સુરતમાં ઈજનેર વતી ₹4 લાખ લઈ ખંડણીખોર પત્રકાર ફરાર
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર વતી પત્રકારે માગી હતી રૂપિયા 15 લાખની લાંચ

આરોપીઓ ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પરવાના પઠાણ

આરોપીઓ ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પરવાના પઠાણ
સુરતમાં મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર વતી રૂપિયા 4 લાખની લાંચની રકમ લઈને ખંડણીખોર પત્રકાર ફરાર થઈ ગયો છે. લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા વતી પત્રકાર મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પરવાના પઠાણે બાંધકામ ન તોડવાના બદલામાં 15 લાખની લાંચ માંગી હતી. ફરીયાદીએ એસીબીએ જાણ કરતાં એસીબીએ ગોઠવેલાં છટકાં દરમિયાન પત્રકાર લાંચની રકમ સ્વીકારી ફરાર થઈ ગયો હતો. જ્યારે કાર્યપાલક ઈજનેર મળી નહી આવતાં એસીબીએ બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત મનપાએ સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં. 134-135 ઉપર થયેલાં ગેરકાયદે બાંધકામ મામલે નવેમ્બર-2025માં નોટિસ આપી હતી. ફેબ્રુઆરી-2026માં ડિમોલિશનની કામગીરી શરૂ કરી 1.70 લાખનો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. બાકીનું બાંધકામ ન તોડવા માટે સુરત મનપાના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા વતી પત્રકાર મોહમ્મદ પઠાણે ફરિયાદી પાસે રૂપિયા 21 લાખની માંગણી કરી હતી. જે રકઝકના અંતે 15 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.
મુખ્ય આરોપી વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. રાજ્ય સેવક તરીકેના ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમણે પદનો દુરુપયોગ કરી ખાનગી વ્યક્તિ મારફતે લાંચનો વહીવટ ગોઠવ્યો હોવાનો તેમની સામે આરોપ છે. ફરિયાદી સાથે થયેલી ટેલિફોનિક ચર્ચામાં તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
લાંચ કેસમાં વચેટિયાની ભૂમિકા ભજવનાર આરોપી મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ 'નિષ્પક્ષ ગુજરાત પત્રિકા' દૈનિક અખબારનો પત્રકાર છે. ઇજનેર વિપુલ ગણેશવાલાના 'ખાસ માણસ' તરીકે પરવાના પઠાણ કામ કરતો હતો. તે અવારનવાર ફરિયાદીને મળીને લાંચની રકમ માટે દબાણ કરતો હતો અને પૈસાની લેતી-દેતી માટે પ્લેટફોર્મ પૂરું પાડતો હતો.
લોકોની સમસ્યાઓ વાચા આપતી અખબારની ઓફિસ લાંચ સ્વીકારવાનું સ્થળ બની હતી. આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે આવેલી 'નિષ્પક્ષ ગુજરાત પત્રિકા'ની ઓફિસ નંબર 104માં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. 19 ફેબ્રુઆરીના રોજ પ્રથમ હપ્તા તરીકે 4 લાખ આપવાનું આયોજન હતું.
ફરિયાદી જ્યારે 4 લાખ રોકડ લઈને પત્રકાર પરવાના પઠાણની ઓફિસે પહોંચ્યા ત્યારે એસીબીના જવાનો આસપાસ ગોઠવાયેલા હતા. પત્રકારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જોકે, તેની ટ્રેપ થઈ હોવાની શંકા જતા લાંચની રકમ લઈને ભાગી ગયો હતો. જ્યારે કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા સ્થળ પર મળી આવ્યાો ન હતો.
એસીબીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઇજનેર અને પત્રકાર વચ્ચે મેળાપીપણું હતું. સરકારી અધિકારી પોતે સીધી રીતે લાંચ ન લેતા પત્રકારના માધ્યમથી વહીવટ કરતા હતા. સોમવાર સુધીમાં બાકીના 11 લાખ પૂરા કરવાની શરતે સોદો થયો હતો.
પત્રકારનો ગુનાહિત ઈતિહાસ
મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ સુરતના લિંબાયત વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવે છે. તેની સામે ખંડણી અને ગુનાહિત ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં બે અને સુરત રેલવે પોલીસ મથકમાં એક મળી ત્રણ ગુના નોંધાયા છે. એનસીપી (NCP) નેતા અક્રમના દીકરા સાથે થયેલી મારામારીના કેસમાં પોલીસ તેને પકડીને લિંબાયત પોલીસ ચોકીમાં લાવી હતી. તે સમયે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો હતો.
પત્રકાર પરવાના પઠાણની અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે સુરત પોલીસ કમિશનરે 4 ડિસેમ્બર, 2024ના રોજ તેની સામે પાસા કરવામાં આવી હતી. પોતાની ગુનાહિત ઓળખ છુપાવવા તે પત્રકારો અને સમાજમાં પોતે કન્સ્ટ્રક્શન (બાંધકામ) ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાની છાપ ઊભી કરવાનો પ્રયાસ કરતો હતો.
વિપુલ ગણેશવાલાનો વિવાદિત ઈતિહાસ
લિંબાયત ઝોનમાં અઢી વર્ષથી કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા વિપુલ ગણેશવાલાનો કાર્યકાળ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે. ઝોનના રહીશો અને બાંધકામકર્તાઓ તેમના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગણેશવાલાનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. જ્યારે તે કતારગામ ઝોનમાં કાર્યરત હતો, ત્યારે પણ તેની વિરુદ્ધ અનેક ફરિયાદો ઉઠી હતી. તેમ છતાં, પાલિકા તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે જનતામાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય પાટીલે ઉભરો ઠાલવ્યો
આરોપી પરવાના પઠાણ ગેરકાયદે બાંધકામો કરાવીને અધિકારીઓ સાથે મળીને લોકોને કેટલી હદે ત્રાસ આપતો હતો. તેનું એક જીવંત ઉદાહરણ સોશિયલ મીડિયા ઉપર થયેલી એક પોસ્ટમાં જોવા મળ્યું છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય પાટીલે પોસ્ટ મૂકીને જણાવ્યું છે કે, તેઓ પોતે પણ આ પરવાનાનો ભોગ બની ચૂક્યા છે. તેમણે વધુમાં લખ્યુ કે, જ્યારે નગરસેવકો અને શિક્ષણ સમિતિના સભ્યો મારી પાસે આવતા. ત્યારે મારે ભારે હૈયે કહેવું પડતું કે, આ માણસે મારા પરિવારને પણ નથી છોડ્યો. તેનો ભોગ હું પણ બન્યો છું. મારું બાંધકામ તોડી પાડવામાં આવ્યું, એટલે મારે મિલકત વેચી દેવી પડી. આજે એ જ જગ્યાએ ચાર માળની બિલ્ડિંગ ધમધમી રહી છે. શું હવે તે કાયદેસર થઈ ગઈ? મારું ગ્રાઉન્ડ પ્લસ વન (G+1)નું બાંધકામ ગેરકાયદેસર હતું. તો હવે ગ્રાઉન્ડ પ્લસ થ્રી (G+3) કેવી રીતે કાયદેસર થઈ ગયું?
બિલ્ડરોએ પણ મ્યુ. કમિશનરને ફરિયાદ કરી હતી
ઓક્ટોબર, 2025માં બિલ્ડરોએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને વિપુલ ગણેશવાલા વિરુદ્ધ લેખિતમાં ગંભીર ફરિયાદો કરી હતી. એક ફરિયાદીના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ પોતાના પરિવાર માટે ઘર બનાવી રહ્યા હતા. ત્યારે ગણેશવાલાએ પરવાના અને સમીર નામના વચેટીયાઓ (દલાલો)ને મોકલીને વારંવાર હેરાન કર્યા હતા. દલાલો મારફતે ગેરકાયદેસર રીતે નાણાંની માંગણી કરવામાં આવતી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!