ફેસબુક ફ્રેન્ડશિપથી ₹6.31 લાખની છેતરપિંડી!
વિદેશી ગિફ્ટની લાલચ આપી ખેડૂતને ફસાવનાર નાઇજિરિયન માસ્ટરમાઇન્ડ દિલ્હીથી ઝડપાયો

ફેસબુક ફ્રેન્ડશિપથી ₹6.31 લાખની છેતરપિંડી!

ફેસબુક ફ્રેન્ડશિપથી ₹6.31 લાખની છેતરપિંડી!
Rajkot Cyber Fraud Arrest: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ખેડૂતને ફેસબુક પર મિત્રતા કેળવી વિદેશથી કિંમતી ગિફ્ટ મોકલવાના બહાને લાખો રૂપિયા પડાવી લેવાના હાઇપ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસમાં રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલી ઘાનાની યુવતી સહિત ત્રણ આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર સાયબર ગેંગના કથિત માસ્ટરમાઇન્ડનું નામ સામે આવ્યું હતું. પોલીસે દિલ્હીમાંથી એક નાઇજિરિયન નાગરિકની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ ગેંગે એક જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને 6થી વધુ લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવ્યા હોવાની આશંકા છે.
પ્રેમસંબંધ તૂટ્યો, પરંતુ સાયબર ફ્રોડની ‘સ્ક્રિપ્ટ’ ચાલુ રહી
પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીથી ઝડપાયેલા નાઇજિરિયન આરોપી ફરદીનન ઉર્ફે માજીઓનું મદુઆબુચી અને અગાઉ ઝડપાયેલી એન્જલ નામની આફ્રિકન યુવતી વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો. માર્ચ મહિનામાં બંનેનું બ્રેકઅપ થયું હતું. જોકે, સંબંધમાં હતા ત્યારે માજી કથિત રીતે સાયબર છેતરપિંડીની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરતો અને એ સ્ક્રિપ્ટના આધારે એન્જલ સોશિયલ મીડિયા પર લોકોને સંપર્ક કરતી હતી. મિત્રતા વધાર્યા બાદ વિદેશી ગિફ્ટની લાલચ આપવામાં આવતી અને ત્યારબાદ કસ્ટમ, એરપોર્ટ ક્લિયરન્સ તથા અન્ય ચાર્જિસના નામે પૈસા પડાવવામાં આવતા.
AI અને ChatGPTથી બનાવતા ‘ઓરિજિનલ’ પાર્સલના ફોટા
આ સાયબર ગેંગે લોકોને વિશ્વાસમાં લેવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આરોપીઓ કથિત રીતે પાર્સલના ફોટા તૈયાર કરી AI અને ChatGPT જેવા ડિજિટલ ટૂલ્સની મદદથી વિશ્વસનીય દેખાતા ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર મોકલતા હતા. આ રીતે વિદેશથી ખરેખર પાર્સલ મોકલવામાં આવ્યું છે તેવો ભ્રમ ઊભો કરીને લોકોને વધુ વિશ્વાસમાં લેવામાં આવતા હતા.
‘વિધવા મહિલા’ બનીને ખેડૂતને જાળમાં ફસાવ્યો
જસદણના ખેડૂતને પણ આ જ મોડસ ઓપરેન્ડીથી નિશાન બનાવવામાં આવ્યો હતો. આફ્રિકન યુવતીએ ફેસબુક પર પોતાની ઓળખ બાળકની વિધવા માતા તરીકે આપી હતી. ત્યારબાદ ખેડૂત સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ધીમે-ધીમે વિશ્વાસ જીત્યો હતો. મિત્રતા વધ્યા બાદ વિદેશથી કિંમતી ગિફ્ટ મોકલવાની વાત કરવામાં આવી. થોડા સમય બાદ ગિફ્ટ ભારતના એરપોર્ટ પર અટવાઈ હોવાનું કહી કસ્ટમ ક્લિયરન્સ અને અન્ય ચાર્જિસ ભરવાના બહાને અલગ-અલગ તબક્કામાં કુલ રૂ. 6.31 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બન્યાની જાણ થતાં ખેડૂતે સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.
દિલ્હી અને નોઈડાથી શરૂ થઈ તપાસ, હવે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચી પોલીસ
ફરિયાદના આધારે રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન દિલ્હી અને નોઈડામાંથી ઘાનાની યુવતી એન્જલ તથા તાન્ઝાનિયા અને સુદાનના બે યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન સમગ્ર નેટવર્કના કથિત મુખ્ય સૂત્રધાર તરીકે નાઇજિરિયન નાગરિકનું નામ સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે દિલ્હી સુધી તપાસનો ધમધમાટ શરૂ કરી તેની ધરપકડ કરી હતી.
15 બેંક એકાઉન્ટનો ઉપયોગ, આંતરરાષ્ટ્રીય ગેંગની આશંકા
પોલીસ તપાસમાં આ સાયબર ગેંગ દ્વારા 15 જેટલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. આ ખાતાઓ કોના નામે હતા અને તેમાં કોની સંડોવણી હતી તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઝડપાયેલો નાઇજિરિયન આરોપી વર્ષ 2014માં મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હોવાની માહિતી પણ તપાસમાં સામે આવી છે. વિદેશી નાગરિકોની સંડોવણી અને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર ફ્રોડને ધ્યાનમાં રાખીને તપાસ એજન્સીઓ પણ સમગ્ર મામલાની કડીઓ તપાસી રહી છે.
કેટલા લોકો બન્યા શિકાર? પોલીસ શોધી રહી છે નેટવર્કની આખી કડી
હાલ પોલીસનું ફોકસ માત્ર જસદણના ખેડૂત પાસેથી પડાવવામાં આવેલા રૂ. 6.31 લાખ સુધી મર્યાદિત નથી. આરોપીઓએ આ જ પ્રકારની ‘વિદેશી ગિફ્ટ’ સાયબર ફ્રોડ મોડસ ઓપરેન્ડીથી અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા, કેટલા રૂપિયા પડાવ્યા અને આ રકમ ક્યાં-ક્યાં ટ્રાન્સફર થઈ તે અંગે તપાસ ચાલી રહી છે. પોલીસને આશંકા છે કે આ નેટવર્કે 6થી વધુ લોકોને છેતર્યા હોઈ શકે છે. હવે આરોપીઓના બેંક એકાઉન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન, સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય સંપર્કોની તપાસથી સાયબર ગેંગની વધુ કડીઓ બહાર આવવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આખરે કોણ છે આ આરોપીઓ અને શું હતો તેમનો પ્લાન?

લોકમેળામાં મોજ કરવા આવ્યા હતા, પણ એક વાતે આખો ખેલ બગડી ગયો!

સુરતના પૂણામાં માતા-પુત્રીના મૃતદેહ મળતાં ચકચાર, ગળા પર નિશાન અને બંનેના મોબાઈલ ગાયબ; પરિવારનો યુવક પર હત્યાનો આરોપ, પોલીસ તપાસ શરૂ.