દુર્લભ પેંગોલિનનું અધધ ₹22 કરોડમાં ગેરકાયદે વેચાણ?
વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરી ટોળકીને ઝડપી પાડી

દુર્લભ પેંગોલિન સાથે પકડાયેલા બંને શખ્સો

દુર્લભ પેંગોલિન સાથે પકડાયેલા બંને શખ્સો
રાજકોટ અને ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દુલર્ભ ગણાતા પેંગોલિન પ્રજાતિના પ્રાણીનું 22 કરોડ રૂપિયામાં વેચાણ થાય તે પહેલાં મુક્ત કરાવીને ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરી ટોળકીને ઝડપી પાડી વન વિભાગને સોંપી દેવામાં આવી છે.
શિડ્યૂલ-1 એટલે કે લુપ્ત થતી પ્રજાતિઓના કેટલાક પ્રાણીઓ રાજકોટમાં કરોડોની કિંમતમાં વેચાણ કરવા માટે કેટલાક શખ્સો આવ્યા હોવાની બાતમીના આધારે વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા અને રાજકોટ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતું. રાજકોટ આવેલા શંકાસ્પદ શખ્સની રેકી કરી તેની અટકાયત કરી હતી. તેના મોબાઈલમાં અતિ દુર્લભ પેંગોલિનના વીડિયો અને વેચાણ અંગેના મેસેજ મળ્યા હતા. પેંગોલિન અંગે માહિતી મેળવી ગ્રાહકના સ્વાંગમાં એસઓજી અને WTIની ટીમે ગીર પંથકમાં ગંગેથા અને ઘાંટવડ સહિતના વિસ્તારો ફર્યા હતા.
ઘાંટવડ નજીક ફોરેસ્ટ એરિયાની કાંઠે આવેલી વાડીમાં પહોંચીને ત્યાંથી પેંગોલિનને રેસ્ક્યૂ કરી પ્રાણીને 22 કરોડમાં વેચવાની ફિરાકમાં રહેલા બિજલ ઉર્ફે વિજય જીવા સોલંકી(રહે. ગાંગેથા તા.સૂત્રાપાડા) અને લીપ વિહા મકવાણા(રહે ઘાંટવડ તા.કોડીનાર)ને ઝડપી લીધા હતા.
વન વિભાગની જામવાળા રેન્જ કચેરીએ આરએફઓ બી. બી. વાળા તેમજ એસીએફ ચિરાગ ચાંદગુડેને આરોપીઓ અને પેંગોલિન સોંપવામાં આવ્યા હતા. વન વિભાગે ફર્સ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં બંને શખ્સોના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસે ઢેબર રોડ પર એક શખ્સને અટકાવી મોબાઈલ ચકાસતા પેંગોલિન પ્રજાતિના પ્રાણીના વીડિયો મળ્યા હતા. જેમાં તેના વેચાણ માટેના મેસેજ પણ મળ્યા હતા. પુરાવા મળતાં બિજલ નામના શખ્સે વટાણા વેરી નાખીને 22 કરોડમાં પ્રાણી વેચવા આવ્યાની કબૂલાત કરી હતી.
કબૂલાત બાદ બિજલ ઉર્ફે વિજયના મોબાઈલમાંથી પ્રાણી જ્યાં રાખવામાં આવ્યું છે ત્યાં ફોન કરાવી ગ્રાહક મળી ગયા છે અને લેવા આવે છે તેવી માહિતી આપવામાં આવી હતી. બિજલને લઈ તાત્કાલિક ટીમ ગીર સોમનાથ પંથકના ગાંગેથા ગામ પહોંચી હતી. ત્યાં આતુભાઈ લાલકિયાના કબજાના ખેતરની ઓરડીમાં વન્ય પ્રાણી પેંગોલિન મળી આવ્યું હતું.
આરોપીઓ ભાગી ન જાય તે માટે તાત્કાલિક ખરીદ કરવાનું છે અને રોડ પર બીજી કારમાં પૈસા છે અને ઉચ્ચક 35 લાખ રૂપિયા આપશે તેવું કહ્યું હતું. મોડી રાત્રે વન વિભાગને જાણ કરી જામવાળા રેન્જ કચેરીએ આરોપીઓ તેમજ પેંગોલિનને લઈ જવાયા હતા.
આરોપી બિજલના મોબાઈલમાં પેંગોલિનનો વીડિયો હતો અને તેમાં એક શખ્સ મોઢું બતાવ્યા વગર પાંચની નોટ બતાવીને સાબિત કરતો હતો કે તેની પાસે આ પ્રાણી છે. વીડિયોમાં હાથમાં જે દોરો બાંધ્યો હતો તેવો જ દોરો બિજલ ઉર્ફે વિજયના હાથમાં હતો. તપાસ કરતા વીડિયોમાં બતાવેલી સિરિયલ નંબરની પાંચની નોટ બિજલ પાસેથી મળતા તેની પાસે જ પેંગોલિન હોવાના મજબૂત પુરાવા મળ્યા હતા જેથી બિજલે વટાણા વેરી નાખ્યા હતા.
પોલીસે મોબાઈલના મેસેજ અંગે બિજલને પૂછતા તેણે 22 કરોડ રૂપિયામાં પેંગોલિન વેચાણ માટે મૂક્યું હોવાની કબૂલાત કરી હતી. સ્થળ પરથી દિલીપ અને પેંગોલિન મળી આવ્યા બાદ પોલીસે દિલીપને પૂછતાં તેને પેંગોલિન વાડીએથી મળી આવતા બિજલને વેચાણ માટે કહ્યું હતું પરંતુ ભાવ નક્કી કર્યો ન હતો. બાદમાં ખબર પડી કે બિજલે બજારમાં 22 કરોડનો ભાવ મૂક્યો હતો પણ દિલીપને 25 લાખ કહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પેંગોલિન બખ્તર કીડીખાઉ તરીકે જાણીતું છે. તેના શરીર પર મજબૂત ભીંગડા હોય છે. જ્યારે તેને ભય લાગે ત્યારે તે શરીરને સંકોચી લે છે જેથી બખ્તર જેવું બની જાય છે તેને કોઇ હિંસક પ્રાણીના દાંત કે નખ વેધી શકતા નથી. હાલ વિશ્વમાં સૌથી વધુ ગેરકાયદે વેચાતું એટલે કે ટ્રાફિકિંગ થતું પ્રાણી પેંગોલિન છે. જેનું મોટું કારણ ચીન છે. ચીનમાં એવી માન્યતા છે કે પેંગોલિનના ભીંગડામાંથી બનતી દવા આજીવન યૌવન બક્ષે છે. આ બાબત જરા પણ સાચી નહી હોવા છતાં ચીન અને હોંગકોંગમાં ગેર માન્યતાના કારણે અનેક પેંગોલિનનો ભોગ લેવાયો છે.
પેંગોલિન પ્રાણી કદી વન વિસ્તારમાં મુક્ત વિહરતા પેંગોલિન જોયા નથી. તેથી તેઓ દુર્લભ ગણાય છે. દુનિયામાં પેંગોલિન પ્રાણી બ્લેક માર્કેટમાં સૌથી વધુ મોંઘું છે. તેની જાળવણી સૌથી વધુ કરવી જોઇએ. હાલ ભારતના વન વિભાગે સૌથી પહેલી પ્રાથમિકતા પેંગોલિનનો શિકાર અટકાવવા માટે આપવી જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!