ધારા કડીવાર મર્ડર કેસમાં કોર્ટનો મોટો નિર્ણય
સુરજ ભુવા સહિત 5 દોષિતોને આજીવન કેદની સજા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Dhara Kadivar Murder Case: ગુજરાતના જૂનાગઢમાં સર્જાયેલી એક એવી હૃદયદ્રાવક ઘટના, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું હતું. 22 વર્ષીય ધારા કડીવાર નામની યુવતીની નિર્મમ હત્યાના કેસમાં જૂનાગઢ સેશન્સ કોર્ટે ચુકાદો આપતા સૂરજ સોલંકી ઉર્ફે 'ભૂવાજી' સહિત 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસ માત્ર એક હત્યાનો મામલો નહોતો, પરંતુ તે એક એવું ષડ્યંત્ર હતું જેણે ફિલ્મી વાર્તાઓને પણ પાછળ છોડી દીધી હતી. પ્રેમ સંબંધ, લિવ-ઈન રિલેશનશિપ, વારંવારના ઝઘડા અને અંતે પોલીસને છેતરવા માટે રચાયેલી આખી સ્ક્રિપ્ટ, આ કેસના દરેક પાસા અત્યંત ચોંકાવનારા છે.
સોશિયલ મીડિયા પર શરૂ થયેલી મિત્રતા અને લિવ-ઈન રિલેશનશિપ
આ સમગ્ર ઘટનાની શરૂઆત જૂનાગઢથી થઈ હતી. સુરજ સોલંકી નામનો એક વ્યક્તિ જૂનાગઢમાં રહેતો હતો, જે લોકોના પ્રશ્નોના ઉકેલ માટે દોરા-ધાગા અને વિધિઓ કરતો હતો, જેના કારણે તે 'ભૂવાજી' તરીકે ઓળખાતો હતો. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી તે 22 વર્ષીય ધારા કડીવારના સંપર્કમાં આવ્યો હતો. આ સંબંધ એટલો ગાઢ બન્યો કે સુરજ પરિણીત અને 2 સંતાનોનો પિતા હોવા છતાં, બંનેએ જૂનાગઢમાં અલગ મકાન ભાડે રાખીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ સંબંધોની શરૂઆત ભલે સામાન્ય મિત્રતાથી થઈ હતી, પરંતુ સમય જતાં તે ગંભીર વળાંક લેવા લાગ્યા હતા.
સતત ઝઘડા અને બ્લેકમેલિંગની ઘટનાઓ
સંબંધોની શરૂઆત ભલે પ્રેમથી થઈ હતી, પણ સમય જતાં બંને વચ્ચે અણબનાવ શરૂ થયા હતા. ધારા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહેતી હતી અને પોતાના મોજશોખ, કપડાં તથા મોબાઈલ જેવી વસ્તુઓ માટે સુરજ પાસે સતત પૈસાની માગણી કરતી હતી. જ્યારે સુરજ પોતાની પત્ની અને બાળકોને મળવા જવાની વાત કરતો, ત્યારે પણ બંને વચ્ચે ભારે ઝઘડા થતા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ધારા ક્યારેક પોતાના હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને સુરજને તેના પરિવાર પાસે જવા ન દેવા માટે દબાણ કરતી હતી. આ ઝઘડાઓનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે તે એક ગંભીર વળાંક પર આવીને ઊભું રહ્યું હતું.
દુષ્કર્મની ફરિયાદ અને ષડ્યંત્રના પાયા
ફેબ્રુઆરી, 2022 માં સુરજ અને ધારા વચ્ચે થયેલો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો હતો. ધારા જૂનાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને ત્યાં તેણે સુરજ સોલંકી ઉર્ફે ભૂવાજી તથા તેના મિત્ર ગુંજન જોષી સામે કલમ 376 એટલે કે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દીધી હતી. આ ફરિયાદ પછી બંને અલગ રહેવા લાગ્યા હતા, પરંતુ આ એક નાની ફરિયાદ પાછળ એક મોટા અને ઘાતક ષડ્યંત્રના પાયા નંખાઈ ચૂક્યા હતા. ફરિયાદના થોડા દિવસો બાદ ન જાણે કયા સંજોગોમાં, ધારાએ વ્હોટ્સએપ દ્વારા ફરીથી સુરજનો સંપર્ક કર્યો અને માફી માગીને સમાધાન માટે અપીલ કરી હતી. સુરજે પણ ઉપરથી સમાધાન કરી લીધું અને બંને ફરી સાથે રહેવા લાગ્યા હતા, પરંતુ સુરજના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
દુષ્કર્મનો કેસ રદ કરવા માટેની યોજના
દુષ્કર્મનો કેસ રદ કરાવવા અને ધારાને પોતાની જિંદગીમાંથી કાયમ માટે દૂર કરવા માટે સુરજ સોલંકી અને ગુંજન જોષીએ એક યોજના બનાવી હતી. તેઓ ધારાને 30 લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર હતા. જો તે આ રકમ લઈને સુરજનો પીછો છોડી દે તો ઠીક, નહિતર તેને રસ્તામાંથી હટાવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ષડ્યંત્રનું પહેલું ચરણ જૂન, 2022 માં શરૂ થયું હતું. આરોપીઓ કોઈ પણ રીતે ધારાને પોતાની જિંદગીમાંથી દૂર કરવા માંગતા હતા અને તે માટે તેમણે તમામ તૈયારીઓ કરી લીધી હતી.
અમદાવાદમાં રચાયેલું ગુનાહિત માળખું
હત્યાના થોડા મહિના પહેલા સુરજ ધારાને લઈને અમદાવાદ આવ્યો હતો અને પાલડી વિસ્તારમાં તેના મિત્ર મીત શાહના ઘરે રોકાયો હતો. આ મુલાકાત દરમિયાન મીતના માતા મોનાબેન શાહ અને ભાઈ જુગલ શાહનો પરિચય ધારા સાથે થયો હતો. 15 જૂન, 2022 ના રોજ સુરજ અને ધારા જૂનાગઢ પાછા ફર્યા, પણ તેમની સાથે મીત શાહ પણ આવ્યો હતો. આ મુસાફરીમાં મીત પોતાની સાથે તેના ભાઈ જુગલના નામે લીધેલા ફોન અને સિમ કાર્ડ લાવ્યો હતો, જે પાછળથી પોલીસને ગેરમાર્ગે દોરવા માટેના મુખ્ય સાધન બનવાના હતા.
ગુપ્ત મિટિંગ અને હત્યાનો પ્લાન
જૂનાગઢ પહોંચ્યા બાદ એક ગુપ્ત મિટિંગ થઈ, જેમાં સુરજ, મીત શાહ અને ગુંજન જોષી હાજર હતા. ત્યાં નક્કી થયું કે જો ધારા રૂપિયા લઈને અલગ થવા તૈયાર ન થાય તો તેને પતાવી દેવી. આ માટે આરોપીઓએ બે પ્લાન બનાવ્યા હતા, પ્લાન A અને પ્લાન B. 17 જૂન, 2022 ના રોજ ગુંજન રાજકોટ ગયો અને સુરજના ભાઈ યુવરાજને આ ષડ્યંત્ર સમજાવ્યું. ત્યારબાદ 19 જૂન, 2022 ના રોજ ગુંજન અને યુવરાજ સુરજના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પાસે આવેલા નોલી ગામ ખાતે આવી પહોંચ્યા હતા. બીજી તરફ 19 જૂન, 2022 ની સાંજે સુરજે ધારાને વિશ્વાસમાં લેતા કહ્યું કે, 'આપણે હાઈકોર્ટમાં કેસ રદ કરવા માટેના વકીલને ફી આપવા આજે જ અમદાવાદ જવું પડશે.'
19 જૂન, 2022 ની એ કાળી રાત
ધારા આ વાતથી સંપૂર્ણ અજાણ હતી કે તે પોતાના જીવનની છેલ્લી મુસાફરી કરી રહી છે. સુરજ, મીત અને ધારા એક જ ગાડીમાં નીકળ્યા. ચોટીલા પાસે ભોજન લીધા બાદ, અંધારામાં સુરજે ગાડી હાઈવે પરથી હંકારીને એક સાંકડા રસ્તે વાળી દીધી. જ્યારે ધારાએ પ્રશ્ન કર્યો કે આપણે આ રસ્તે કેમ જઈ રહ્યા છીએ, ત્યારે સુરજે બહાનું કાઢ્યું કે વકીલ સાહેબને આપવાના રૂપિયા તે પોતાની વાડીએ મૂકી આવ્યો છે. ગાડી જ્યારે સુરજની વાડીએ પહોંચી ત્યારે સુરજ અંદર ગયો અને ધારા કારમાં જ બેસી રહી, જ્યારે મીત પાછળની સીટ પર હતો. વાડીમાં છુપાયેલા આરોપીઓ પૈકી ગુંજને આવીને ધારાને રૂપિયા લઈને સુરજની જિંદગીમાંથી નીકળી જવાની વાત કરી.
ગળેટૂંપો આપી હત્યા અને લાશનો નિકાલ
ગુંજનની વાત સાંભળીને ધારા ગુસ્સે થઈ ગઈ અને અપશબ્દો બોલવા લાગી, સાથે જ તેણે સુરજને બદનામ કરવાની ધમકી આપી. પ્લાન A નિષ્ફળ જતાં જ પ્લાન B એક્ટિવ થયો. કારમાં પાછળની સીટ પર બેસેલા મીત શાહે ધારાના ગળામાં રહેલો દુપટ્ટો ખેંચી ગળું દબાવ્યું અને ગુંજને તેનું મોં બંધ કરી દીધું. થોડી વારમાં ધારાનું મૃત્યુ થયું. ત્યારબાદ આરોપીઓએ ધારાના મૃતદેહને ઊંચકીને વાડીમાં બનાવેલી ઓરડીમાં લઈ ગયા હતા. આ ઓરડીમાં સુરજ કેટલાક સમયથી પુરાઈ રહ્યો હતો. ચારેય લોકોએ જોયું તો ધારાનો જીવ જતો રહ્યો હતો. હવે ગુંજને સુરજ અને મીતને કહ્યું કે તમે અમદાવાદ જાઓ, પ્લાન પ્રમાણે આગળ વધો. હું અને યુવરાજ ધારાની ડેડબોડીનું કંઈક કરીએ છીએ. ત્યારબાદ વાડીએ સુરજના કાકા મુકેશ સોલંકીને બોલાવવામાં આવ્યા અને ડેડબોડીને ઠેકાણે પાડવાનું શરૂ કર્યું.
ફિલ્મી ઢબે રચાયેલું ષડ્યંત્ર
ધારાની હત્યા બાદ આ હત્યાનો ભેદ ન ખુલે તે માટે આરોપીઓએ એક જટિલ યોજના અમલમાં મૂકી. સુરજે અમદાવાદ આવતા પહેલા જ તેના કાકા સસરા સંજય સોહેલિયાને સનાથલ સર્કલ બોલાવ્યા. સંજયને ધારાનો દુપટ્ટો ઓઢાડીને કારમાં બેસાડવામાં આવ્યો, જેથી સીસીટીવી કેમેરામાં પોલીસને લાગે કે ધારા અમદાવાદ આવી છે. આ ઉપરાંત, મીત શાહના ઘરે પહોંચ્યા પછી તેની વૃદ્ધ માતા મોનાબેને પણ ધારાના કપડાં પહેરીને વેશ ધારણ કર્યો હતો. સવારે 6 વાગ્યાની આસપાસ તે ઘરેથી નીકળી હતી જેથી પોલીસને લાગે કે ધારા જીવિત છે અને તે ઘરેથી ક્યાંક જતી રહી છે. પોલીસને ગોથે ચડાવવા માટે આરોપીઓએ એક નવું ચેપ્ટર શરૂ કર્યું હતું.
પોલીસને ગેરમાર્ગે દોરવાની કરતૂત
20 જૂન, 2022 ની રાત્રે ગુંજન, યુવરાજ અને મુકેશે ઘાસ અને લાકડામાં પેટ્રોલ છાંટીને ધારાના મૃતદેહને સળગાવી દીધો. ત્યારબાદ સુરજ, મીત અને મીતની માતા પોતે જ પાલડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ધારા ગુમ થયાની અરજી આપી. બીજી તરફ, ગુંજને મુંબઈમાં બેસીને ધારાના મોબાઈલમાંથી સુરજને એવા મેસેજ કર્યા કે, "હું તારી સાથે નથી રહેવા માંગતી, હું મુંબઈ જતી રહી છું." સુરજે આ ચેટ પોલીસને પુરાવા તરીકે બતાવી. ગુંજને ધારાના મોબાઈલથી આટલા મેસેજ કર્યા બાદ મોબાઈલ તોડી નાખીને પુરાવાનો નાશ કર્યો હતો. પાલડી પોલીસને પણ મહિનાઓ સુધી કોઈ ખાસ સફળતા ન મળી એટલે આરોપીઓ પોતાની ચતુરાઈ પર મલકાતા રહ્યા હતા અને કોઈ ભય વગર જીવન જીવવા લાગ્યા હતા.
મૃતક યુવતીના ભાઈની વ્યથા અને ખુલાસા
ધારાના ભાઈ મીત કડીવારે ધારા અને સુરજ ભૂવાજીના સંબંધ બાબતે જણાવ્યું કે, મારી બહેન સુરજના સંપર્કમાં બે વર્ષ પહેલાં આવી હતી. જ્યારે ધારાની બહેનપણીને લવ-મેરેજ બાબતે ભૂવા પાસેથી કંઈક જાણવું હતું. સુરજે મારી બહેનને લગ્નની લાલચ આપી અને તેની સાથે જૂનાગઢમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો હતો. બન્નેના ઝઘડા પણ થતા હતા અને મારી બહેને એકવાર એનાથી કંટાળીને દવા પણ પી લીધી હતી. મીતે કહ્યું કે, બહેન ધારા સાથે મારે છેલ્લે 18 જૂન, 2022 ના રોજ વ્હોટ્સએપ પર વાત થઈ હતી, જેમાં તેણે કહ્યું હતું કે અમે હાઈકોર્ટના કામ બાબતે અમદાવાદ જવાના છીએ. ત્યારબાદ 25 જૂન, 2022 ના રોજ સુરજે મને ધારા સાથે થયેલી વ્હોટ્સએપ ચેટ બતાવી, જેમાં સુરજે દુઃખ વ્યક્ત કરવાનો ડોળ કર્યો હતો.
કેવી રીતે ખૂલ્યો આ ચકચારી કેસ?
ધારા ગુમ થયાના એક મહિના પછી મીત જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયો, જ્યાંથી તેને અમદાવાદ જવાનું કહેવામાં આવ્યું. બાદમાં નવેમ્બર-ડિસેમ્બર, 2022 ના અરસામાં મીતે કોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી, જેના કારણે અમદાવાદ પોલીસે ફરીથી તપાસ શરૂ કરી. તપાસ કરનાર પીએસઆઈ વિરમ પરમારે જણાવ્યું કે ધારા સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય હોવા છતાં, ગુમ થયા બાદ તેની કોઈ ગતિવિધિ જોવા ન મળી હતી. પોલીસે તમામ શંકાસ્પદોના કોલ ડિટેલ રેકોર્ડ (CDR) મગાવ્યા અને તેમને અલગ-અલગ રાખીને કડકાઈથી પૂછપરછ કરી. આ પૂછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા અને આખી ઘટનાનો એક પછી એક ખુલાસો થયો.
ન્યાયની જીત અને આજીવન કારાવાસ
આ હત્યાકાંડમાં સામેલ આઠ આરોપીઓમાંથી 5 ને જૂનાગઢ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે 3 આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસ એ બાબતની સાબિતી આપે છે કે ગુનેગારો ગમે તેટલા કુશળતાપૂર્વક આયોજન કરે, પણ કાયદાના લાંબા હાથ તેમને પકડી જ લે છે. ધારા કડીવાર હત્યા કેસ માત્ર એક ક્રાઈમ સ્ટોરી નથી, પરંતુ તે એક એવી કરુણ ઘટના છે જે દર્શાવે છે કે સંબંધોમાં રહેલી અપરિપક્વતા અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ માણસને ક્યાં લઈ જઈ શકે છે. ધારાના ભાઈએ કહ્યું કે, "અમારી બહેન પાછી નથી આવવાની, પણ તેને ન્યાય મળ્યો છે એ વાતનું સંતોષ છે." આજે આ કેસ ગુજરાતના કાયદાકીય ઇતિહાસમાં એક મહત્વના કિસ્સા તરીકે નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!