ગુજરાત ATSને મોટી સફળતાઃ ત્રણ ISKP આતંકી ઝડપાયા
ડો. અહેમદ સૈયદ સહિત ત્રણ આતંકી અડાલજથી ઝડપાયા, ખતરનાક ઝેર બનાવવા તૈયારી

આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ દબોચ્યા

આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ દબોચ્યા
મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપે તે પહેલાં ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને દબોચી લીધા છે. ગાંધીનગરના અડાલજ નજીકથી ત્રણેય આતંકીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. ત્રણ આતંકીઓ પૈકી એક હૈદરાબાદનો અને બે ઉત્તરપ્રદેશના છે. તેમના પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને કેમિકલ મળી આવ્યું છે. ડો. અહેમદ સૈયદ ઝીલાની વ્યવસાયે ડોકટર છે. ડો. અહેમદે ચીનમાં MBBS કર્યું છે. ડો. અહેમદ હૈદ્રાબાદનો જ્યારે મોહમ્મદ સુહેલ અને આઝાદ બંને ઉત્તરપ્રદેશના રહેવાસી છે.
ડો. અહેમદ સૈયદના 17 નવેમ્બર સુધીના રિમાન્ડ ATSને મળ્યા છે. ડો. અહેમદ ભણેલો છે અને તે અબુ ખાદીજા નામના આતંકીના સંપર્કમાં હતો. આ આતંકીઓ ગુજરાતમાં હથિયારોની આપ-લે કરવાના ઇરાદે 6 નવેમ્બરની રાત્રે આવ્યા હતા. તેમણે દેશના અનેક સ્થળો પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આતંકીઓએ એક વર્ષ પહેલાં રેકી કરી હતી. ATS હવે બીજા આરોપીઓની ઓળખ કરવા અને અન્ય રાજ્યોમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરશે. ડો. સૈયદનો પૈસા એકત્રિત કરી અને આતંકી હુમલો કરવાનો પ્લાન હતો. ફંડ ક્યાંથી આવવાનું હતું અને કેવી રીતે આવવાનું હતું તેની તપાસ હાથ ધરાશે.
ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ, આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમખાન નામના ત્રણેય આતંકીઓ ISKP નામના આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્રણ આતંકીઓમાંથી ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામના આતંકીએ ચીનમાં MBBSનો અભ્યાસ કર્યો છે. તે વિદેશી લોકોના સંપર્કમાં હોવાનો ખુલાસો થયો છે. ડો. સૈયદ મોટું ફંડ મેળવી આતંકી હુમલા કરવાનો પ્લાન કરતો હોવાની ATSને માહિતી મળી છે. ડો. સૈયદ સાઈનાઈડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ પણ કરી રહ્યો હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે.
ગુજરાત ATSના ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું કે, અમને બાતમી મળી હતી કે, હૈદરાબાદનો ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ ગુજરાતમાં હુમલાને અંજામ આપવા અમદાવાદ આવ્યો છે. જેના આધારે ATSએ અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ કરતાં અમદાવાદ-મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારમાં ચેકીંગ કર્યુ હતું. જેમાંથી ડો. સૈયદ મળી આવ્યો હતો. તેની પાસેથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ ઉપરાંત 30 જીવતા કારતૂસ અને 4 લીટર કેસ્ટર ઓઈલ મળી આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, એટીએસની ટીમે ડો. અહેમદ મોહ્યુદ્દીનને ઓફિસ પર લાવી વધુ પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેને હથિયારો કલોલ નજીકના એક કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની તેમજ 'અબુ ખાદીજા' નામનો શખ્સ તેનો સહાયક હોવાની કબૂલાત કરી હતી. ડો. અહેમદના જણાવ્યા મુજબ અબુ ખાદીજા અફઘાનિસ્તાનનો રહેવાસી છે અને ISKP સંગઠન સાથે સંકળાયેલો છે. આ ઉપરાંત તે ઘણા પાકિસ્તાનીઓના સંપર્કમાં છે. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા ખૂબ જ શક્તિશાળી ઝેર બનાવી રહ્યો હતો. જેના માટે જરૂરી સંશોધન, સાધનો, કાચા માલની ખરીદી અને પ્રારંભિક રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી હતી.
તેમણે ઉમેર્યુ કે, ડો. અહેમદ સૈયદને હથિયારો પહોંચાડનારા શખ્સોની ATS ટીમે તપાસ શરૂ કરતાં બનાસકાંઠાનું લોકેશન મળ્યું હતું. કલોલના કબ્રસ્તાન સુધી હથિયારો પહોંચાડનારા ઉત્તરપ્રદેશના બે શખ્સો આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલને બનાસકાંઠાથી દબોચી લેવાયા હતા. આતંકવાદી માનસિકતા ધરાવતા બંને શખ્સોએ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા. આ શખ્સોએ લખનૌ, દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી. હથિયાર બાબતે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ શખ્સોને તેમનો નેતા પાકિસ્તાન સરહદ પારથી ડ્રોન દ્વારા મોકલી રહ્યો છે.
ડો. અહેમદ સૈયદના મોબાઈલમાંથી સ્ફોટક માહિતી મળી
ડો. અહેમદ સૈયદના ફોનમાં ઘણી માહિતી મળી આવી છે. સૈયદ 35 વર્ષનો છે. તેણે ચીનમાંથી MBBSનો અભ્યાસ કર્યો છે. ભારતમાં મોટી આતંકી ઘટનાનો અંજામ આપવાનો હોવાની અને ઘણા વિદેશીઓ સાથે સંપર્કમાં હોવાની માહિતી મળી છે. અબુ ખદીજા સાથે ટેલિગ્રામથી ત સંપર્કમાં હતો. જે અફઘાનિસ્તાનના ISKP સાથે જોડાયેલો હોવાનું મનાય છે.
સાઈનાઈડ કરતાં ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ
ડો. અહેમદ સૈયદની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. સૈયદે હૈદરાબાદમાં રહેતા બે શખ્સો આઝાદ અને સોહિલ પાસેથી રાજસ્થાનના હનુમાનગઢ ખાતેથી વસ્તુઓ મેળવી હતી. તે હૈદરાબાદ પરત જઈને સાઇનાઇડ કરતાં પણ ખતરનાક ઝેર બનાવવાની પ્રક્રિયા કરી રહ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ, આ ઝેર પાવડર ફોર્મમાં તૈયાર કરી તેનો ઉપયોગ ખાવામાં ભેળવીને કરવામાં આવનાર હતો.
થોડા મહિના પહેલાં ચાર આતંકી ઝડપાયા હતા
ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા 4 આતંકીની ધરપકડ કરી હતી. ચારમાંથી બે શખ્સો અમદાવાદ અને મોડાસાના હતા. જ્યારે બે શખ્સો દિલ્હી અને નોઈડાના હતા. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો સોશિયલ મીડિયા અને કેટલીક એપ દ્વારા પ્રચાર-પ્રસાર કરતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.