળ તેણે બાળકનું માથું આજી નદીના પટમાં ફેંકી દીધું હતું.
હવે વધુ રહસ્યો ઉકેલવાની દિશામાં તપાસ
DNA રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મૃત બાળકના પરિવાર વતી વિધિવત ફરિયાદ નોંધીને રાજકોટ પોલીસે કાયદાકીય સકંજો મજબૂત કર્યો છે. આરોપી અજીતમુલા અઝમતમુલા હાલ રાજકોટની જેલમાં બંધ હોવાથી પોલીસ દ્વારા અદાલતી પ્રક્રિયા પૂર્ણ કરીને જેલમાંથી તેનો કબજો મેળવવામાં આવ્યો છે અને હત્યાના ગુના હેઠળ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે, તેણે 8 વર્ષ પહેલા કયા હથિયારથી બાળકનું માથું કાપ્યું હતું. તે હથિયાર ક્યાં છુપાવ્યું છે અને બાળકના શરીરના અન્ય ભાગો (ધડ અને અંગો) કઈ કઈ જગ્યાએ અને કેવી રીતે નિકાલ કર્યા હતા. આ ઉપરાંત, આરોપી અગાઉ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સરહદી વિસ્તારોમાંથી આવા કેટલા બાળકોને ગેરકાયદેસર રીતે મજૂરી માટે રાજકોટ લાવ્યો હતો, તે દિશામાં પણ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ JCP ચૈતન્ય માંડલિકે શું કહ્યું?
"પોલીસે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અંદાજિત 35 જેટલા ગુમ થયેલા બાળકોની વિગતો તપાસી હતી. 2018ના માથાના સ્કેચને પશ્ચિમ બંગાળના પરિવારના ગુમ થયેલા બાળકના ફોટા સાથે સરખાવતા બંને વચ્ચે ઘણું સામ્ય જોવા મળ્યું હતું. એડવાન્સ ટેકનોલોજી દ્વારા ડીએનએ મેચિંગની જટિલ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 6 મહિના સુધી મહત્વપૂર્ણ રિપોર્ટની રાહ જોવામાં આવી હતી. આખરે, ગાંધીનગર લેબમાંથી ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવતા જ આ માથું ગુમ થયેલા પુત્રનું જ હોવાનું સત્તાવાર રીતે સાબિત થઈ ગયું અને 8 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાયો છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!