જયરાજ આહીરની ધરપકડ, SITએ ખોલી હુમલા કેસની ગૂંચ
નવનીત બાલધિયા હુમલા કેસમાં SITની કડક તપાસ બાદ માયા આહીરના પુત્ર જયરાજની ધરપકડ

ભાવનગર રેન્જ આઈજી કચેરી અને જયરાજ આહિરની તસવીર

ભાવનગર રેન્જ આઈજી કચેરી અને જયરાજ આહિરની તસવીર
ભાવનગર જિલ્લાના બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં SITની તપાસે નવો વળાંક લીધો છે. લાંબી પૂછપરછ અને પુરાવાની સઘન ચકાસણી બાદ લોક ગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની અંતે ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડથી કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 13 થઈ છે.
SIT દ્વારા જયરાજ આહીરને રેન્જ આઈજી કચેરીએ સમન્સ પાઠવી ફરી વાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. સતત બે કલાક સુધી થયેલી પૂછપરછ દરમિયાન મોબાઈલ કોલ ડિટેઈલ્સ, લોકેશન, માહિતી, સાક્ષીઓના નિવેદન અને અગાઉ ઝડપાયેલા આરોપીઓ સાથેના સંપર્કોની તપાસ કરવામાં આવી હતી. તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ SITને જયરાજ આહીરની સંડોવણીના મજબૂત આધાર મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. SIT દ્વારા જયરાજ આહીરની પૂછપરછના પગલે અનિચ્છનીય બનાવ ન બને એે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
રેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈ SITની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
આ કેસમાં શરૂઆતમાં બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરવામાં આવી. SITએ ટૂંકા સમયમાં ફરી તપાસ હાથ ધરીને આરોપીઓના પુનઃ રિમાન્ડ મેળવી કડક પૂછપરછ કરી હતી. જેમાં વધુ આરોપીઓની સંડોવણી બહાર આવી હતી. પરિણામે કાનાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોલંકી સહિતના આરોપીઓ ઝડપાયા હતા.
ફરિયાદી નવનીત બાલધિયાએ SITને કુલ 15 પુરાવા આપ્યાનો દાવો કર્યો હતો. પુરાવાઓના આધારે SITએ મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ટેકનિકલ અને માનવ સાક્ષીઓ બંનેનું વિશ્લેષણ કર્યું હતું. તપાસ દરમિયાન ઉત્તમ બાંભણિયા અને અજય ઉર્ફે મોટો ભાલિયા નામના બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
બગદાણા હુમલા કેસમાં અત્યાર સુધી નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ SIT ની રચના કરવામાં આવી હતી. SITની તપાસમાં કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તમ ભરતભાઇ બાંભણિયા અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલિયાની ધરપકડ કરાઈ હતી.
સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ જાણીએ તો, 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની પાછળ બગદાણા ટ્રસ્ટ સંબંધિત વિવાદ અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી વાતોને કારણભૂત માનવામાં આવી રહ્યું છે. SIT હવે આ કેસમાં કાવતરું, નાણાકીય વ્યવહાર અને કોલ ડિટેઈલની દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે.
જયરાજ આહીરની ધરપકડ બાદ કેસમાં વધુ ખુલાસાઓ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. SIT દ્વારા તપાસ હજુ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય