આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના નેજા ગામમાં નશીલા પદાર્થ અલ્પ્રાઝોલમ બનાવતી ગ્રીન લાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ગુજરાત એટીએસની ટીમે દરોડો પાડીને 107 કરોડનો અલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપી પાડ્યો છે. એટીએસની ટીમે ફેક્ટરીમાંથી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે આ શખ્સો માદક પદાર્થ બનાવીને મધ્યપ્રદેશના ઇન્દોરના અજય જૈન નામના શખ્સને વેચી રહ્યા હતા. ઇન્દોરનો અજય જૈન નામચીન છે અને અગાઉ પણ એનસીબી અને સીબીએનના હાથે અલ્પ્રાઝોલમના કેસમાં પકડાયેલો છે અને એક ગુનામાં તો તેને 16 વર્ષની સજા પણ ફટકારાયેલી છે. એટીએસની ટીમે અજય જૈનને પણ ઝડપી લીધો હતો
ગુજરાત એટીએના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને બતમી મળી હતી કે ખંભાત તાલુકાના નેજા ગામમાં આવેલી ગ્રીનલાઇફ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં ગેરકાયદેસર માદક પદાર્થ અલ્પ્રાઝોલમનું ઉપ્તાદન થઇ રહ્યું છે અને તેને ઇન્દોરના અજય જૈન નામના શખ્સને વેચવામાં આવી રહ્યું છે જેથી એટીએસની ટીમોએ તપાસ કરીને ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો. ફેક્ટરીમાંથી પોલીસને 107 કિલો અલ્પ્રાઝોલમ જેની અંદાજીત કિંમત 107 કરોડ થાય છે તેને જપ્ત કર્યો હતો. ઉપરાંત પોલીસે અન્ય કેમિકલનો 2518 કિલો પણ જપ્ત કર્યો હતો.
પોલીસે સ્થળ પરથી રણજીત ડાભી, વિજય મકવાણા, હેમંત પટેલ તથા લાલજી મકવાણા અને જયદીપ મકવાણાને ઝઢપી લીધા હતા. અલ્પ્રાઝોલમ બનાવવા માટે અજય જૈને આપેલા 30 લાખ રુપિયા પણ રણજીત ડાભી પાસેથી પોલીસને મળી આવ્યા હતા. રણજીત ડાભી પોતાની સત્યમ ટ્રેડર્સ નામની કંપની ધરાવે છે તથા વિજય મકવાણા અને હેમંત પટેલ કેમિકલની ડિગ્રી ધરાવે છે. બંને અગાઉ ક્રિષાંક ફાર્મા , ખંભાપતમાં નોકરી કરતા હતા. તેમની સાથે લાલજી મકવાણા અને જયદીપ મકવાણા પણ નોકરી કરતા હતા.
આરોપીઓની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓએ અલ્પ્રાઝોલમ બનાવીને ઇન્દોરના અજય જૈનને વેચતા હતા. અજય જૈન અગાઉ પણ એનસીબી અને સીબીએનના હાથે અલ્પ્રાઝોલમના કેસમાં પકડાયો હતો અને તે પૈકી સીબીએનના કેસમાં તેેન 16 વર્ષની સજા પણ થયેલી છે.
પોલીસે કહ્યું કે જપ્ત કરાયેલ અલ્પ્રાઝોલમના જથ્થામાંથી 0.25 મિલીગ્રામની 42.8 કરોડ ટેબ્લેટ બનાવી શકાય છે જેથી પોલીસે આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ત્યારબાદ પોલીસે અજય જૈનને પણ ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઓપરેશનમાં ગુજરાત એટીએસ સાથે આણંદ એસઓજી અને ખંભાત પોલીસ પણ મદદમાં સાથે રહી હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે અલ્પ્રાઝોલમનો ઉપયોગ ઉંઘની દવા માટે થાય છે. આ ફેક્ટરી તાજેતરમાં દેવદિવાળીએ જ શરુ કરાઇ હતી અને આરોપી પહેલા ઇન્જેક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા પણ ત્યારબાદ તેમણે આ માદક પદાર્થ બનાવાનું શરુ કર્યું હતું. અમદાવાદના 2 ભાગીદારે આ ફેકટરી શરુ કરી હતી.