ટ્યૂશનમાં બેસવા બાબતે વિવાદ,છરીના ઘા ઝીંક્યા
બાપુનગરમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર સહપાઠીનો હુમલો, ક્લાસમાં રૂમ બદલવાની વાતમાં લોહી ઉછળ્યુ

અમદાવાદ વિદ્યાર્થી પર છરીથી હુમલો

અમદાવાદ વિદ્યાર્થી પર છરીથી હુમલો
સુરતની હિંસક ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓ વચ્ચેની અદાવત લોહીની હોળીમાં પરિણમી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા હીરાવાડી પાસે ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર તેના જ સહપાઠીએ છરી વડે હુમલો કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ટ્યૂશન ક્લાસમાં બેસવાની ક્ષુલ્લક બાબતે શરૂ થયેલો વિવાદ જીવલેણ હુમલા સુધી પહોંચી જતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે.
શું હતી હુમલા પાછળની માથાકૂટ ?
ઘટનાની વિગતો અનુસાર, હીરાવાડી વિસ્તારમાં આવેલા એક ટ્યૂશન ક્લાસમાં 15 માર્ચના રોજ બેસવાની જગ્યાને લઈને બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ક્લાસમાં જગ્યા ઓછી હોવાને કારણે ભોગ બનનાર વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને બીજા રૂમમાં જઈને બેસવા માટે જણાવ્યું હતું. આ વાત સામે પક્ષના વિદ્યાર્થીને અસહ્ય લાગી હતી અને તેણે મનમાં ખાર રાખ્યો હતો.
આ નજીવી બાબતનું મનદુઃખ એટલું વધી ગયું કે આરોપી વિદ્યાર્થીએ હુમલો કરવાનું મન બનાવી લીધું હતું. જ્યારે વિદ્યાર્થી ટ્યૂશનથી છૂટીને હીરાવાડી પાસે આવેલી ભોમિયા ડેરી નજીક પહોંચ્યો, ત્યારે આરોપીએ તેને રસ્તામાં આંતર્યો હતો. અહીં ફરી બંને વચ્ચે ઉગ્ર ગાળાગાળી થઈ હતી અને ઉશ્કેરાયેલા હુમલાખોરે પોતાની પાસે રાખેલો છરો કાઢી વિદ્યાર્થીના પેટના ડાબા ભાગે ઝીંકી દીધો હતો.
ઇજાગ્રસ્તની હાલત ગંભીર, સિવિલ હોસ્પિટલ ખસેડાયો :
હુમલો થતા જ વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. હુમલાખોર વિદ્યાર્થી તકનો લાભ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકો અને અન્ય મિત્રોએ તત્કાલિક મદદ કરીને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને રિક્ષા મારફતે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હાલમાં વિદ્યાર્થી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેની સારવાર ચાલી રહી છે.
પોલીસની કડક કાર્યવાહી અને તપાસ :
આ ઘટનાની જાણ થતા જ બાપુનગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસે હુમલો કરનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ટ્યૂશન સંચાલકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ છે. પોલીસે તપાસ શરૂ કરી છે કે સગીર વયના વિદ્યાર્થી પાસે આ હથિયાર ક્યાંથી આવ્યું.
વિદ્યાર્થીઓમાં વધતી હિંસા ચિંતાનો વિષય :
અમદાવાદમાં આ અગાઉ સેવન્થ ડે સ્કૂલમાં પણ આવી જ હિંસક ઘટના બની ચૂકી છે. ટૂંકા સમયગાળામાં સુરત અને હવે અમદાવાદમાં વિદ્યાર્થીઓ દ્વારા હથિયારોનો ઉપયોગ કરીને કરવામાં આવતા હુમલાઓએ શિક્ષણ જગત અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. સામાન્ય બોલાચાલીમાં લોહી વહેવડાવવાની આ માનસિકતા સમાજ માટે લાલબત્તી સમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!

કાલુપુરની પાર્સલ સર્વિસ પેઢીમાં નોકરી દરમિયાન ₹45,29,910ની ચોરી કરી ફરાર થયાનો આરોપ! તપાસ કરતાં LCB ઝોન-3ની ટીમ બંને સગા ભાઈઓ સુધી ઉત્તર પ્રદેશના આગ્રામાં પહોંચી.

મહેસાણાના વિસનગરમાં ભુવાજી સામે 34 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ અને શોષણની ફરિયાદ નોંધાવી. આ કેસમાં અન્ય બે શખ્સોનાં નામ પણ સામે આવ્યાં છે!