ગોંડલમાં પતંગ ચગાવવા બાબતે જૂથ અથડામણ: યુવકનું મોત
ભગવતપરામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, પતંગની સામાન્ય તકરારે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ

જૂથ અથડામણ

જૂથ અથડામણ
રાજ્યભરમાં જ્યારે લોકો ઉત્સાહભેર મકરસંક્રાંતિની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે ગોંડલના ભગવતપરા વિસ્તારમાં હિંસક ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. પતંગ ચગાવવા જેવી નજીવી બાબતમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં એક ૩૦ વર્ષીય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની વિગત :
ગોંડલના ભગવતપરા ગેઈટ નજીક આવેલી શેરીમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. મકરસંક્રાંતિના દિવસે પડોશમાં રહેતા બે પરિવારો પોતપોતાના ધાબા પર પતંગ ઉડાવી રહ્યા હતા. તે સમયે પતંગ કાપવા અથવા ચગાવવા જેવી સામાન્ય વાતમાં બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ વધુ વકર્યો હતો અને બંને પક્ષના લોકો તીક્ષ્ણ હથિયારો સાથે શેરીમાં ઉતરી આવ્યા હતા. સામસામે થયેલા હુમલામાં કુલ ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સારવાર દરમિયાન કરુણ અંજામ :
ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોંડલની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હાલત વધુ નાજુક હોવાથી તમામ લોકોને રાજકોટ રિફર કરાયા હતા. દુર્ભાગ્યવશ, ૩૦ વર્ષીય અનિલ લુણાસરિયાનું રાજકોટ પહોંચતા પહેલા જ રસ્તામાં કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
પોલીસ કાર્યવાહી :
હત્યાના સમાચાર મળતા જ ગોંડલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પરિસ્થિતિ વણસે નહીં તે માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે અનિલ લુણાસરિયાની હત્યા અંગે ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય