ગુજરાતમાં બોગસ ડોનેશન કૌભાંડ: બે રાજકીય પક્ષો સામે CID ફરિયાદ
₹725 કરોડના ડોનેશનનો મામલો… પણ આ રકમ પાછળ આખો ખેલ શું હતો?

અમદાવાદમાં રાજકીય પક્ષોના કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીના કેસમાં CID ક્રાઇમ તપાસ

અમદાવાદમાં રાજકીય પક્ષોના કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીના કેસમાં CID ક્રાઇમ તપાસ
Ahmedabad Political Donation Tax Scam: અમદાવાદમાં રાજકીય પક્ષોના નામે દર્શાવવામાં આવેલા કથિત બોગસ ડોનેશન અને ટેક્સ ચોરીના મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. આવકવેરા વિભાગની તપાસ અને ફરિયાદ મુજબ, સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી અને ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓ મારફતે કુલ ₹725 કરોડથી વધુના શંકાસ્પદ ડોનેશન દર્શાવવામાં આવ્યા હતા. આ કેસમાં દાતાઓને બોગસ ડોનેશનની રસીદો આપી ટેક્સમાં કપાત અપાવ્યા બાદ કમિશન કાપીને રકમ પરત કરવાની કથિત પદ્ધતિ સામે આવી છે. આવકવેરા વિભાગે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સાથે જોડાયેલા હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે અમદાવાદ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આ પક્ષ સાથે ₹519 કરોડથી વધુના કથિત બોગસ ડોનેશન અને આશરે ₹155 કરોડની કરચોરીનો મામલો છે. ગરીબ કલ્યાણ પાર્ટી સામે ₹206 કરોડથી વધુના કથિત બોગસ ડોનેશન અને ₹62 કરોડથી વધુની કરચોરીના આરોપો મૂકવામાં આવ્યા છે.
સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સામે ₹519 કરોડના ડોનેશનનો આરોપ
આવકવેરા વિભાગની ફરિયાદ મુજબ, નરોડા સ્થિત સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના ખાતામાં મોટા કરદાતાઓ પાસેથી ચેક અને RTGS મારફતે ડોનેશન મેળવવામાં આવતું હતું. દાતાઓને આવકવેરા કાયદા હેઠળ ટેક્સ કપાત મેળવવા માટે ડોનેશનની રસીદ આપવામાં આવતી હોવાનો આરોપ છે. તપાસ મુજબ, આ રકમ બાદમાં 'જય ટ્રેડિંગ કંપની' સહિતની કથિત શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ત્યારબાદ 8થી 9 ટકા કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં દાતાઓને પરત કરવામાં આવતી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, આ વ્યવસ્થાથી દાતાઓને કથિત રીતે ખોટી ટેક્સ કપાત મળી અને સરકારી તિજોરીને આશરે ₹155 કરોડનું નુકસાન થયું.
ખોટા ઓડિટ રિપોર્ટ અને ચૂંટણી પંચને રિપોર્ટનો આરોપ
આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ, કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે હિસાબોની યોગ્ય ચકાસણી કર્યા વિના કન્ટ્રીબ્યુશન અને ઓડિટ રિપોર્ટ તૈયાર કર્યા હોવાનો આરોપ છે. આ દસ્તાવેજો ડિજિટલ સહી સાથે સરકારી પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં ડોનેશન અંગે ચૂંટણી પંચ સમક્ષ ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ છે. આ કેસમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર ખત્રી અને CA મયુરસિંહ ચંદનસિંહ રાઠોડ સહિતના લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
ગરીબ કલ્યાણ પાર્ટી સામે ₹206 કરોડના ડોનેશનનો આરોપ
આવકવેરા વિભાગની તપાસ મુજબ, ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓ મારફતે ₹206 કરોડથી વધુનું કથિત બોગસ ડોનેશન દર્શાવવામાં આવ્યું હતું. દાતાઓને ટેક્સ કપાત માટે રસીદો આપવામાં આવતી અને ત્યારબાદ રકમ ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ તથા જલારામ એન્ટરપ્રાઇઝ જેવી કથિત શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હોવાનો આરોપ છે. તપાસ મુજબ, આ કંપનીઓ મારફતે 5થી 7 ટકા કમિશન કાપીને બાકીની રકમ દાતાઓને કેશબેક તરીકે પરત કરવામાં આવતી હતી. આ કેસમાં ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નીરજ કુમાર ક્ષત્રિય, સેક્રેટરી ધનંજયસિંહ રાજપૂત, ખજાનચી ધીરજકુમાર ક્ષત્રિય અને અન્ય લોકો સામે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે.
₹1,295 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનની તપાસ
ફરિયાદ મુજબ, ગરીબ કલ્યાણ પાર્ટી સાથે જોડાયેલા કથિત શેલ કંપની નેટવર્કમાં ₹1,295 કરોડથી વધુના નાણાકીય ટ્રાન્ઝેક્શન પણ તપાસ હેઠળ આવ્યા છે. કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા હિસાબોની યોગ્ય ચકાસણી કર્યા વિના ઓડિટ રિપોર્ટ તૈયાર કરી ડિજિટલ સહી સાથે સરકારી પોર્ટલ પર અપલોડ કર્યાનો પણ આરોપ છે. હવે અમદાવાદ CID ક્રાઇમ દ્વારા બંને રાજકીય પક્ષો, તેમના હોદ્દેદારો, CA, ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને કથિત શેલ કંપનીઓ વચ્ચેના નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે. હાલના ₹725 કરોડના ડોનેશન, ₹217 કરોડથી વધુની કથિત ટેક્સ ચોરી અને અન્ય નાણાકીય વ્યવહારો અંગેના આ આંકડા આવકવેરા વિભાગની ફરિયાદ અને તપાસ પર આધારિત છે. આરોપોની અંતિમ કાયદેસર પુષ્ટિ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા બાદ જ થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક જ કેમ્પસમાં ટૂંકા અંતરે બનેલી આ બે ઘટનાઓ બાદ Student Safety અને Mental Health અંગે ચર્ચા કેમ તેજ બની?

₹1.10 કરોડનું રોકાણ... એપમાં દેખાયો ₹13.67 કરોડનો નફો! મહિલા પૈસા ઉપાડવા ગઈ ત્યારે જ સામે આવ્યો આખો ખેલ...

મંદાર પર્વત પર યુવતી સાથે એવું શું થયું કે વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ?