પંજાબના પૂર્વ IG અમર સિંહ ચહલનો આત્મહત્યાનો પ્રયાસ
અમર સિંહ ચહલે ઓનલાઈન છેતરપિંડીમાં 8 કરોડ રૂપિયા ગુમાવ્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ

પૂર્વ IG અમર સિંહ ચહલ

પૂર્વ IG અમર સિંહ ચહલ
પંજાબના પટિયાલાથી એક હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યના પૂર્વ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અમર સિંહ ચહલ દ્વારા પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે આ પગલું પટિયાલા સ્થિત પોતાના નિવાસસ્થાને ભર્યું હતું અને આ માટે તેમણે પોતાના જ સુરક્ષાકર્મીની રિવોલ્વરનો ઉપયોગ કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અમર સિંહ ચહલને તાત્કાલિક પટિયાલાની પાર્ક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવાય છે. આ ઘટનાની જાણ થતાં જ પટિયાલાના SSP વરુણ શર્મા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમના નેટવર્ક વિશે ચોંકાવનારી વિગત
ગોળી ચલાવતા પહેલા પૂર્વ IG અમર સિંહ ચહલ દ્વારા 12 પાનાની એક લાંબી સ્યુસાઈડ નોટ લખવામાં આવી હતી, જે પંજાબ પોલીસના DGP ગૌરવ યાદવને સંબોધીને લખાઈ છે. આ સ્યુસાઈડ નોટમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું છે કે, તેઓ આશરે 8.10 કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા છે. નિવૃત્તિ પછી પટિયાલામાં સ્થાયી થયેલા અમર સિંહ ચહલ દ્વારા લખાયેલી આ નોટમાં ઓનલાઈન સાયબર ક્રાઈમના નેટવર્ક વિશે ચોંકાવનારી વિગતો આપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ અત્યારે આ સ્યુસાઇડ નોટના દરેક મુદ્દાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે.
અમર સિંહ ચહલ માનસિક રીતે ભાંગી પડ્યા
સ્યુસાઇડ નોટની વિગતો મુજબ, અમર સિંહ ચહલ થોડા સમય પહેલા "IPS Group" નામના એક વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા. આ ગ્રુપમાં રોકાણ પર ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપવામાં આવી હતી. આ જાળમાં ફસાઈને તેમણે ધીરે ધીરે મોટી રકમનું રોકાણ કરી દીધું હતું. જ્યારે તેમને સમજાયું કે, આ આખું નેટવર્ક ઓનલાઈન ઠગાઈનું છે, ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા અમર સિંહ ચહલ માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને આખરે તેમણે જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ડિજિટલ યુગમાં સુરક્ષા સામે મોટા સવાલો
પૂર્વ IGએ તેમના પત્રમાં વધુમાં ઉલ્લેખ કર્યો છે કે, છેતરપિંડીનો શિકાર બનેલી રકમમાંથી આશરે 7.5 કરોડ રૂપિયા તેમણે પોતાના નજીકના સંબંધીઓ અને પરિચિતો પાસેથી ઉછીના લીધા હતા. આટલું મોટું દેવું ચુકવવામાં અસમર્થ હોવાને કારણે અને લોકોનો વિશ્વાસ તૂટવાના ડરથી તેઓ ઊંડા માનસિક તણાવમાં ગરકાવ થઈ ગયા હતા. અમર સિંહ ચહલ જેવા ઉચ્ચ પોલીસ અધિકારી સાથે આ પ્રકારની સાયબર ઠગાઈ થવી એ ડિજિટલ યુગમાં સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કરે છે.
પંજાબમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત
ઉલ્લેખનીય છે કે, અમર સિંહ ચહલ વર્ષ 2015ના ચર્ચિત બહબલ કલાં અને કોટકપૂરા ગોળીબાર કેસમાં પણ આરોપી રહ્યા છે. આ કેસમાં પંજાબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ફેબ્રુઆરી 2023માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસના કારણે પણ તેઓ લાંબા સમયથી વિવાદોમાં હતા. હાલમાં પોલીસ આ આત્મહત્યાના પ્રયાસ પાછળ માત્ર આર્થિક છેતરપિંડી જવાબદાર છે કે, અન્ય કોઈ કારણો, તે દિશામાં પણ તપાસ કરી રહી છે. સમગ્ર પંજાબમાં આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!