વિદેશી દારૂના શોખીનો દારૂ પીતા પહેલાં ચેતી જાજો
જૂનાગઢમાં રહેણાંક મકાનમાં કેમિકલથી નકલી દારૂ બનાવી બ્રાન્ડેડ બોટલમાં વેચતો બુટલેગર ઝડપાયો

કેમિકલ અને એસેન્સ ભેળવી વિદેશી દારૂ બનાવી ઉંચા ભાવે વેચાણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ

કેમિકલ અને એસેન્સ ભેળવી વિદેશી દારૂ બનાવી ઉંચા ભાવે વેચાણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ
ગુજરાતમાં કાગળ ઉપર દારૂબંધી હોય તેમ ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે. જૂનાગઢમાં બુટલેગર બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં નકલી દારૂ ભરીને વેચાણ કરતો હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વધુ નફો કમાવવાની લાલચે બુટલેગર ઘરમાં નકલી દારૂ બનાવતો હોવાનો ખુલાસો થયો છે.
રહેણાંકના મકનમાં નકલી દારૂની ફેક્ટરી બનાવીને સમગ્ર કૌભાંડ કરતો હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે દરોડા પાડી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે રઘુવીર સોલંકી નામના શખ્સની ધરપકડ કરી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં નકલી ઘી, નકલી તેલ કે નકલી મસાલા સહિત અનેક ચીજવસ્તુઓ પકડાવવાની ઘટનાઓ બની છે. હવે નકલી દારૂ બનાવવાની ફેક્ટરીઓ પણ ઝડપાઈ રહી છે. થોડા સમય પહેલાં અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારના એક ફ્લેટમાં એક શખ્સ બ્રાન્ડેડ કંપનીની બોટલમાં નકલી દારૂનું વેચાણ કરતાં ઝડપાયો હતો.
જૂનાગઢ શહેરના ધરાનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઘરના દ્રશ્યો જોઈને પોલીસ ચોંકી ગઈ હતી.
બુટલેગરે પોતાના મકાનને નકલી દારૂ તૈયાર કરવા ફેક્ટરી બનાવી દીધું હતું. નકલી દારૂ બનાવવા માટેની સિસ્ટમની ઘરમાં ગોઠવણ કરી હતી. બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો હતો. ટાંકીમાં પાણી ભર્યા બાદ તેમાં કેમિકલ અને એસેન્સ મિક્સ કરીને દારૂ જેવું પ્રવાહી તૈયાર કરતો હતો. પ્રવાહી તૈયાર થઈ ગયા બાદ તેને અલગ-અલગ બ્રાન્ડની બોટલોમાં ભરીને બજારમાં વેચાણ કરતો હતો.
નકલી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા સાથે બુટલેગર પાસે અલગ-અલગ પ્રીમિયમ બ્રાન્ડના નકલી સ્ટીકરો અને સીલ મારવાનું મશીન પણ હતું. નકલી દારૂ તૈયાર થઈ ગયા બાદ નવી-જૂની બોટલો ભેગી કરી તેમાં દારૂ ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો અને સીલ મારીને અસલી દારૂની માફક વેચાણ કરતો હતો. કોઈને નકલી દારૂ અંગે શંકા ન જાય તે માટે દારૂની બોટલ સીલ કરવામાં ખાસ ધ્યાન રાખતો હતો.
એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી રઘુવીર સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. રઘુવીર સોલંકી સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. એ ડિવિઝન પોલીસે નકલી દારૂ ભરેલી 1400 બોટલો, 450 લિટર જેટલું કેમિકલ અને એસેન્સનો જથ્થો, ખાલી બોટલો, બુચ અને નકલી સ્ટીકરો, દારૂ બનાવવા માટે વપરાતા વાસણો અને અન્ય સાધનો જપ્ત કર્યા છે.
આ કૌભાંડમાં રઘુવીર સોલંકી સાથે અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તેમજ કેમિકલ ક્યાંથી લાવતો હતો અને દારૂનું વેચાણ ક્યાં અને કેવી રીતે કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!