બિલ્ડરના હનીટ્રેપ મામલે NCPના નેતાની ધરપકડ
NCPના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પત્રકાર અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની ધરપકડ કરી

બિલ્ડરનો યુવતી સાથેનો અંગત પળનો વીડિયો ઉતાર્યા બાદ 10 કરોડની ખંડણી માગી હતી

બિલ્ડરનો યુવતી સાથેનો અંગત પળનો વીડિયો ઉતાર્યા બાદ 10 કરોડની ખંડણી માગી હતી
હનીટ્રેપ દ્વારા બિલ્ડરને ફસાવી ખાનગી ક્ષણનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી ₹10 કરોડની ખંડણી માગનાર NCPના પ્રદેશ ઉપપ્રમુખ તેમજ પત્રકાર અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. NCPનો પ્રદેશ ઉપપ્રમુખ અશ્વિન ચૌહાણ ‘સત્ય ટાઈમ્સ’ દૈનિક અખબારનો સંપાદક પણ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ત્રીજા આરોપી જીમ ટ્રેનર બિની ગિલની શોધખોળ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમના એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, આરોપીઓએ એક બિલ્ડરને ફસાવી ખાનગી ક્ષણનો વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયોના આધારે તેને બ્લેકમેઈલ કરવામાં આવતો હતો. મોટી રકમ ન આપે તો બિલ્ડરને વોટ્સએપ પર વીડિયો મોકલી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં આરોપીઓએ ₹10 કરોડની ખંડણી માગી હતી. બાદમાં ₹7 કરોડ ચુકવવા અલ્ટિમેટમ આપ્યું હતું. રકમ ન ચૂકવે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ બ્રાંચે તાત્કાલિક રીતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.
તેમણે ઉમેર્યુ કે, ધરપકડ કરાયેલા આરોપીઓમાં અશ્વિન લક્ષ્મીકાંત ચૌહાણ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(NCP)નો ગુજરાતનો પ્રદેશ ઉપપ્રમુખ છે. આ ઉપરાંત તે ‘સત્ય ટાઈમ્સ’ દૈનિક અખબારનો સંપાદક છે. તે શાહપુર દરવાજા વિસ્તારમાં રહે છે. તેની સહ આરોપી સુનિતા ઉર્ફે એની રાજપૂત છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, સુનિતાએ ખંડણી ઉઘરાવવાના હેતુથી બિલ્ડરને એક યુવતી સાથે પરિચય કરાવી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારબાદ તેણીએ યુવતી સાથેની અંગત પળોનો વીડિયો બનાવી અશ્વિન ચૌહાણને મોકલ્યો હતો. બંનેએ સાથે મળીને બિલ્ડરને ધમકી આપી ખંડણી માગી હતી. ખંડણી ન આપે તો આરોપીઓએ વીડિયો સોશિયલ મીડિયા તેમજ અખબારમાં પ્રસિદ્ધ કરીને વાયરલ કરવાની ચીમકી આપી હતી.
સાયબર ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરી ડિજિટલ પુરાવાઓનું વિશ્લેષણ કરીને આરોપીઓની ઓળખ કરી હતી. બંને આરોપીઓની ધરપકડ કરી ગુનાના ઉપયોગમાં લેવાયેલા ડિજિટલ ઉપકરણો જપ્ત કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ અગાઉ આવા ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના એક બિલ્ડરને છ મહિના પહેલાં એક યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતાથી શરૂઆત થયા બાદ અંગત સંબંધ સુધી પહોંચી હતી. યુવતીએ એક ઘરમાં બિલ્ડર સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ NCP ઉપપ્રમુખ અને પત્રકાર અશ્વિન ચૌહાણે બિલ્ડરનો સંપર્ક કરી વોટ્સએપમાં વન ટાઈમ વ્યૂમાં નાનો વીડિયો મોકલ્યો હતો. જેમાં બિલ્ડર યુવતી સાથે અંગત પળો માણી રહ્યો હતો.
અશ્વિન ચૌહાણને આ વીડિયો સુનિતા રાજપૂતે આપ્યો હતો. અશ્વિને બિલ્ડર સાથે વાતચીત કરી વીડિયો સમાચારમાં ન લેવા માટે 10 કરોડની ખંડણી માગી હતી. વીડિયો બાબતે વાતચીત કરીને થોડા સમય અગાઉ અશ્વિને અંતે 7 કરોડ ચુકવવા કહ્યું હતું. બિલ્ડરે છેવટે કંટાળી પોલીસના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીએ સાયબર ક્રાઈમનો સંપર્ક કરાવતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, સુનિતાએ તેના બોયફ્રેન્ડ બિની ગિલ સાથે મળીને કાવતરૂ ઘડ્યું હતું. સુનિતા નેલ આર્ટનો બિઝનેસ કરે છે. જ્યારે બિની ગિલ જીમ ટ્રેનર છે. સુનિતાએ બિલ્ડરની માહિતી મેળવી તેની પરિચિત યુવતીનો બિલ્ડર સાથે સંપર્ક કરાવ્યો હતો. બિલ્ડર સાથે ઓળખાણ કર્યા બાદ યુવતીએ બિલ્ડર સાથે સુનિતાના ઘરે અંગત પળો માણી હતી. જેનું સુનિતાએ અગાઉથી જ સેટઅપ કરી સ્પાય કેમેરાથી રેકોર્ડિંગ કરી લીધું હતું.
સુનિતા અને બિનીએ આ રેકોર્ડિંગ પત્રકાર અશ્વિનને આપ્યું હતું. અશ્વિન ચૌહાણે બિલ્ડરને બ્લેકમેઇલ કરી પૈસાની માગણી કરી હતી. બિલ્ડરે લાંબા સમય સુધી વાતચીત કરી પૈસા આપ્યા નહોતા. સુનિતા અને અશ્વિન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. બંનેના મોબાઈલમાંથી બિલ્ડરના વીડિયો મળી આવ્યા છે. જ્યારે બિની ગિલ ફરાર થઈ ગયો છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ સમગ્ર મામલે યુવતીને જાણ હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!